- 12 જૂનની બેઠકમાં નવા શાસકોએ ગૂજરાત વિદ્યાપીઠના બંધારણનો હાર્દ જ બદલી નાંખ્યો
- નવા ઘડાયેલા બંધારણમાં કુલનાયક અને કુલસચિવની નિર્ણય-શક્તિ શૂન્ય
- નવા શાસકોના આગમનમાં મત આપનાર અધ્યાપકોની નિમણૂક પણ ભૂતકાળ બને તો નવાઈ નહીં
ગૂજરાત વિદ્યાપીઠમાં ઘૂસેલા નવા શાસકોએ વિદ્યાપીઠની મિલકતોનો ખેલ પડી શકે તેમજ અન્ય મનફાવે તેવા નિર્ણયો કરી શકે એ માટે સૌ પ્રથમ 95 વર્ષ જૂના મહાત્મા ગાંધી દ્વારા ઘડાયેલા બંધારણને જડમુળમાંથી બદલી નાખ્યુ હોવાના આક્ષેપો થયાં છે. ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળની ગત 12 જૂનના રોજ મળેલી બેઠકમાં સૌથી પહેલા બંધારણમાં આમુલ ફોરફરો કરાયાં. નવા બદલાયેલા બંધારણમાં કુલનાયક અને કુલ સચિવને એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવા નખ વગરના વાઘ સમાન બનાવી દીધા. જૂના બંધારણ મુજબ મંડળના પ્રમુખ તરીકે કુલનાયક હતા તેમને હટાવી કુલપતિને નામજોગ પ્રમુખ બનાવી દેવાયા જ્યારે મંત્રી તરીકે કુલ સચિવ હતા એના બદલે ટ્રસ્ટી મંડળના એક સભ્ય જે બે યુનિવર્સિટીમાં નિષ્ફળ નિવડેલા છે અને તેમની સામે અનેક ફરિયાદો ઉઠેલી છે તેમને મુકી દેવાયાં. જેથી હાલના તબક્કે ગૂજરાત વિદ્યાપીઠ મંડળ દ્વારા લેવાતા નિર્ણયોની ગંધ શુદ્ધા પણ કુલનાયક કે કુલસચિવ સુધી પહોચતી નથી. જેના કારણે મંડળના મંત્રી દ્વારા પોતાની ઈચ્છા મુજબના નિર્ણયો લેવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો થયાં છે.
વર્ષ-1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠનું મંડળ વર્ષ-1928માં અસ્તિત્વમાં આવ્યુ. જેમા મંડળના પ્રમુખ તરીકે કુલ નાયક અને કુલનાયકના ઉપર કુલપતિની સત્તા રાખવામાં આવી હતી. એટલે કે, જ્યારે કુલપતિ ઉપસ્થિત હોય ત્યારે તેઓ અધ્યક્ષ રહે પણ કુલપતિ હાજર ન હોય ત્યારે અધ્યક્ષ તરીકે કુલનાયક રહે. એ સિવાય કુલ સચિવ મંત્રી રહે. જેથી વિદ્યાપીઠના વહિવટી અને એકેડેમિક નિર્ણયમાં કુલનાયક-કુલસચિવની ભૂમિકા મહત્વની હોય. 25 સભ્યોના આ મંડળમાં અધ્યાપકોની જે નિમણુક કરવાની થાય એમા પણ વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવી હતી. આ પરંપરા મુજબ વર્ષોથી વિદ્યાપીઠનું તંત્ર ચાલતુ હતું. દરમિયાન તત્કાલિન કુલનાયકની નિયુક્તિનો વિવાદ સર્જાતા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણુક અને આ દરમિયાન નવા ચાર સભ્યોની ટ્રસ્ટી મંડળમાં એન્ટ્રી થઈ હતી. આ ચાર પૈકી એક સભ્યએ વિદ્યાપીઠના સર્વેસર્વા બનવા માટેના પ્રયત્નો શરૂ કર્યાં જેમાં તેઓએ સૌ પ્રથમ મંડળની સત્તા પોતાના હસ્તક થાય એ માટેનો કારસો ઘડવાનુ શરૂ કર્યું. જૂના અને પરંપરાગત બંધારણ મૂજબ સંપૂર્ણ સત્તા તેમના હસ્તક થાય તેવા કોઈ સંજોગો જણાતા નહોતા જેથી તેમણે બંધારણમાં બદલાવ લાવવાનો કારસો ઘડયો અને તેમા તેઓ સફળ પણ રહ્યાં. 12મી જૂનના રોજ મળેલી પ્રથમ બેઠકમાં જ બંધારણમાં ફોરફાર કર્યો અને એમા કુલનાયક અને કુલસચિવને હટાવી દીધા. નવા બંધારણમાં પ્રમુખ તરીકે આચાર્ય દેવવ્રતજીને પ્રમુખ તરીકે આજીવન રાખવામાં આવ્યાં જેમાં તેમના હોદ્દાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી માત્ર નામ જ દર્શાવ્યું છે. મંત્રી તરીકે ડૉ.હર્ષદ પટેલ અને કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ ઠાકરની નિમણુક કરવામાં આવી છે.
જોકે હાલની સ્થિતિએ વિદ્યાપીઠની માલિકીની જે કઈપણ મિલકતો કે અન્ય કોઈ વહિવટી નિર્ણયો લેવાય છે તેમાં કુલનાયક અને કુલ સચિવનો કોઈ જ રોલ અથવા તો તેમની કોઈ નિર્ણય-શક્તિ રહી ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે. નવા બંધારણમાં મંડળમાં કુલપતિ સહિત કુલ 17 સભ્યો રાખવાની જોગવાઈ છે. જેમાં 4થી 17 ક્રમાંકના સભ્યોની મૂદત 5 વર્ષની છે. આ સિવાય હોદ્દાગત 7 સભ્યો એટલે કે, અધ્યાપકોની નિમણુક કરાઈ છે, જેમના કાર્યકાળ અંગેનો ઉલ્લેખ કરવાની જગ્યાએ તેમની મૂદત પૂર્ણ થવાની ડેડલાઈન જાહેર કરી દેવાઈ છે.
નવા શાસકોના આગમનમાં મત આપનાર અધ્યાપકોની નિમણૂક પણ ભૂતકાળ બને તો નવાઈ નહીં
ગૂજરાત વિદ્યાપીઠમાં નવા શાસકોના આગમાનમાં સૌથી મોટો જેઓનો ફાળો છે તે અધ્યાપકો છે. કુલપતિની નિમણુક દરમિયાન કુલ 9 ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યાનો વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવાની બાબતમાં જે અધ્યાપકો મંડળના સભ્ય હતા તેઓનો સૌથી મોટો સપોર્ટ હતો. પરંતુ હવે નવા બંધારણ મુજબ 7 અધ્યાપક સભ્યોની હોદ્દાગત જે નિમણુક છે તેમનો કાર્યકાળ 31, માર્ચ-2024 સુધીનો જ રાખવામાં આવ્યો છે. એ પછી આ જગ્યામાં નવાની નિયુક્તિ થશે કે કેમ તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.


