- ગત સપ્ટેમ્બર 2023માં એલસીબી ટીમે રેડ કરી હતી
- છેલ્લા 25 દિવસમાં જ આ કેસના પાંચ ફરાર આરોપીને પોલીસે દબોચ્યા
- કેસના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપી લીધો
સુરેન્દ્રનગર એલસીબી ટીમે ગત સપ્ટેમ્બર 2023માં સાયલાના નાના હરણિયા ગામે જુગારની રેડ કરી હતી. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા 20 શખ્સો રૂ. 31 લાખથી વધુની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં 9 શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ કેસના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપી લીધો છે.
એલસીબી ટીમને ગત તા. 6 સપ્ટેમ્બર 2023ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સાયલાના નાના હરણીયા ગામે ગણપત ઉર્ફે ગુંદર સોમાભાઈ વસાવા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં 20 શખ્સો રોકડ, 7,18,700 રોકડા, 8 મોબાઈલ ફોન, 3 કાર સહિત રૂ. 31,88,700ની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં 9 શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવની ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા 25 દિવસમાં જ આ કેસના ફરાર આરોપી રાજકોટના મુસ્તાક હાસમભાઈ નારેજા, કચ્છનો કાનજી કુંભાભાઈ દસાણી, જુનાગઢનો ફીરોઝ ઉર્ફે લાકડી યુસુફભાઈ બ્લોચ અને નાના હરણીયાનો વનરાજ અમરાભાઈ ખાચર પોલીસના હાથે ઝડપાયો છે. જેમાં વનરાજ ખાચર સામે પાસાની કાર્યવાહી કરી એલસીબી દ્વારા ભુજ જેલ હવાલે પણ કરાયો છે. ત્યારે આ કેસનો વધુ એક ફરાર આરોપી જામનગરનો સતીશ ચંદુભાઈ સેઠીયા ધાંધલપુર ચોકડી પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણ, નરેશભાઈ, પ્રતાપભાઈ સહિતનાઓએ સાયલાની ધાંધલપુર ચોકડી પાસે વોચ રાખી તેને ઝડપી લીધો હતો.


