- રાજ્યસભાના સાંસદ તરીકે બંને બીજી એપ્રિલે રિટાયર્ડ થશે
- સૌરાષ્ટ્રના આ બંને મોટા નેતા પૈકી ભાજપ કોઈક એકને લોકસભા ચૂંટણીમાં ઉતારશે
- વિભાગોનો હવાલો આપોઆપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક થઈ જશે
માર્ચના પહેલા કે બીજા સપ્તાહે લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી બીજી એપ્રિલે રાજ્યસભામાંથી ભારત સરકારમાં મંત્રીપદે રહેલા ચારેકની ટર્મ પૂર્ણ થશે, રિટાયર્ડ થશે. જેમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાનો પણ સમાવેશ થાય છે. તકનિકી રીતે આ બેઉ મંત્રીને રાજ્યસભામાં નવી ટર્મ માટે રિપિટેશન મળ્યુ નથી, આથી લોકસભાની ચાલુ ચૂંટણીએ તેમને હસ્તક રહેલા વિભાગોનો હવાલો આપોઆપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક થઈ જશે.
માત્ર મનુસખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જ નહિ પણ ભારત સરકારમાં મંત્રીપદે રહેલા વી. મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખરને પણ રાજ્યસભામાં રિપિટેશન મળ્યુ નથી. આથી, જે મંત્રીઓ રાજ્યસભાના સાંસદ છે અને ત્યાંથી બીજી એપ્રિલે રિટાયર થાય છે, નવી ટર્મ માટે ભાજપે રિપિટ કર્યા નથી તેવા તમામ પાસે રહેલા ભારત સરકારના વિભાગો લોકસભાની ચૂંટણી વેળા રખેવાળ સરકારના વહનકર્તા વડાપ્રધાન મોદીને હસ્તક થશે એમ મનાય છે. કેન્દ્રીય મંત્રી માંડવિયા વર્ષ 2012થી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જ્યારે રૂપાલા વર્ષ 2016માં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલના અવસાનથી ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીને રસ્તે રાજ્યસભામાં પ્રવેશ મળ્યો હતો. હવે જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવતા આ બંને મંત્રીઓને રાજ્યસભામાં રિપિટેશન મળ્યુ નથી તેવા સંજોગોમાં સૌની નજર લોકસભાની ચૂંટણી ઉપર ટકી છે. ભાજપમાં કહેવાય છે કે, કેન્દ્રીય મંત્રી રહેલા આ બંને મોટા નેતા પૈકી કોઈ એકને સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારોથી પ્રભાવિત એવા અમરેલી, પોરબંદર, રાજકોટ કે પછી ભાવનગર એમ ચાર સંસદીય ક્ષેત્રોમાંથી એકાદ બેઠક બેઠક ઉપર ચૂંટણી લડાવાશે. ઉલ્લેખનિય છે કે, બીજી એપ્રિલે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા માંડવિયા અને રૂપાલા ઉપરાંત કોંગ્રેસના ડો.અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવા પણ રિટાયર્ડ થઈ રહ્યા છે. આ ચારેયના સ્થાને ગુજરાત વિધાનસભામાંથી બિનહરીફ ચૂંટાયેલા જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મંયક નાયક અને ડો. જશવંતસિંહ પરમાર રાજ્યસભામાં છ વર્ષની ટર્મ માટે પ્રતિનિધિત્વ કરશે.


