- પુણ્યાઢ્ય રાજાએ હવે એવાં એવાં કામો કરવા માંડ્યાં છે કે જેથી એનું પુણ્ય વધે
પંગુંનું આશ્ચર્ય સમાતું નથી. જોકે, આનંદ તો થાય જ છે. આ શું થઈ ગયું? કોઈ દિવસ ઘરની બહાર નીકળ્યો નથી. આજે બહાર નીકળ્યો તો અચાનક રાજા બની ગયો. આ ઘટના કેવી રીતે બની? આ તો આનંદાશ્ચર્યમાં એવો ખોવાઈ ગયો છે કે કંઈ ખબર જ પડતી નથી. વિધિપૂર્વક રાજગાદીએ બેસી ગયો છે.
હવે એને કોઈ પંગું કહીને બોલાવે તો કંઈ સારું લાગે? એટલે હવે બધા એમને `પુણ્યાઢ્ય’ રાજા કહીને જ બોલાવે છે. વાત તો બરાબર જ છે ને માણસનું ભાગ્ય ફરી જાય પછી એના જીવનની દરેક પદ્ધતિમાં ફરક પડી જાય.
જોકે, રાજા બન્યા પછી એના પુણ્યમાં પણ ફરક પડી રહ્યો છે. એની બોલવાની અને વિચારવાની પદ્ધતિમાં ઘણોબધો તફાવત આપણને દેખાય. રાજ્ય ચલાવવાનું એ કંઈ ખાવાના ખેલ થોડા જ છે. મગજનો ઉપયોગ કરવો પડે. અરે, ભાઈ કોઈને રાજી કરવા પડે તો વળી કોઈને નારાજ કરવા પડે, પણ એ બધું રાજ્યના હિતમાં હોવું જોઈએ. રાજ્યનું હિત ન હોય એવી એક પણ પ્રવૃત્તિ ન હોવી જોઈએ. આટલું એના મગજમાં ફિટ હતું.
પ્રજાજનોનો પણ સહકાર એને સારો હતો. તો સામે પ્રજાહિતનાં જુદાં જુદાં કામો કરવામાં પણ એને રસ હતો. એ એટલું ચોક્કસ સમજે છે કે હું રાજ્યનો માલિક બન્યો છું એમ! મારી કોઈ હોશિયારી કામમાં આવી નથી. મારું પુણ્ય ને પરમાત્માની મારા ઉપરની અસીમ કૃપા જ કારણ છે. આમાં બીજી કલ્પના હું કરી શકું એમ નથી. મારે પુણ્ય અને પરમાત્માની કરુણા વધારવા સતત સતકાર્યો કરવાં પડે તો જ મારા કાર્યમાં મને સફળતા મળે. માણસની વિચારધારાથી એની ઉત્તમતાનો ક્યાસ નીકળતો હોય છે.
પુણ્યાઢ્ય રાજાએ હવે એવાં એવાં કામો કરવા માંડ્યાં છે કે જેથી એનું પુણ્ય વધે. સારા માણસોને સહાય કરવામાં એ પાછું વાળીને જોતો નથી તો દુષ્ટ માણસોને દંડ કરવામાં પણ કચાશ રાખતો નથી. બીજાના ઉપર ધાક બેસવી જોઈએ. એક જણને વ્યવસ્થિત શિક્ષા કરેલી હોય તો પછી બીજો અપરાધ કરતા વિચાર કરે. અધિકારીઓનું તંત્ર પણ એવું જડબેસલાક ગોઠવેલું કે વહીવટમાં કોઈ કચાશ કે કસૂર ન રહે. વાસ્તવમાં પુણ્યાઢ્ય એક સફળ શાસક તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. નગરજનો ખુશ તો રાજા પણ ખુશ જ હોયને!
એમ કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. તપન મુનિ ગુરુ ભગવંતની પાસે અધ્યયન, આરાધના, સાધના કરે છે. ઉત્કૃષ્ટ ભાવથી ઉત્કૃષ્ટ આરાધના કરવામાં આવે તો એનું ફળ પણ એવું જ ઉત્તમ મળતું હોય છે. તપન રાજર્ષિએ એવી ઉત્તમ આરાધના કરેલી કે એમાં એમને વિશિષ્ટ જ્ઞાન થયેલું જેના કારણે એ ભૂતકાળનું અને ભવિષ્યકાળનું પણ જાણી શકે. આવા મહાત્માની વિશેષતાએ હોય છે કે પૂછ્યા વગર એ કોઈ પણ વાતમાં પોતાના જ્ઞાનને પ્રદર્શિત કરે નહીં.
ગુરુજીની આજ્ઞા લઈને એ સ્વતંત્ર વિચરે છે. એમને એવું તો હોય નહીં કે અમુક ગામમાં જવું કે અમુક ગામમાં ન જવું. એવું પણ ન હોય કે આ મારું ગામ છે કે આ ગામમાં મારાં સગાં-સ્નેહી રહે છે તો હું એમને મળી આવું જેવી વિચારણા પણ ન હોય.
વિહાર કરતાં એ એક વાર તે જ નગરમાં આવી પહોંચ્યા. આવા મહાત્મા એ સમયે ગામમાં ન આવતા પણ ગામની બહાર ઉપવન જેવું હોય જ્યાં ઘણાંબધાં ઝાડ હોય એની છાંયામાં રહે અને ત્યાં જે કોઈ આવે તો એને ઉપદેશ પણ આપે.
રાજાને સમાચાર મળ્યા આપણા નગરના ઉદ્યાનમાં મહાત્મા આવેલા છે. રાજાએ નગરમાં સમાચાર પ્રસરાવી દીધા કે મહાત્માને વંદન કરવા આજે મધ્યાહ્ન પછી આપણે બધાએ ઉદ્યાનમાં જવાનું છે, તો બધાએ સમયસર આવી પહોંચવું.
નગરજનો આવીને મુનિ ભગવંતને નમસ્કાર કરીને બેસી ગયા છે. મહામંત્રી, સેનાપતિ અને મહારાજ પુણ્યાઢ્ય પણ આવીને પોતાના સ્થાને ગોઠવાઇ ગયા છે. રાજર્ષિએ રાજા સહિત નગરજનોને ધર્મશ્રવણની જિજ્ઞાશાવાળા શ્રોતાઓને જોયા પછી એમને પણ વિચાર આવ્યો હશે. આ બધાને કંઈક જીવનને ઉપયોગી વાતો સંભળાવવી જોઈએ.
એેમણે પોતાની વાત ચાલુ કરી.
માણસે પોતાના જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આપણને મળેલું માનવજીવન ભોગવિલાસમાં જ પસાર કરવાનું? મોજમજા કરવાની? આપણા જીવનનું લક્ષ્ય શું? આપણને બહુ થોડો-નાનો કાળખંડ મળ્યો છે. આટલા કાલખંડને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જીવન યંત્રથી સુધરતું નથી, વૈરાગ્યથી સુધરે છે. વૈરાગ્ય ભોગવિલાસથી આપણને દૂર કરે છે, કારણ કે વૈરાગ્ય વસ્તુના મૂળભૂત તત્ત્વ સુધી પહોંચાડે છે.
વાતને વ્યવસ્થિત સમજવી જોઈએ. અનંતની યાત્રાના એક પડાવ સ્વરૂપે આપણને માનવજીવન મળ્યું હવે મારે એવાં એવાં સત્કાર્યો કરવાં છે કે જેથી મારો સાચા અર્થમાં આત્મવિકાસ થાય. આત્મધર્મનો વિકાસ સંયમથી થાય છે. જો તમારી પાસે કોઈ નિયમ નહીં હોય તો નિરંકુશ જીવન તમારી જીવનનાવને અધોગતિની ગર્તામાં ફેંકી દેશે. માટે તમારા જીવનમાં આગળ વધવા માટે કોઈ ને કોઈ નિયમમાં આવવું જોઈએ.
ગુરુદેવનું પ્રવચન સાંભળીને બધા રાજી રાજી થઈ ગયા. રાજા પુણ્યાઢ્યના મનમાં એક વાત સતત ઘુમરાયા કરતી હતી. મારી આવી શારીરિક સ્થિતિ હોવા છતાં રાજા કેવી રીતે બની ગયો? મને હજુ એ સમજ પડતી નથી કે આવું બન્યું કેવી રીતે?
એમણે ગુરુદેવને પૂછી નાંખ્યું. ભગવન્, મારા મનમાં વરસોથી એક વાત ઘૂમરાયા કરે છે. રાજા બનવાની મારી કોઈ યોગ્યતા નથી. મારા જન્મની સાથે રાજપરિવારમાં મારો જન્મ નથી થયો કે રાજકાજની સાથેનો મને કોઈ અનુભવ પણ ન હતો છતાં રાજ્યપ્રાપ્તિની પાછળ કોઈ સંબંધ તો હશેને? બસ, આ રહસ્ય જાણવાની મારી હાર્દિક ભાવના છે.
રાજર્ષિ પળવાર મૌન રહ્યા. પછી બોલવાનું ચાલુ કર્યું. માણસની સાથે જે કોઈ ઘટના બનતી હોય છે એ બધાનાં મૂળ કારણ કર્મ હોય છે. કરેલાં કર્મનું ફળ હોય છે. અહીંયાં પણ આ જ રીતની ઘટના કારણ છે.
એક સાધુ મહાત્મા હતા. જંગલમાં રહીને તપ કરવું અને આવશ્યક્તા હોય ત્યારે નજીકના ગામમાં જઈને કોઈ પણ ઘરમાં જવાનું. એ આપે એ લઈને આવવાનું એનાથી શરીરનું પોષણ કરવાનું. આ એમનો નિત્યનો ક્રમ હતો. સારા માણસને જોઈને બધાને સારા જ ભાવો થાય એ જરૂરી નથી. ક્યારેક સારા માણસને જોઈને એના માટે ખરાબ ભાવ થવાની પણ સંભાવના હોય છે, કારણ કે એના માટે સામેના માણસને વેરના અનુબંધ પડેલા હોય છે. તો આવું બને.
કોઈ એક જંગલમાં રહેતો માણસ હશે. એણે આ મુનિને જંગલમાં તપ-ધ્યાન કરતા જોયા. એમને જોઈને પેલાના મનમાં ભયંકર ગુસ્સો આવ્યો. એને ગુસ્સો કેમ આવ્યો એનું કોઈ કારણ ન હોય. બસ, ગુસ્સો આવ્યો એ પોતે ગુસ્સાનો કન્ટ્રોલ કરી ન શક્યો અને મુનિને મારવા દોડે છે. એ સમયે ત્રણ મિત્રો ત્યાં આવી ચઢે છે. એમને મુનિ પ્રત્યે સદ્ભાવ હતો જેના પ્રત્યે આપણને સદ્ભાવ અને પૂજ્યભાવ હોય એને આપણે પરેશાન કરવા જોઈએ?
પેલા ત્રણે મિત્રો મુનિને પરેશાન કરતા અટકાવવાનું કાર્ય કરે છે. પેલો જંગલી જેવો દેખાતો માણસ મુનિને મારવા પ્રયત્ન કરે છે. આ ત્રણે જણા એને અટકાવવા માટે પ્રયત્ન કરે છે. આના કારણે એ ત્રણે જણને શુભ કર્મબંધ થયો. એમાંનો એક એટલે પુણ્યાઢ્ય રાજા.
પુણ્યાઢ્ય પોતાના પૂર્વભવના જીવનની વાતો સાંભળીને વિસ્મિત થયો, પણ હજુ એના પ્રશ્નનું સમાધાન થયું નહીં. એટલે એણે આગળ પ્રશ્ન કર્યો. ભગવન્, બાકીના બે અત્યારે ક્યાં છે?
મુનિવરે એનો પણ જવાબ આપ્યો. બીજા બે જે હતાને એમાં એક તો હું પોતે જ છું. આ પદ્મપુર નગરનો પહેલાં રાજા હું જ હતો, પણ મને ગુરુદેવ મળ્યા અને હું જાગી ગયો. મેં દીક્ષા ગ્રહણ કરી. કોઈ સંતાન ન હોવાના કારણે પંચ દિવ્ય કરવામાં આવ્યા ને હાથીએ આપના ઉપર કળશથી અભિષેક કર્યો. આપ રાજા બન્યા.
અને ત્રીજા નંબરમાં રાજ્યનો પટ્ટહસ્તી. એ પણ આપણો પૂર્વભવનો મિત્ર છે. સૌથી પહેલાં તો જગાડવાનું કામ એણે જ કરેલું. એણે શ્લોક લખીને મને જગાડેલો. એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયેલું. એટલે એ વહેલો જાગી ગયેલો. એટલું જ નહીં, પણ મને જગાડવા માટે એણે જ મારા ઉપર ઉપકાર કરેલો.
હવે એક છેલ્લો પ્રશ્ન, આપણે ત્રણે મિત્રો. ત્રણેની એકસરખી ક્રિયા હોવા છતાં ત્રણેની સ્થિતિમાં આટલો ફરક શા માટે? તમારું પંચેન્દ્રિયપૂર્ણ શરીર- મારી કાયા આવી અને પેલો હાથી પશુયોનિ આનું કારણ શું?
છે, એનું પણ કારણ છે. માત્ર ક્રિયાના કારણે જ કર્મબંધ થાય છે એવું નથી, પણ હૃદયના ભાવોના કારણે કર્મ બંધ થતા હોય છે.
મુનિ ભગવંતની ઉપસર્ગ દૂર કરવાનો સહયોગ તો ત્રણે જણાએ એકસરખો કર્યો હતો, પરંતુ બે જણના મનના ભાવો મુનિ ભગવંત પ્રત્યે જેવા હોવા જોઈએ એવા ન હતા. એના કારણે એકને પશુપણું મળ્યું છતાં રાજ્યનો માન્ય હાથી બન્યો. બીજો રાજા તો બન્યો પણ એની શારીરિક પરિસ્થિતિ સારી ન હતી.
સભાજનો મુનિ ભગવંતની વાતો સાંભળીને પ્રસન્ન થઈ ગયા. સાથે એ વિચારવા લાગ્યા કે આપણે શુભ ક્રિયા કરી, પણ શુભ ક્રિયાને લગતા વિચારો ન કરીએ તો કેટલું મોટું નુકસાન થઈ શકતું હોય છે. મુનિ ભગવંતને વંદન કરીને બધા પોતપોતાનાં સ્થાને ચાલી ગયા. આવા પ્રસંગે આપણે પણ એ જ વિચાર કરવાનો કે નાનીસરખી ભૂલ આપણને કેટલું મોટું નુકસાન કરી શકે છે અને આવા નુકસાનથી બચવા માટે આપણે કેવી સજાગતા કેળવવી જોઈએ. આટલું જો આપણે સમજતા થઈ જઈએ તો આપણા સાચા કલ્યાણને કોઈ અટકાવી ન શકે.