- રૂ. 106.21 કરોડના વિકાસ પ્રકલ્પોની રાજ્ય સરકાર દ્વારા ભેટ અપાઈ
- રવિભાણ સંપ્રદાયે અનેક તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે
- વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રૂપિયા 1.10 લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને ઝળહળતો રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડી ખાતે 200 વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજ સેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.
મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે રવિવારે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા 106.21 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડયા છે. છેલ્લા એક સપ્તાહમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રૂપિયા 1.10 લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે. આ સરકારે વિકસિત ગુજરાતના નિર્માણનો 25 વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.
આ પ્રસંગે વલ્લભ વિદ્યાનગરના સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને આપવામાં આવતા સ્માર્ટ વિઝન ગ્લાસ મુખ્યમંત્રીના હસ્તે બે દિવ્યાંગજનને અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્ય દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો. જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન, કમીજળાના મહંત મહામંડલેશ્વર – 1008 જાનકીદાસ બાપુએ કબીર પરંપરાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજનવાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


