જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
૪૦૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧3૫૮ ગેરકાયદે બાંધકામ તોડી પડાશે
મહેસૂલ પંચના ચૂકાદાથી ડિમોલેશનની પ્રક્રિયા તંત્ર માટે સરળ બની
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતધારકોને વહીવટી તંત્ર દ્વારા કલમ 202ની ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે, આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર ખૂલ્યા હતા. જે બાદ 720 લોકો ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે, 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોની અપીલ રદ કરતો ચૂકાદો આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4 માં આવેલી સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં.256 પૈકીમાં TP સ્કીમ-6 (રાજકોટ) પ્લોટ નં.159માં અરજદારો દ્વારા જંગલેશ્વરમાં 1358 મિલકતધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે તપાસ કરતા બીનઅધિકૃત બાંઘકામ હોવાથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવા નક્કી થયું હતું. જેથી મામલતદાર અને એક્ઝ્યુક્યુટીવ મેજિ., રાજકોટ શહેર (પૂર્વ)એ કાર્યવાહી કરી તા.23 માર્ચ 2026 ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-202 મુજબ પગલા લેવા અને દબાણવાળી જગ્યા અરજદારોને હુકમ મળ્યાથી 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો.
બાદ અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન નં.1315/2026 દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ સમક્ષ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અને 90 દિવસમાં નિર્ણય લેવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી અરજદારોએ આ અપીલ મહેસૂલ પંચ સમક્ષ દાખલ કરી હતી. જોકે સરકારી જમીન ઉપર દબાણ હોવાથી અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો.
તંત્રએ રાજકોટવાસીઓને રિવરફ્રન્ટ આપવા માટે કાર્યવાહી શરૂ કરી હોય તેમ આ વિસ્તારમા સરકારી જગ્યા પરના 1358 થી વધુ દબાણો દૂર કરવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. 400 કરોડની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું વહીવટી તંત્ર દ્વારા હીયરીંગ કરવામાં આવ્યું હતું.
જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદનગર, રાધા કૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નૂરાની ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કરબાપા વાસ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે.


