- ઓસ્ટ્રેલિયન ટીમનું અમદાવાદમાં આગમન
- ખેલાડીઓનું એરપોર્ટ પર કરાયું સ્વાગત
- 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમશે
19 નવેમ્બરે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયામની ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવ્યા બાદ ટીમને હોટલમાં લઈ જવામાં આવ્યા છે.
ગઈકાલે આવી હતી ભારતીય ટીમ
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભાગ લેવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ગઈકાલે અમદાવાદ પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટરોને ITC નર્મદા હોટલમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા.
ભારત ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદી બાદ મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થયું હતું. આ જીત સાથે ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 1983, 2003, 2011માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
ફાઇનલને યાદગાર બનાવવા માટે યોજાશે એર શો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલ થવા જઈ રહી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે. રિપોર્ટ અનુસાર મેચના દિવસે એર શો પહેલા સ્ટેડિયમની આસપાસ ગુરુવારે એક રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે સ્ટેડિયમની આસપાસ જેટ ઉડતા જોવા મળ્યા હતા. વર્લ્ડકપની ફાઇનલ મેચ પહેલા એર શો માટે પણ પરવાનગી માંગવામાં આવી છે.


