- આઉટડોર એડવર્ટાઈઝિંગ અને હોર્ડિંગની નવી પોલિસીને બોર્ડમાં મંજૂરી
- 65 કરોડથી વધુ રકમ ડિફોલ્ટરના ખોટી રીતે કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યાનો આક્ષેપ
- ડિફોલ્ટર કંપનીઓના બચાવમાં નવી પોલીસી લાવવામાં આવી છે
મ્યુનિ.ની આઉટડોર એડવર્ટાઇઝિંગ અને હોર્ડિંગની નવી પોલીસીની ઠરાવ શુક્રવારે બોર્ડમાં પસાર થઇ ગઇ છે. નવી પોલીસીના ઠરાવને ટાંકની મ્યુનિ.વિપક્ષે બોર્ડમાં પ્રશ્ન કર્યો હતો કે, મ્યુનિ.હોર્ડિંગ્સની બાકી 65 કરોડ રકમ ધરાવતી યાદીમાં સમાવિષ્ટ ડિફોલ્ટર કંપનીઓનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઇએ. 65 કરોડથી વધુ બાકી હોવા છતાં સબંધિત કંપનીઓનો ખોટી રીતે કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. વિપક્ષના આક્ષેપ સામે સત્તાપક્ષે મૌન સેવી લીધું હતું. ઉલ્લેખનીય છેકે, ડિફોલ્ટર કંપનીઓની બાકી 65 કરોડની પેનલ્ટીની રકમ માફ કરવાની દરખાસ્ત કમિશનરની ઉપરવટ જઇને સત્તાપક્ષ દ્વારા રજૂ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઇ હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં કોંગ્રેના કોર્પોરેટરોએ પ્રશ્ન કર્યો હતો કે, સામાન્ય વ્યક્તિના ટેક્સના નાણાં બાકી હોય છે, તો તમે પાણીના કનેક્શન કાપો છો, મિલ્કત સીલ કરો છો અને કડક વસૂલાત કરો છો. પરંતુ આઉટડોર એડવર્ટાઇઝીંગ અને હોર્ડિંગ્સનું કામ કરતી કંપનીઓની પેનલ્ટીની 65 કરોડથી વધુ રકમ બાકી છે.
આમ છતાં મ્યુનિ. તંત્રને વસૂલાત કરવામાં રસ નથી. જાહેરાત વિભાગના અધિકારીઓ અને સત્તાપક્ષની મિલીભગતને લીધે બાકી રકમની કડક વસૂલાત કરાતી નથી. ત્યારે નવી પોલીસી લાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. નાણાંની વસુલાત કરવાના બદલે તેને રાહત આપવાની વાત તદ્દન ગેરવાજબી છે. ડિફોલ્ટર કંપનીઓના બચાવમાં નવી પોલીસી લાવવામાં આવી છે.
નવી પોલીસી લાવવા પાછળનો હેતું સ્પષ્ટ થતો નથી. એક તરફ ડિફોલ્ટર કંપનીઓની પેનલ્ટીની બાકી રકમ માફ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં લાવવામાં આવી છે અને બીજીતરફ નવી પોલીસી મારફત સત્તાપક્ષ એવું બતાવે છેકે, કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવો હશે તો ડિફોલ્ટર કંપનીઓને બાકી રકમ ભરવી જ પડશે. પરંતુ ડિફોલ્ટર કંપની કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવા આવે તેની રાહ જોવાના બદલે અત્યારે જ કેમ વસૂલાત કરાતી નથી ? કેમ છાવરવામાં આવે છે ? વિપક્ષના વેધક સવાલ સામે સત્તાપક્ષના સબંધિત ચેરમેનો કે કમિટીના સદસ્યોએેએ જવાબ આપ્યો નહતો. બોર્ડમાં મૌન સેવી લીધું હતું.


