- `મહાભારત’નું ધર્મક્ષેત્ર `રામાયણ’માં નથી, પણ `રામાયણ’ના યુદ્ધના રણાંગણમાં ધર્મરથ છે
કૈલાસ આશ્રમ-ઋષિકેશના પીઠાધીશ વિષ્ણુદેવાનંદ ગિરિજી હતા, જે અમારા દાદા થાય. એ તલગાજરડું છોડીને નીકળી ગયા પછી કોઈ દિવસ ગુજરાતમાં આવ્યા નથી. મુંબઈમાં એમનાં પ્રચવનો હોય ત્યારે આવે. એમણે એક પત્ર અમને લખેલો કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, આપણા ઘરમાં `રામાયણ’ તો છે જ, પણ એક મંડલેશ્વર તરીકે હું એટલું સૂચન કરું છું કે છોકરાઓ `ગીતા’ રોજ વાંચે. અને એ વચનને અમે નિભાવતા રહ્યાં. `ગીતા’નું નિત્ય પારાયણ થતું રહ્યું. `પંચરત્ન ગીતા’નું પુસ્તક આવતું, એમાંથી હું પાઠ કરતો. અમારા ગામમાં એક જગજીવનદાદા શાસ્ત્રીજી હતા, ભાગવતજીના કથાકાર. એમના ઘરની સામે જ મારા કાકાની દુકાન એટલે હું બેસું ત્યાં અને સમયે મળે ત્યારે હું દાદા પાસે જઈને થોડાક એના અર્થો સમજી લઉં. એમ `ગીતા’નું દર્શન થયું. પંડિત રામકિંકરજી મહારાજે એક બહુ જ સુંદર નિવેદન કરેલું છે કે `ગીતા’ એ યોગશાસ્ત્ર છે, પણ `રામચરિત માનસ’ પ્રયોગ શાસ્ત્ર છે. `ગીતા’માં જે જે યોગોનું વર્ણન છે એના પ્રયોગો `રામચરિત માનસ’માં થયા છે. જેમ કે `ક્રોધાત્ ભવતિ સંમોહ…’એ છે, તો `રામાયણ’માં પછી પ્રયોગો થયા છે કે આમાંથી આ જન્મ્યું, આ જન્મ્યું.
આપણે ત્યાં એક એવી પરંપરા થઈ ગઈ કે જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, યજ્ઞ આદિઆદિ જે `ગીતા’નાં લક્ષણો છે, એ જે શાસ્ત્રનાં જે પ્રસંગમાં આવતાં હોય એને આપણે `ગીતા’નામ આપી દેતા હોઈએ છીએ. એટલે `રામાયણ’માં પણ `રામ-ગીતા’છે, `લક્ષ્મણ-ગીતા’ છે, `અનસૂયા-ગીતા’છે, `ભુશુંડિજી-ગીતા’છે. એને `ગીતા’ નામ આપી દીધું છે. `મહાભારત’નું ધર્મક્ષેત્ર `રામાયણ’માં નથી, પણ `રામાયણ’ના યુદ્ધના રણાંગણમાં ધર્મરથ છે અને એમાં સૌથી પહેલાં વિષાદ વિભીષણને થયો છે. રાવણના ભાઈને વિષાદયોગ થયો છે. રાવણ રથમાં છે અને ભગવાન નીચે છે એ, દૃશ્ય જોઈને વિભીષણને વિષાદ શરૂ થાય છે કે આને કેમ જિતાશે? અને પછી ભગવાન એને ધર્મક્ષેત્રમાં કહેવાયેલી `ગીતા’ નહીં, પણ ધર્મરથમાં કહેવાયેલી `ગીતા’ કહે છે. `વિભીષણ, જેનાથી વિજય મળે છે એ રથ જુદા જ હોય છે.’ પેલો દ્વિધામાં છે અને પછી એક દોહો છે ને એમાં `ગીતા’ના મોટા ભાગનાં સૂત્રો છે, એટલે એ અર્થે એમ કહી શકાય કે, `ગીતા’નાં સૂત્રો ક્યાં નથી પડ્યાં? આ એક દોહામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સંયમ-નિયમ એ બધાંની વાત કરી દીધી છે.
સૌરજ ધીરજ તેહિ રથ ચાકા,
સત્ય સીલ દૃઢ ધ્વજા પતાકા.
`વિભીષણ! જેનાથી વિજય મળે એ તારો ભાઈ જે રથ પર બેસીને આવ્યો એ રથ નથી હોતા. એ એક એવો રથ હોય છે કે જેનાં બે ચક્રો શૌર્ય અને ધૈર્ય હોય છે અને રથની ઉપર ધજા અને પતાકા હોય. ધર્મરથની ધજા અને પતાકા, એ છે સત્ય-શીલ.’ હવે રથ હોય તો એના ઘોડાઓનું પણ વર્ણન છે, લગામનું વર્ણન છે. પણ ત્યાં ભગવાન કૃષ્ણ સારથિ છે. ભગવાન પોતે સારથિ છે, અહીંયા ભગવાન યુદ્ધમાં છે, રાવણની સામે લડવાનું છે. પગમાં પદત્રાણ નથી અને બિલકુલ પગપાળા રામ છે. અને આને કેમ જિતાશે? તો ધર્મરથનું જ્યારે વર્ણન કર્યું ત્યારે તુલસી કહે છે, આ રથનો સારથિ કોણ? ભગવાનનું ભજન એ જ સારથિ છે. સાચી-ખોટી કોઈ માળા ફેરવતું હોય ને એ આપણાથી થાય નહીં તો ચિંતા નહીં, પણ એની ટીકા ન કરશો. માળા એ ઈન્દ્રિયોને રોકવાની લગામ છે. જપ-હરિનામની એ તાકાત છે. અહીંયા ભગવાનનું ભજન સારથિ છે, ત્યાં ભગવાન સારથિ છે, ટૂંકમાં, `ગીતા’ ક્યાં નથી? `ગીતા’એ બધે જ રહેવું જોઈએ. ગંગાસતીના ભજનામાં પણ `ગીતા’ આવે. `ગીતા’એ બધે આવવું જ જોઈએ. જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં રાષ્ટ્રપતિએ જવું જોઈએ. એટલે કે `ગીતા’નો યોગ એ `રામાયણ’માં ઘણા પ્રયોગો કરીને આપણને પ્રકાશ પાડે છે.
`ગીતા’નો પ્રારંભ મને હંમેશાં સંશય લાગ્યો છે, મધ્ય મને હંમેશાં સમાધાન લાગ્યો છે અને અંત મને હંમેશાં શરણાગતિ લાગ્યો છે. આ ત્રણ છે. દ્વિધા જે શરૂ થઈ, મારું ચિત્ત ભ્રમિત છે, આ સંશયમાંથી `ગીતા’નો આરંભ થાય છે. ક્યાંક મધ્યમાં, વચ્ચે; અને સંદેહ ત્રણ રીતે પ્રગટ થાય એવું મને સમજાયું છે. એક તો દૃશ્ય જેઈને સંદેહ પ્રગટ થાય. `આમ હોય?’ આમ ઘટના આપણા મનમાં સંદેહ પેદા કરે. બીજું, સાંભળીને સંદેહ પેદા થાય. આપણને કાંઈ ખબર નથી, પણ કોઈક ઈશ્વરદત્ત પ્રકૃત્તિવાળો ખાલી આવી અહીંથી અહીં કાનમાં નાખે! એમ કોઈકને સાંભળવાથી પણ સંદેહ થાય.
સાંભળવું એ `ભાગવત’ની પહેલી ભક્તિ છે, પણ કોને સાંભળવું? એવાને સાંભળો કે તમારું એને કોઈ દિવસ ખોટું ન લાગે અને તમે ગમે તેટલું અપમાન કરો તો એનેય કોઈ દિવસ ખોટું ન લાગે. આપણા વક્તા ઉપર આપણને ભરોસો હોવો જોઈએ. આપણા બુદ્ધપુરુષ ઉપર આપણને ભરોસો હોવો જોઈએ કે અમે ગમે તેટલા નાલાયક થઈશું તોય મારા બુદ્ધપુરુષને ખોટું નહીં લાગે. એના ગર્ભમાંથી સાત વાણી પ્રગટી એમ વેદ કહે અને `સપ્તવાણી’ કહીને વિનોબાજી એના જુદા જુદા અર્થો આપે. આપણે ત્યાં તો પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈખરી-ચાર વાણી છે. આ સાત ક્યાંથી? બીજી ત્રણ કઈ? પણ મને કોઈ પૂછે અને મારા વિકાસ માટે જો અભિપ્રાય આપવો હોય તો હું એમ કહું કે પાંચમી વાણી છે ગુરુવાણી. તમે જુઓ, આ અર્જુન છે એ `શિહસ્તે અહં’ બોલે છે. `હું તમારો શિષ્ય છું’, પણ એ વચન માનતો તો છેલ્લે થયો. `કરિષ્યે વચનં તવ’, એ તો સાવ છેલ્લે થયો. તો ગુરુવાણી અથવા શાસ્ત્રવાણી. છઠ્ઠી વાણી આપણી અંતર્વાણી. આપણને અંદરથી જે કંઈ સ્વાભાવિક સૂઝે; અને સાતમી વાણી, ચક્ષુવાણી. આંખની એક બહુ મોટી વાણી હોય છે અને સાહેબ, એ આંખ ખૂલી હોય તો જ બોલતી હોય એમ નહીં, બંધ આંખો પણ બોલે, બુદ્ધની બંધ આંખો બહુ બોલી ગઈ. હવે, જેમ કોઈ મૌની હોય અને એને બહુ પ્રેમ ઊભરાઈ જાય પછી એ મૌન તોડી નાખે છે એમ આંખની વાણીને રહેવાય નહીં, પછી એ મૌન તોડે છે અને એ મૌન તોડે છે એના અક્ષરો આંસુનાં ટીપાં છે.
તો, કોઈની વાત સાંભળીને પણ સંદેહ ઉત્પન્ન થાય છે. દૃશ્ય જોઈને સંદેહ ઉત્પન્ન થાય છે અને ત્રીજું, સંદેહ ઉત્પન્ન થવાનું કારણ સ્વભાવગત સંશય. જેનો સ્વભાવ જ સંદેહનો હોય! તમે બે જણા વાત કરતા હો, એ વ્યક્તિની સાથે એને કાંઈ લેવા-દેવા ન હોય એ બસમાં જતો હોય, બસનો સમય થઈ ગયો હોય, તોય ઊભો રહી જાય અને વિચારે ચડે, `આ બે જણાં શું વાતો કરતા હશે?’ આ સ્વભાવગત સંદેહ છે અને `મહાભારત’માં અર્જુનના મનમાં સંદેહો ક્યાં ક્યાં ઉત્પન્ન થયા એ પણ મારે કહેવું રહ્યું. એમાં આ સ્વભાવગત સંદેહ પણ છે. ઘટના જોઈ, શંખનાદ થયા, વડીલોને જોયા અને એમાંથી એને દ્વિધા ઉત્પન્ન થઈ એ પણ; એટલું સારું કે કોઈએ ચડાવ્યો નથી.
તો `ગીતા’નો આરંભ સંશય, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે. સમાધાન પણ ત્રણ રીતે થાય. એક તો આપણને કોઈ દેખાડી દે. અર્જુને કર્યું વિશ્વરૂપ દર્શન અને સમાધાન થયું. બીજું, ભગવાન કૃષ્ણની વાણીએ સમાધાન કરી દીધું અને ત્રીજુ, આખરે તો વિભૂતિ એની છે એટલે એ પણ કારણ હશે. અને `ગીતા’ના અંતમાં શરણાગતિ. શરણાગતિ તો છ પ્રકારની છે આપણા શાસ્ત્રમાં, પણ મને જે નજીક પડે છે એ છે ભરોસો. બીજું, કોઈ બુદ્ધપુરુષના વચનના અધિકારી થાવ. શ્રવણ, સાંભળીને શરણાગતિ થાય. વિભીષણ પ્રભુના ગુણગાન સાંભળીને શરણે આવ્યો છે અને એમાંય આપણો માંહ્યલો ધક્કો દેતો હોય છે કે, તું ત્યાં જા. એટલે `ગીતા’ને હું આ રીતે પણ સમજવાની કોશિશ કરું. આપણા જીવનમાં પણ કંઈક સંદેહો હોય છે, એનાં સમાધાનો આવી રીતે મેળવી શકાતાં હોય છે અને છેલ્લે ભરોસો રાખીને શરણાગતિ આપણી સિદ્ધ થતી હોય છે.