મગધની રાજધાની પટના-પાટલીપુત્રમાં એક ઐતિહાસિક ઘટના નિર્માણ પામી રહી હતી. વેશ્યાના નિવાસ તરફ એક મુનિ આગળ વધી રહ્યા હતા. મુનિ ચાલતા હતા તો એમાં પણ એમની સંયમિતતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ચાલતી વખતે જમીન તરફ જ નજર કરીને ચાલે. આસપાસમાં નજર કરવાની એમને કોઈ જરૂર જણાતી નથી. ડાફોડિયા મારવામાં કોઈ એકાદ જીવની પણ મારા કારણે હિંસા ન થવી જોઈએ- આવા એમના વિચાર હતા. સંયમી માણસે વેશ્યાના નિવાસ તરફ શા માટે જવું જોઈએ?
કોઈએ જઈને વેશ્યાને સમાચાર આપ્યા. `તમારા ઘર તરફ કોઈ જૈન મુનિ આવી રહ્યા છે.’
મારા ઘર તરફ કોઈ પણ જૈન મુનિ શા માટે આવે. આમ બોલતા તો એના અંતરમાંથી એક નિશ્વાસ સરી પડયો. હશે કદાચ કોઈ ભૂલા પડેલા, એમ કહીને એ પોતાના મુખ્ય દ્વાર તરફ આગળ વધી. આવનાર સમાચાર આપવા આવ્યો છે તો વાતમાં કંઈક તો તથ્ય હશે જ ને!
એને ભૂતકાળ યાદ આવી ગયો.
જ્યારે એ સૌથી પહેલા મળ્યો ત્યારે એ કેવો હતો. નવવધૂના જેવી શરમ એની આંખોમાં ડોકાતી હતી. મને તો એ દિવસે જ વિચાર આવેલો કે આ માણસ કેવી રીતે અહીં આવ્યો હશે? એના પ્રેમમાં પણ કેવી અનુભૂતિ? એની સાથેના પ્રેમાલાપમાં પણ વૈરાગ્યની છાંટ આવતી.
જેમ જેમ એની સાથેનો સંપર્ક વધતો ગયો તેમ તેમ આકર્ષણ વધતું જ રહેલું. હેં એ જ આવ્યા હશે. જો એમને આવવું જ હોય તો ગયા’તા શા માટે? હેં એમને મારી યાદ આવી હશે! એમને મારા માટે કેટલી ઉત્કટ લાગણી હતી. એના રોમ રોમમાં મારા માટે લાગણી ઊભરાતી અનુભવાતી, પણ છતાં એમને જવું પડેલું. જતી વખતે પણ એમની જવાની ઈચ્છા ક્યાં હતી.
દરવાજા સુધી જઈને પણ કેટલીવાર પાછા આવેલા. `પ્રિયે! જવાની જરાય ઈચ્છા નથી થતી. રાજકારણના કીચડ કરતાં અહીં કેટલી અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે, પણ રાજાનો આદેશ છે તો માનવો તો પડશે જ ને! પણ તો પછી એ સાધુ કેવી રીતે બની ગય?’ એ તો આવશે ત્યારે બધી વાત કરશે.
જવા માટે એમના તો પગ જ ક્યાં ઉપડતા હતા. મારા ઉદાસ મુખડાને એમની બેય હાથની હથેળી લઈને પ્રેમથી કહેલું, વહાલી પ્રિયાને છોડીને આ સ્થૂલભદ્ર ક્યાંય જઈ શકે એમ નથી. એની વાણીની મીઠાશ કેવી હતી! એની વિદ્વતા પણ કેવી અજબ હતી! પ્રહેલિકાઓને ઉકેલવાની એની શક્તિ કેવી અદ્ભુત હતી.
એના પિતાના સ્વર્ગવાસના સમાચાર સાંભળ્યા એ દિવસે એ કેવો વિચલિત બની ગયેલો, પણ છતાં મારા પ્રત્યેના પ્રેમના કારણે જવાનું મન નહીં કરેલું.
પ્રિયે કોશા, હવે જઈને શું કરવાનું? મારા પિતા કાવાદાવાનો ભોગ બન્યા છે, નહીં તો એમનું મૃત્યુ અત્યારે થઈ જ ન શકે. મારા જવાના પણ કેવા અનર્થો થઈ શકે. મારે શું કામ છે હવે જઈને.’ પણ જ્યારે મહારાજ નંદનું આમંત્રણ આવ્યું કે, સ્થૂલભદ્ર જલદી આવે. રાજાની આજ્ઞાનો અમલ કરવો જ પડશે. જાઉં છું, પણ જલદી પાછો આવીશ. તું મારી પ્રતીક્ષા કરજે. મારી પ્રિયાને છોડીને હું ક્યાંય જઈ ન શકું.
એ ગયા. એ તો ન આવ્યા, પણ એમના સમાચાર આવ્યા કે એમણે કોઈ જૈન મુનિ પાસે દીક્ષા લીધી છે. જ્યારે આ સમાચાર મેં સાંભળ્યા ત્યારે બે દિવસ તો મને ક્યાંય ચેન જ પડેલું નહીં. કોઈ કામમાં ચિત્ત જ ના લાગે. જ્યાં પણ ગઈ ત્યાં એની યાદી ભરેલી હતી, ભોજન પાન હોય કે રંગશાળા બધે એની સ્મૃતિ સતેજ બનતી. કોઈ એવું સ્થાન બચેલું ન હતું કે જ્યાં એના સ્મરણચિહન પડેલા ન હોય.
વાત એવી બનેલી કે શકટાલ મંત્રીનું અવસાન થયેલું. અવસાન શું થયેલું! પોતાના પ્રિય પુત્રને એમણે જાતે જ આજ્ઞા કરેલી કે જ્યારે હું રાજાને નમન કરું ત્યારે તારે મારું મસ્તક ઉડાડી દેવું. રાજાની નામરજી સાથે જીવવા કરતાં મરણ વધારે મધુરું. એવું એમણે કહેલું એના કારણે દુખાતા દિલે નંદરાજાના અંગરક્ષક એવા શ્રીયકે પિતાની આજ્ઞાનું પાલન કરેલું.
ઘટના બન્યા પછી તો નંદરાજા પણ ચોંકી ગયો. અરે શ્રીયક આ શું કર્યું? તારા પિતાની હત્યા અને શ્રીયકે વીરોચિત જવાબ આપેલો મારા પિતા હોય તો પણ શું થઈ ગયું. મારા માલિકનો દુશ્મન એ મારો દુશ્મન. રાજકારણના કાવાદાવાના કારણે રાજાની નારાજગીનો શકટાલને અનુભવ થવાના કારણે આ નિર્ણય કરેલો. આવો નિર્ણય ન કરે તો આખા પરિવારનો નાશ થવાની સંભાવના હતી. પરિવારને બચાવવા માટે પોતાની જાતનું બલિદાન આપેલું. મંત્રીમુદ્રા માટે એમણે શ્રીયકને આમંત્રણ આપેલું. શ્રીયકે સવિનય નિષેધ કરતા જણાવેલું કે મારો ભાઈ હાજર હોય ત્યારે મારાથી કેવી રીત મંત્રીમુદ્રાનો સ્વીકાર કરી શકાય? અને નંદરાજાએ કોશાના ઘેર બાર વરસથી રહેલા સ્થૂલભદ્રને આમંત્રણ આપેલું.
વિનયપૂર્વક મગધ સમ્રાટ ધનનંદની સમક્ષ ઊભા રહેલા. ધનનંદે કહ્યું હતું, તમારા પિતા તો પરલોક સિધાવી ગયા છે. હવે પિતાની મંત્રીમુદ્રાને તમે સ્વીકાર કરો. જે રીતે તમારા પિતાએ મગધની સેવા કરી એ જ પરંપરાને આગળ વધારો.
સમ્રાટ ધનનંદની વાતનો જવાબ આપવો પડશે. રાજ્યની ધૂરા સંભાળવી કે વહાલી પ્રિયાનો સંગ છોડવો. એક સાથે બે કામ કરવામાં એકને પણ સંતોષ આપી શકાય નહીં. નિર્ણય જો અત્યારે જ કરવાનો હોય તો શક્ય નથી કમ સે કમ એક દિવસનો વિરામ તો જોઈશે જ. સ્થૂલભદ્રે કહ્યું, મહારાજ! આ પ્રશ્નનો જવાબ હું આવતીકાલે આપીશ તો ચાલશે? મારે થોડો વિચાર કરવો પડશે. ખરી વાત છે. કદાચ તારે કોઈની સલાહ લેવી હોય તો એ માટે સમય તો જોઈશે જ ને! ધનનંદનો ઈશારો કોશા તરફ હતો.
સ્થૂલભદ્ર સમસમી ગયો. જવાબ આપવાનું મન તો થયું, પણ એ સમય ઓળખીને વાતને ગળી ગયો. ત્યાંથી સ્થૂલભદ્ર સીધા જ ઉદ્યાનમાં ગયા. અશોક વૃક્ષની છાયામાં બેસીને વિચારણા ચાલુ કરી. બે વચ્ચે પસંદગી કરવાની છે. એક બાજુ મારો વરસોનો પ્રેમ છે, તો બીજી બાજુ રાજ ખટપટનો ગંદો કીચડ છે કે જેણે મારા પ્રેમાળ અને વિદ્વાન પિતાનો ભોગ લીધો છે. મારા પિતામહ કલ્વક અને પિતાજી શકટાલ જેવા સન્નિષ્ઠ માણસોને શંકાના દાયરામાં મૂકી શકે અને પ્રાણાંત કષ્ટ આપી શકે એ મને શું ના કરી શકે?
તો હવે મારે ફરીને કાશાના શરણે જવું? શું એ ઉચિત માર્ગ છે. લોકો શું કહેશે જેના પિતા આવા સન્નિષ્ટ રાજસેવક હતા એનો દીકરો વેશ્યામાં આસક્ત બનીને મંત્રીમુદ્રાનો ત્યાગ કરી ગયો. વહેવાર કે લોક લાજનો પણ એણે વિચાર કર્યો નહીં. મારે શું કરવું જોઈએ? વિચારોનો ઝોક કોઈ પણ એક દિશામાં આગળ વધી શકતો ન હતો. થોડી મર્યાદા આગળ વધે એ જ સમયે બીજી દિશાનો `વકીલ’ જાગૃત થઈ જતો. એ જ સમયે ઉદ્યાનમાં નિવાસ કરી રહેલા આચાર્ય સંભૂતિ વિજય નામના આચાર્ય ભગવંત પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
આચાર્ય ભગવંતની જ્ઞાનની ગરિમાની સરખામણી કરવાની કોઈની ક્ષમતા ન હતી. સ્થૂલભદ્રની એમના ઉપર નજર પડી. તરત જ આચાર્ય ભગવંતના અભિવાદન માટે ઊભો થયો. એમને નમન વંદન કરીને એમની પુત્ર સ્થૂલભદ્ર આપને વંદન કરે છે.
સંભૂતિ વિજય આચાર્ય ચમક્યા. શકટાલ પુત્ર સ્થૂલભદ્ર? ઉભયની વિશિષ્ટતા એ જાણતા હતા સ્થૂલભદ્રની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. હાજી, મારા પિતાશ્રીનું હમણા જ અવસાન થયું છે. અમે બે ભાઈઓ છીએ. હું મોટો, નાનો મહારાજ ધનનંદનો અંગરક્ષક છે. મહારાજે મને મંત્રીમુદ્રા સ્વીકારવાનો આદેશ કરેલો છે, પણ હું નિર્ણય કરી શકતો નથી. મારે શું કરવું જોઈએ? આપ મને માર્ગદર્શન આપો.
ભાગ્યશાળી આ મંત્રીમુદ્રાનો અંજામ તારા પિતાને શું મળ્યો? એના ઉપરથી તને એ સંદેશ આવી શકે કે તારે શું કરવું જોઈએ? આ મંત્રીમુદ્રા કરતાં વધારે સારી મુદ્રાનો પણ તું વિચાર કરી શકે છે. કે જેમાં માત્ર તારો વિકાસ જ છે. જેમાં કાવાદાવા કે પ્રપંચનો કોઈ ક્લાસ નથી. આવી પણ વિચારણા કરવા જેવી છે. બે પાસાં તો એના ધ્યાનમાં જ હતા હવે એમાં આ ત્રીજા પાસાનો ઉમેરો થયો. કંઈ વાંધો નહીં, એને પણ સમજી તો લેવું જ જોઈએ ને!
ફરમાવો ભંતે આપ શું કહો છો..?
ભગવાન મહાવીરે આ બધી ઉલઝનોનો ઉપાય એક જ બતાવેલો છે અને એ છે સંયમ-સંસારનો ત્યાગ-સમાધિમય જીવન. દેવો અને ઇન્દ્રો પણ આવા જીવનની આકાંક્ષા કરે છે, કારણ કે આ જીવન નિર્દોષ અને નિષ્પાપ છે.
આચાર્ય સંભૂતિ વિજયની જ્ઞાનગરિમા નિષ્પાપ છે. આચાર્ય સંભૂતિ વિજયની જ્ઞાનગરિમા સ્થૂલભદ્રને સ્પર્શી ગઈ. એમની વાત સતત એના મનમાં પડઘાતી રહી. સ્ત્રીનો રાગ વાસનાના કીચડમાં ફસાવે છે. તો રાજ્ય કારભારનો રાગ કષાયનો કચરામાં આળોટવા મનને મજબૂર કરે છે. આ પણ એક જાતના મદીરાના નશા જેવી જ વાત છે. એેની સામે સંયમ જીવન અપનાવવા જેવું લાગે. તરત જ એણે નિર્ણય કરી લીધો. હવે બીજા વિકલ્પની જરૂર નથી. મારે આપની પાસે સંયમ જીવન અપનાવવું છે. આપ મારો સ્વીકાર કરો.
એ જ સમયે એણે દીક્ષા લઈ લીધી. બીજા દિવસે મગધ સમ્રાટ ધનનંદ પાસે જઈને `ધર્મલાભ’ કહીને ઊભા રહ્યા. એમણે પૂછયું નિર્ણય કર્યો?
આ જ વેષ એ જ મારો નિર્ણય છે. મારું જીવન આના કરતાં વધારે સારું ક્યાં હોઈ શકે?
સમ્રાટ ધનનંદે એમને નમસ્કાર કર્યા.