- ઇઝરાયેલી ટેન્કોએ શાજાયે શહેરના ટયૂનિશિયન કબ્રસ્તાન નષ્ટ
- જબલિયાના અલ-ફલૂઝા સહિત છ કબ્રસ્તાન નષ્ટ કર્યાં
- ઇઝરાયેલી સેનાએ આ હોસ્પિટલમાં પૂરા આઠ દિવસ ઓપરેશન ચલાવ્યું હતું
ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગયા અઠવાડિયે ઇઝરાયેલી સેનાએ કમલ અદવાન હોસ્પિટલમાં હુમલા કર્યા હતા. ત્યાંના સ્ટાફ અને દરદીઓ અનુસાર ઇઝરાયેલી સેનાએ બુલડોઝરથી પેલેસ્ટિનિયનોના મૃતદેહો હટાવ્યા હતા. ઘણા ડોક્ટર્સ પર ગોળીઓ છોડી હતી. કમલ અદવાન હોસ્પિટલના સ્ટાફે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વ્હીલચેર પર એક દરદી હતો. ઇઝરાયેલી સેનાના શ્વાન તેને બટકાં ભરતા હતા. ઇઝરાયેલી સેનાએ આ હોસ્પિટલમાં પૂરા આઠ દિવસ ઓપરેશન ચલાવ્યું હતું. સેનાનું કહેવું હતું કે આ હોસ્પિટલ હમાસનું કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર છે.
હોસ્પિટલના બાળરોગ નિદાન કેન્દ્રના વડા હોસામ અબૂ સાફિયાએ કહ્યું કે, ઇઝરાયેલી સૈનિકોએ કબરો ખોદી હતી અને મૃતદેહોને બુલડોઝરથી ઘસડયા હતા. તેમણે કહ્યું કે, મૃતદેહોને બુલડોઝરથી કચડી નાખ્યા હતા. એટલું જ નહીં, ઇઝરાયેલી ટેન્કોએ શાજાયે શહેરના ટયૂનિશિયાઈ કબ્રસ્તાન, જબલિયાના અલ-ફલૂઝા કબ્રસ્તાન સહિત છ કબ્રસ્તાનને નષ્ટ કરી નાખ્યાં હતાં. સૈનિકોએ હમાસના 80 લડવૈયાને પકડી લીધા હતા. ધરપકડ કરાયેલા લડવૈયાઓમાંના મોટા ભાગના સાતમી ઓક્ટોબરના હુમલામાં સામેલ હતા.
ઇઝરાયેલનું કહેવું છે કે સાતમી ઓક્ટોબરે શરૂ થયેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા 700થી વધારે સભ્યોની ધરપકડ થઈ છે. સૂત્રો અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધારે પેલેસ્ટિનિયનોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. તેમાં છ હજારથી વધારે બાળકો છે, જ્યારે ઇઝરાયેલના 1,200 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગાઝામાં મદદ પહોંચાડવાનો પ્રસ્તાવ પાસ
ગાઝામાં માનવીય સંકટને ઓછું કરવા માટે પર્યાપ્ત માત્રામાં મદદ પહોંચાડવાનો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાસ થઈ ગયો છે. અમેરિકા અને રશિયાએ આ પ્રસ્તાવ પર વોટ નહોતા આપ્યા. અમેરિકાએ થોડા દિવસ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ગાઝામાં સીઝફાયર માટે રજૂ કરાયેલા પ્રસ્તાવની સામે વીટોનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ સીઝફાયર આગળ વધી શક્યું ન હતું.


