- મૃતકના પરિવારે વિરમગામ ટાઉન પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાવી હતી
- ગત તા. 7મીએ સવારે તેઓ દુકાને જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા
- લખતર પોલીસે લાશનું પીએમ કરાવી પરિવારજનોને સોંપી હતી
વિરમગામના બીલ્ડીંગ મટીરિયલના વેપારી ગત તા. 7મીએ ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા. ત્યારે લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી તેઓની લાશ મળી આવી હતી. લખતર પોલીસે લાશનું પીએમ કરાવી પરિવારજનોને સોંપી હતી.
લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વારંવાર લાશ મળી આવે છે. ત્યારે ઢાંકી પમ્પિંગ સ્ટેશનની સફાઈ દરમિયાન એક પુરૂષની લાશ મળી આવી હતી. આથી આ અંગે પોલીસ અને પરિવારજનોને જાણ કરાઈ હતી. જેમાં મૃતકના પરિવારજનોએ ઢાંકી દોડી આવી લાશની ઓળખ કરી હતી. મૃતક વિરમગામના ગોલવાડી દરવાજાની અંદર મંદિર પાસે રહેતા 46 વર્ષીય મનોજ ચંદુભાઈ ગુર્જર હોવાનું સામે આવ્યુ હતુ. મૃતક વિરમગામમાં બીલ્ડીંગ મટીરિયલનો ધંધો કરે છે. તા. 7મીએ સવારે તેઓ દુકાને જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં મળી આવ્યા ન હતા. આથી મૃતકના પત્ની ધર્મીષ્ઠાબેને વિરમગામ ટાઉન પોલીસ મથકે જાણવા જોગ પણ આપી હતી. મનોજભાઈની શોધખોળ દરમિયાન વિરમગામથી સુરેન્દ્રનગર તરફ આવતી કેનાલના દરેક પમ્પિંગ સ્ટેશને ફોટા સાથે જાણ પણ કરાઈ હતી. આથી લાશ મળી આવતા પરિવારજનોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. મૃતકના પરીવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોથી મનોજભાઈને નાણાંકીય ટેન્શન હોવાથી તેઓ ગુમશુમ રહેતા હતા અને તેના લીધે જ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસને જણાવ્યુ હતુ.
લખતર પોલીસના જયદીપસીંહ રાડોડ અને મેહુલ દોમડાએ દોડી જઈ લાશનું સરકારી દવાખાને પી.એમ. કરાવી પરિવારજનોને સોંપી હતી.


