- મૃતક 65 વર્ષીય વૃદ્ધ દારૂ પીવાની ટેવ ધરાવતા હોય પરિવારજનોએ શંકા વ્યક્ત કરી
- રાણપુરના તકિયા વિસ્તારમાં દારૂનો છડેચોક વેપલો થતો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી
બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ભાદર નદીના કાંઠે આવેલ કંસારાના ટીંબા વિસ્તારની બાવળની કાંટમાંથી ગત તા. 4થી ફેબ્રુઆરીએ એક વૃધ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતદેહ રાણપુર તાલુકાના અણીયાળી ગામના 65 વર્ષીય માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાળીયાનો હોવાની મૃતકના પરિવારજનોએ ઓળખ કરી હતી. તેમજ તે ગત તા.1લી ફેબ્રુઆરીથી ગુમ થયા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
અણીયાળી ગામના 65 વર્ષીય માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાળીયા મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા બાદ મૃતકના પુત્ર અજયભાઈ માનસંગભાઈ મેટાળીયાએ રાણપુર પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેના પિતા તા. 1લી ફેબ્રુઆરીથી ગુમ હતા અને ગુમ હોવા અંગે રાણપુર પોલીસને જાણ પણ કરાઈ હતી અને ફ્રિયાદ પણ નોંધાવી હતી. મૃતક દારૂ પીવાની લત ધરાવતા હોય અને રાણપુર શહેરના તકીયા વિસ્તારમાં દારૂ પીવા ગયા હોય અને ત્યાંથી જ ગુમ થયા હોવાનું પોલીસને જણાવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી રાણપુર પોલીસ દ્વારા કરાઈ ન હતી. જો કાર્યવાહી સમયસર કરી શોધખોળ કરી હોત તો તેઓના પિતા હાલ જીવિત હોત માત્રને માત્ર પોલીસની બેદરકારીથી પોતાના પિતાનો જીવ ગયો હોય તેવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમજ મૃતકના પુત્રે શંકાસ્પદ દારુ પીવાના કારણે તેના પિતાનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ પણ કર્યા હતા. આ ઉપરાંત તેઓ ગુમ થયા બાદ નદીના તમામ વિસ્તારમાં શોધખોળ કરી હોવા છતાં એ સમયે મૃતકની લાશ મળી આવી ન હતી. તો 4 દિવસ બાદ એ જ નદી વિસ્તારમાંથી લાશ મળી આવતા પરિવારે અચરજની લાગણી વ્યક્ત કરવાની સાથે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસની માગણી કરી હતી. એટલું જ નહીં અણીયાળી કસ્બાતી ગામના આગેવાન અને સરપંચના પ્રતિનિધિ રાઠોડ મેહુલભાઈએ જણાવ્યું હતું કે મૃતક રોજ રાણપુર શહેરના તકીયા વિસ્તારમાં જઈ દારૂ પીતા હોય અને જે દિવસે ગુમ થયા ત્યારે તકીયા વિસ્તારમાં જ દારૂ પીવા ગયા બાદ ગુમ થયા હોય જે અંગે મૃતકના પુત્ર સાથે તેઓએ પણ રાણપુર પોલીસ સ્ટેશન જઈ અરજી કરી હતી.


