કૌભાંડમાં ૨૦ કંપનીની સંડોવણી પણ બહાર આવી
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ અને મોરબી રોડ પર આવેલી મા એન્ટરપ્રાઇઝમાં સેન્ટ્રલ જીએસટી કચેરીની પ્રિવેન્ટિવ વિંગે ગત સપ્તાહમાં દરોડા પાડી રૂ.300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને 3 કૌભાંડીની ધરપકડ કરી હતી.
આ કૌભાંડની ઊંડી તપાસ દરમિયાન બોગસ બિલિંગનો આંક રૂ.1000 કરોડને આંબે તેવા સંકેતો મળ્યા છે અને તેના પરિણામે સરકારને રૂ.180 કરોડની જીએસટીની આવકની નુકસાની થયાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં 20 બોગસ કંપનીની સંડોવણી પણ બહાર આવી છે.
સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટિવ વિંગના સૂત્રોએ જણાવ્યા અનુસાર સિમેન્ટ અને લોખંડના બોગસ બિલો બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાના કૌભાંડમાં અજય લીખિયા, વિશાલ મુલિયા ઉર્ફે સાગર અને જીલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં રૂ.300 કરોડના બોગસ બિલો બનાવી આરોપીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી સરકારને રૂ.54 કરોડનો ચૂનો ચોપડ્યાનું ખુલ્યું હતું.
ત્યારબાદ જીલ ઠક્કર, અજય લીખિયા અને વિશાલ મુલિયા પાસેથી કબજે કરાયેલા દસ્તાવેજો અને ડેટાઓની સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગે ઊંડી તપાસ હાથ ધરતા કૌભાંડનો આંક રૂ.1000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. હાલમાં બોગસ બિલિંગનો આંકડો રૂ.600 કરોડને આંબી જતા સરકારને રૂ.108 કરોડનો આરોપીઓએ ચૂનો ચોપડ્યાનું બહાર આવ્યું છે. આ બોગસ આઇટીસીનો લાભ લેવાનો આંક પણ રૂ.180 કરોડને આંબી જાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
સેન્ટ્રલ જીએસટીની ટીમે મંગળવારે મોરબીમાં વિમલ પાનમસાલાના ટ્રેડર્સ સહિત કુલ 3 ટ્રેડર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મોટા પાયે જીએસટી ચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સીજીએસટીની ટીમે મોરબીમાં 10 જેટલા સ્થળ પર દરોડા પાડી દસ્તાવેજી પુરાવા અને ડેટા કબજે કર્યો છે અને તેની તપાસ હાથ ધરી છે.
રૂ.60 લાખની GST ચોરી પકડાઇ
સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા એક પખવાડિયા પૂર્વે સંત કબીર રોડ પર ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મનીષ વસોયાની વી.એમ.ઝૂમખી, ચિરાગ ગોસરાનીની સાધના સેલ્સ અને રવિભાઇ ઠક્કરની શ્રીજી સેલ્સમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રૂ.60 લાખની જીએસટી ચોરી બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.


