IPL 2025ના ભવ્ય સમાપન પછી હાલ તમિલનાડુમાં પ્રીમિયર લીગ રમાઈ રહી છે. આ પ્રીમિયર લીગમાં એક યુવા ખેલાડીએ પોતાની બોલિંગથી તરખાટ મચાવીને RCB મેનેજમેન્ટને વિચારતા કરી મૂક્યા છે, અને એનું કારણ એ છે, કે આ એજ ખેલાડી છે જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મેનેજમેન્ટને ટીમમાં તો લીધો હતો પણ મેદાનમાં રમવાની તક તેને નોતી આપવામાં આવી.
તમિલનાડુ પ્રીમિયર લીગમાં હેટ્રિક
આ વર્ષે IPL 2025માં પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટીમના અને ચાહકોના 18 વર્ષના સપનાંને પૂરું કર્યું. એક લાંબા સમય સુધી રાહ જોયા પછી આખરે ટ્રોફી બેંગલુરુના આંગણે આવી. હાલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો એક બોલર જેને આજથી બે વર્ષ પહેલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ સંજોગો વસાત તેને ફિલ્ડ ઉપર જઈને રમવાની તક આપવામાજ ન આવી. એ ખેલાડી હાલ તમિલનાડુ પ્રીમિયર લીગમાં ગજબ તરખાટ મચાવી રહ્યો છે. આ બોલરે તમિલનાડુ પ્રીમિયર લીગમાં હેટ્રિક લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
તમિલનાડુ પ્રીમિયર લીગમાં ધમાકેદાર પ્રદર્શન
સોનુ યાદવ નામના આ યુવા બોલરને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2023માં ટીમમાં સ્થાન આપ્યું હતું, પરંતુ તેને એક પણ વાર ટીમ તરફથી રમવાની તક ન હતી મળી. સોનું યાદવને ત્યારબાદ વર્ષ 2024 માં ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ આ યુવા ખેલાડીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આ નિર્ણયથી હાર સ્વીકારી ન હતી. સખત અને સતત મહનેતનું પરિણામ ચોક્કસથી મળે છે. સોનું યાદવ હાલ તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. સોનુએ નેલ્લાઈ રોયલ કિંગ્સ તરફથી મેચમાં હેટ્રિક લીધી હતી.
સોનુએ રચ્યો ઇતિહાસ
તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં સોનું યાદવે તોફાની બોલિંગથી ક્રિકેટ રસિકોનું ધ્યાન ચોક્કસથી આકર્ષિત કર્યું છે. સોનુ યાદવ ત્રિચી ગ્રાન્ડ સામે છેલ્લી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. સોનુ યાદવે ત્રિચી ગ્રાન્ડ સામે છેલ્લી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલમાં બેટ્સમેનોને સ્ટેડિયમ ભેગા કરીને શાનદાર હેટ્રીક તેના નામે કરી અને TNPL માં હેટ્રિક લેનાર છઠ્ઠો ખેલાડી બનીને ઇતિહાસ રચી દીધો. આ મેચમાં સોનું યાદવે કરેલા શાનદાર પર્ફોર્મન્સથી ત્રિચી ગ્રાન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 157 રન જ બનાવી શકી.