- ચીની સૈનિકોએ ઘેટાં ચરાવનારાઓને ચરાવવાની મનાઇ કરતાં મામલો બીચક્યો
- ગાલવાન ઘાટીમાં અથડામણ સર્જાયા બાદ આ ક્ષેત્રમાં જાનવરોને ચરાવવાનું બંધ કરી દીધું હતું
- જો કે ભારતીય ચરાવનારાઓ ઝૂક્યા ન હતાં
પૂર્વિય લદ્દાખમાં પેંગોંગ સરોવરના ઉત્તરીય કિનારા પર દેશના બહાદુર ઘેટાં ચરાવનારા તથા ચીની સૈનિકો વચ્ચે ત્યારે અથડામણ સર્જાઇ હતી કે જ્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાસે ચીની સૈનિકોએ ભારતીય ઘેટાં ચરાવનારાઓને ઘેટાં ચરાવવાની મનાઇ ફરમાવી હતી. 2020માં ગાલવાન ઘાટીમાં અથડામણ સર્જાયા બાદ સ્થાનિક પશુ ચરાવનારાઓએ આ ક્ષેત્રમાં જાનવરોને ચરાવવાનું બંધ કરી દીધું હતું પણ હવે જ્યારે ફરીથી પોતાના પરંપરાગત પશુચારા ક્ષેત્રમાં પહોંચ્યા તો ચીની સેના પીએલએના જવાનોએ તેમને રોક્યા હતાં. જો કે ભારતીય ચરાવનારાઓ ઝૂક્યા ન હતાં અને ચીની સૈનિકો સાથે અથડામણમાં ઊતરી ગયાં હતાં અને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું કે આ ક્ષેત્ર ભારતના વિસ્તારમાં છે. અહેવાલો અનુસાર ભારતીય ચરાવનારા ચીની સૈનિકો સાથે લડી રહ્યા હતાં ત્યારે ભારતીય સૈનિકો પણ ત્યાં પહોંચીને તેમની મદદ કરી હતી. અહેવાલો અનુસાર બન્ને તરફ કોઇ જાનહાની કે ઇજાઓ થઇ નથી અને ઝઘડો શમી ગયો હતો.
વાસ્તવમાં શું બન્યું હતું
વાઇરલ વીડિયોમાં ત્રણ ચીની બખ્તરબંધ વાહનો અને ઘણા સૈનિકો સરોવરના કિનારે મેદાનમાં દેખાઇ રહ્યા છે. તેઓ એલાર્મ વગાડીને પશુ ચરાવનારાઓને જતા રહેવાનો સંકેત આપી રહ્યા છે. જો કે બહાદુર ચરાવનારાઓ તેને ગણકારતા નથી અને ચીની સૈનિકો સાથે દલીલ કરતાં નજરે આવે છે. ચરાવનારાઓએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેઓ ભારતીય ક્ષેત્રમાં પશુ ચરાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં તેમના દાદાઓ અને પરદાદાઓ પણ પશુ ચરાવતાં હતાં.


