- પીટીઆઈના ઉમેદવાર જ વાસ્તવિક વિજેતા: વિજેતા ઉમેદવાર
- પત્રકાર પરિષદ કરીને બેઠક છોડ્યાની માહિતી આપી
- “ટીમના મૂલ્યાંકન મુજબ PTI સમર્થિત અપક્ષ ઉમેદવારની જીત”
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સરકાર બનાવવા માટે કોઈપણ રાજકીય પક્ષ પૂર્ણ બહુમતીના આંકને સ્પર્શી શક્યો નથી. સેનાના સમર્થનથી પીએમએલ-એનના સુપ્રીમો નવાઝ શરીફનો હાથ ઉપર હોય તેમ લાગી રહ્યું છે. 2 નવા ચૂંટાયેલા અપક્ષ સભ્યો તેમના પક્ષમાં જોડાયા છે. દરમિયાન, જમાત-એ-ઈસ્લામી (JUI) પાર્ટીના વરિષ્ઠ નેતા હાફિઝ નઈમુર રહેમાને સોમવારે એક અભૂતપૂર્વ પગલું ભર્યું. તેમણે સિંધ પ્રાંતની બેઠક છોડી દીધી છે. આ બેઠક તેમણે તાજેતરની ચૂંટણીમાં જીતી હતી.
JUIના નેતા હાફિઝ નઈમુર રહેમાને જણાવ્યું છે કે જે સીટ પરથી તેઓ ચૂંટણી જીત્યા તે બેઠક પર વાસ્તવિક વિજેતા ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, રહેમાન પીએસ-19 બેઠક (કરાચી સેન્ટ્રલ) પરથી 26 હજાર 296 મતોથી જીત્યા છે. એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન અનેક મતવિસ્તારોમાં થયેલી કથિત ગોટાળાને ઉજાગર કરવા માટે તેમણે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, આ બેઠક પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારે જીતી છે અને હું આ બેઠક પરથી જીતનો લાભ લઈશ નહીં.
JUI નેતાએ કહ્યું, મેં અનુમાન લગાવ્યું હતું કે માત્ર થોડાક જ મતોનો તફાવત હશે. મેં મારી ટીમને દરેક ફોર્મ તપાસવા કહ્યું. જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ કહ્યું કે અમને ઓછા મત મળ્યા હતા. હું સફળ ન થઈ શક્યો, તો મેં આ બેઠક છોડી દીધી. તેમણે દાવો કર્યો કે તેમની ટીમના મૂલ્યાંકન મુજબ, પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર સફર બારીએ બેઠક જીતી છે. તેમણે કહ્યું કે તેમના મત 31 હજારથી ઘટીને 11 હજાર થઈ ગયા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ કરી. જેમાં તેમણે કહ્યું કે, મારા અંતરાત્માના અવાજ અને પક્ષની નૈતિકતાની પરંપરા અનુસાર મેં પ્રાંતીય વિધાનસભાની મારી બેઠક ખાલી કરી છે. મારી માંગ છે કે અમને તે તમામ બેઠકો પરત કરવામાં આવે જે અમે જીતી છે. રહેમાનનો આ નિર્ણય છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આવ્યો છે. કેટલાક પક્ષો સિંધ પ્રાંતના વિવિધ ભાગોમાં કથિત ચૂંટણી ધાંધલધમાલને લઈને વિરોધ કરી રહ્યા છે, જેમાં કેટલાક હિંસક વિરોધનો પણ સમાવેશ થાય છે.


