- દિવાળીએ દિલ્હીવાસીઓએ SCના આદેશનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડયા
- ફટાકડા ફોડ્યા બાદ દિલ્હીના આકાશમાં ગાઢ ઝેરીલું ધુમ્મસ ફરીથી ઘેરાઇ ગયું
- વિશ્વના અન્ય પ્રદૂષિત ટોપ ટેન શહેરોમાં મુંબઈ અને કોલકાતાનો પણ સમાવેશ
દિવાળીની રાતે દિલ્હીવાસીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડયા બાદ સોમવારે સવારે દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારો પર ગાઢ ઝેરીલું ધુમ્મસ ફરીથી ઘેરાઇ ગયું હતું, જેને પગલે સમગ્ર એનસીઆરમાં ફરીથી ભારે પ્રદૂષણ પ્રસરી ગયું છે. સોમવારે સવારે સાડા પાંચ કલાકે દિલ્હીમાં એર ક્વોલિટીનું સ્તર 514 હતું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં ખતરનાક ઝેરી ગણાતા 320ના સ્તર કરતાં ઘણું વધારે હતું. અહેવાલો અનુસાર સોમવારે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હીના આનંદ વિહાર ક્ષેત્રમાં AQI 969 નોંધાયો હતો.
નોંધનીય છે કે 0-50ના AQIને સ્વસ્થ માનવામાં આવે છે અને 300થી ઉપરનાં AQIને ખતરનાક ગણવામાં આવે છે. નોંધનીય છે કે રવિવારે સવારે દિલ્હીમાં એર ક્વોલિટી આઠ વર્ષમાં સૌથી સારી જોવાઇ હતી. ચોખ્ખા આકાશ અને કુમળા તાપ વચ્ચે દિલ્હીમાં AQI 200 નોંધાયો હતો જે પાછલા ત્રણ સપ્તાહમાં પણ સૌથી સારો આંક હતો.
ફટાકડા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ શું કહે છે?
ફટાકડાને લઇને સુપ્રીમ કોર્ટ બે વાર ગાઇડલાઇન જાહેર કરી ચૂક્યું છે. પહેલાં 23 ઓક્ટોબર 2018ના રોજ અને બીજી વાર 29 ઓક્ટોબર 2018ના રોજ. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી પણ જેમાં બેરિયમ સોલ્ટ હોય તેવા ફટાકડા પર પ્રતિબંધ છે. ઓક્ટોબર 2018માં સર્વોચ્ચ અદાલતે ગ્રીન ફટાકડાને છોડીને તમામ ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. આ સાથે કોર્ટે ફટાકડા ફોડવાનો સમય પણ નક્કી કરી આપ્યો હતો. કોર્ટે તાજેતરમાં એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ ફક્ત દિલ્હી પૂરતો સીમિત નથી પણ સમગ્ર દેશમાં લાગુ છે.
પ્રદૂષણ વધતાં રાજ્ય સરકારે બેઠક બોલાવી
દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદૂષણને પગલે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો પણ રવિવારે સાંજથી પાટનગરમાં વિવિધ વિસ્તારમાં ફટાકડાના અવાજો આવવા લાગ્યા હતા અને રવિવારની સંપૂર્ણ રાત્રી દરમિયાન દિલ્હીવાસીઓએ જંગી માત્રામાં ફટાકડા ફોડયા હતા. જેને પગલે સોમવારે સવારે પાટનગરનું વાતાવરણ પ્રદૂષિત થઇ જતાં રાજ્ય સરકારે બેઠક બોલાવી હતી. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણના પ્રમાણમાં અચાનક વધારો થયો તેનું એકમાત્ર કારણ ફટાકડા છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે દુર્ભાગ્યપૂર્ણ છે.
એક્શન પ્લાન લાગુ કરવામાં આવી શકે
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરોનમેન્ટ(સીએસઇ)ના વાયુ પ્રદૂષણ નિયંત્રણ સેલના વડા વિવેક ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં AQI અત્યંત ખરાબ શ્રોણીમાં છે. તે એ બાબત પર ઇશારો કરે છે કે વાયુ પ્રદૂષણનું સ્તર ફટાકડા ફોડયા બાદ વધી ગયું છે. હવા રોકાઇ ગઇ છે તેથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.


