- અરજદાર-વકીલનો સમય બચાવવા કેસનો ત્વરીત નિકાલ કરવા માંગ
- બાર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું
- સુધારા-વધારાના કેસોના જલ્દી નિકાલ માટેની માંગણી ઉઠી છે
માણસામાં જન્મ-મરણની નોંધમાં સુધારા-વધારાના કેસોના જલ્દી નિકાલ માટેની માંગણી ઉઠી છે. માણસા બાર એસોસિએશન દ્વારા અંગે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં અરજદારો અને વકીલોના સમયનો વ્યય ન થાય તે માટે અરજીનો નિકાલ ઝડપી કરવાની માંગ કરી છે. જન્મ-મરણની નોંધમાં સુધારા માટે અરજદારો વકીલ મારફતે કોર્ટમાં અરજી કરતાં હતા. જોકે હવે મામલતદાર ઓફિસમાં અરજી કરવાની રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા બાર એસોસિએશનના વકીલો અરજદારોની જન્મ-મરણની નોંધ બાબતની અરજી કોર્ટમાં દાખલ કરી હુકમ મેળવી તેનો નિકાલ કરતા હતા. પરંતુ હવે જન્મ મરણની નોંધ બાબતના કેસ મામલતદારને સોંપવામાં આવતા અરજદારોના કેસ ધીમી ગતિએ ચાલતા હોવાની વકીલોમાં ફરિયાદો ઉઠવા પામી હતી. આ બાબતે તેમણે માણસા બાર એસોસિએશનના પ્રમુખ યોગેશ ઠાકોરને હકીકત જણાવી હતી. જે અનુસંધાને મંગળવારે એસોસિએશનના હોદ્દેદારો અને વકીલોએ મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દાવો કરાયો હતો કે, કલોલ પ્રાંત કચેરીમાંથી ટ્રાન્સફર કરવામાં આવેલ કેસ અને માણસા મામલતદાર કચેરીમાં દાખલ કરવામાં આવેલા કેસમાં છેલ્લા છ મહિનાથી ધીમી ગતિએ કામગીરી થાય છે. જાહેર નોટીસ પક્ષકારોને સમન્સની પ્રોસેસમાં વિલંબ થતો હોવાથી તાલુકાના અરજદારો અને વકીલોના સમયનો વ્યય થાય છે. જેથી સમય મર્યાદામાં અરજીની પ્રોસેસ કરી જાહેર નોટિસ કાઢી જન્મ મરણની આવી નોટિસોનો ઝડપી નિકાલ કરવા માટે માંગ કરવામાં આવી છે.


