સમસ્યા એ છે કે જ્યારે તમારા જીવનમાં નાની-નાની વસ્તુઓ ખોટી થાય છે, ત્યારે તમે વિચારો છો કે તમારા દુઃખ માટે કોઈ બીજું જવાબદાર છે. જ્યારે મોટી વસ્તુઓ ખોટી થાય છે, ત્યારે તમે વિચારો છો કે ભગવાન જવાબદાર છે. તમે પોતે કોઈ પણ વસ્તુ માટે જવાબદાર હોવ એવું લાગતું નથી. આ બદલવાનો સમય આવી ગયો છે. આપણે સમજવું જોઈએ કે આપણી બધી સમસ્યાઓનો સ્રોત આપણી અંદર જ છે અને જો આપણે ઉકેલ જોઈએ છે, તો તે પણ આપણી અંદર જ છે, બીજે ક્યાંય નહીં. આ ખૂબ જ અગત્યનું છે – તમે કોણ છો, તમે કેવા છો, તમે કેવા નથી, એની જવાબદારી તમારી પાસે આવવી જોઈએ. આ મારું મૂળભૂત મિશન છે : ધર્મથી જવાબદારી તરફ.
જ્યારે દુનિયા ધર્મથી જવાબદારી તરફ જશે, ત્યારે જ માનવ ક્ષમતાની પૂરેપૂરી ખોજ થશે; નહીં તો બધા પાસે તેઓ જે કરે છે તે બધા કચરા માટે બહાનું હોય છે અને મોટાભાગે તેઓ દરેક મૂર્ખ કામ માટે દૈવીય મંજૂરી ધરાવે છે. માણસની બુદ્ધિમત્તાની પ્રકૃતિ એવી છે કે જો તમે આજે કંઈક મૂર્ખતાભર્યું કરો છો, તો રાત્રે તમારી બુદ્ધિમત્તા તમને હેરાન કરશે, “મેં આ શા માટે કર્યું?” પણ તમે ખૂબ સરળતાથી આને પાર કરી શકો છો, બસ કોઈ ધર્મગ્રંથ કે સ્વર્ગમાંથી સમર્થન મેળવીને. તમે મૂર્ખતાભર્યાં કામ મોટા આત્મવિશ્વાસ સાથે કરી શકો છો. તમારે પાછળ વળીને જોવાની જરૂર નથી. આ હંમેશાં થતું આવ્યું છે, પણ હવે માનવ બુદ્ધિ પહેલાં કરતાં વધુ ચમકી રહી છે. માનવતાના ઈતિહાસમાં પહેલાં કરતાં આજે વધુ લોકો પોતાના માટે વિચારી રહ્યા છે. અત્યારે આપણે જેવા છીએ, એવા સમયે જો ભગવાન પણ તમારી સાથે વાત કરે અને જો એ તાર્કિક ન લાગે, તો તમે એને સ્વીકારશો નહીં. એટલે ઘણી રીતે સ્વર્ગો તૂટી રહ્યા છે. અત્યારે કદાચ આ વ્યક્તિગત સ્તરે થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે આ એક વ્યાપક ઘટના બની જશે.
મારા અંદાજ મુજબ આગામી 80-100 વર્ષોમાં અત્યારે જે ધર્મો છે તે ઓછા થઈ જશે. ભૂતકાળનાં સ્વર્ગો ત્યારે અર્થપૂર્ણ લાગતાં હતાં, જ્યારે લોકો દયનીય પરિસ્થિતિઓમાં જીવતા હતા. આજે આપણે સ્વર્ગ કરતાં પણ સારું જીવન જીવી રહ્યા છીએ, એટલે લોકો તમને કહેશે, “મારે સ્વર્ગમાં જવું નથી. આ સારું છે.” પણ માણસની કંઈક વધુ અનુભવવાની ઝંખના દૂર નહીં થાય. લોકો આ મૂળભૂત ઝંખનાને પૂરી કરવાનો પ્રયત્ન સ્વર્ગ તરફ કે બહાર જોઈને કરતા આવ્યા છે, પણ અંદર જોઈને નહીં. માત્ર 150 વર્ષ પહેલાં પણ દુનિયામાં મોટાભાગના લોકો ઉપર જોતા હતા, જ્યારે બસ થોડા જ લોકો બહાર જોતા હતા. એ થોડા લોકોએ જ સંપત્તિ એકત્રિત કરી, મહેલો બનાવ્યા, પણ આજે મોટાભાગના લોકો ઉપર જોવાને બદલે બહાર જોઈ રહ્યા છે. જો તમે માનવ કલ્યાણ માટે બહાર જોશો, તો આપણે આ ગ્રહને ચીરી નાખીશું અને આપણા અસ્તિત્વનો પાયો જ નષ્ટ કરી દઈશું જે આપણે આજે કરી રહ્યા છીએ. આપણે એને અલગ અલગ નામ આપવા માગીએ છીએ. જેમ કે, પર્યાવરણીય સમસ્યાઓ, ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જ. જે બધું થઈ રહ્યું છે તે બસ એ છે કે માણસો માનવ કલ્યાણની ખોજમાં બહાર જોઈ રહ્યા છે.
કલ્યાણની વિચારધારા અંદર તરફ વળવી જોઈએ. માનવ કલ્યાણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કોઈ અંદર તરફ ન વળે, કેમ કે માનવ અનુભવ અંદરથી જ બને છે. એકવાર આ સમજી લો, પછી યોગ ખૂબ જ કામનો અને સુસંગત બની જાય છે, કેમ કે તે આંતરિક કલ્યાણ માટેની ટેક્નોલોજી અને આત્મ-રૂપાંતરણ માટેનાં સાધનો આપે છે. જેમ જેમ માનવ બુદ્ધિ વધુ ને વધુ પ્રજ્વલિત થશે, તેમ તેમ આગામી 25-50 વર્ષોમાં, યોગ આ ગ્રહ પર અપવાદ નહીં, પણ સામાન્ય બની જશે.