- નવા શહેરોના વિકાસ ફંડમાંથી રકમ મેળવવા દરખાસ્ત
- અગાઉ અંબાજીના પ્રોજેક્ટ્સ માટે 1,800 કરોડ મંજૂર કરેલા છે
- ગિફ્ટસિટીનો વિસ્તાર વધારીને 14 ચોરસ કિલોમીટરનો કરવાની યોજના
ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગિફ્ટસિટીની વિસ્તરણ યોજના માટે તથા બનાસકાંઠાના તીર્થધામ અંબાજી શહેરને ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકારને પ્રપોઝલ મોકલી છે. કેન્દ્ર સરકાર જો મહેરબાન થશે તો આ બે યોજનાઓ પૈકી કોઈ એક યોજના માટે રૂ.1 હજાર કરોડનું ફંડ ગુજરાતને મળી શકે છે.અંબાજીના સર્વાંગી વિકાસ માટે થોડા સમય પહેલાં જ રૂ.1,800 કરોડનો પ્રોજેક્ટ કેન્દ્રએ મંજૂર કરેલો છે.
કેન્દ્ર સરકારનાં 15મા નાણાપંચની ભલામણ પ્રમાણે વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં નવા શહેરોના વિકાસ માટે કુલ રૂ.8 હજાર કરોડના ફંડમાંથી કોઈ એક શહેરના ડેવલપમેન્ટ માટે રૂ.1000 કરોડ આપવાની યોજના છે. દેશના 26 રાજ્યોએ પણ આ ફંડ મેળવવા માટે દરખાસ્ત કરી હોવાનું કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે રાજ્યસભામાં રાજ્યના સભ્ય નરહરિ અમીનને એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. ગિફ્ટસિટીનો વિસ્તાર જે અત્યારે 3.7 ચોરસ કિલોમીટર છે, તે વધારીને 14 ચોરસ કિલોમીટરનો કરવાની યોજના છે, જેમાં રૂ.6 હજાર કરોડની જરૂરનો અંદાજ છે. ગિફ્ટસિટીની વિસ્તરણ યોજના માટે રૂ. 1 હજાર કરોડનું કેન્દ્રીય ફંડ મળે તોય ગિફ્ટસિટીની જરૂરિયાત પૂર્ણ થશે નહીં. થોડા સમય અગાઉ અંબાજી મંદિર કોમ્પ્લેક્સ, ધરોઈથી અંબાજી નવી રેલવે લાઈન સહિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારે કુલ રૂ.1,800 કરોડની યોજના મંજૂર કરેલી છે.


