- `મહાભારત’ રાખો, વાંચો. સમય મળે તો એક-બે શ્લોક જુઓ અને પછી ન સમજાય તો તમને જેના પર શ્રદ્ધા હોય અને જે ખોટા અર્થો ન કરે એવા કોઈ બુદ્ધપુરુષને પૂછો
ગોસ્વામી તુલસીદાસજીએ `રામચરિતમાનસ’ની એક પંક્તિમાં `કૃષ્ણ ચરિત્ર માનસ’ની વાત પણ વણી લીધી છે કે –
જબ જદુબંસ કૃષ્ણ અવતારા,
હોઈહિ હરન મહા મહિભારા.
થોડી કૃષ્ણ ચરિત્રની વાતો પણ તુલસીએ બે પંક્તિમાં લખી છે. આમ તો સમગ્ર કૃષ્ણ ચરિત્ર આમાં આવ્યું. તો `કૃષ્ણ ચરિત્ર માનસ’એ પણ `રામાયણ’નો વિષય છે, જે શિવજીએ કામદેવની ધર્મપત્ની રતિની સામે એ કથા ગાઈ છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે. `હરિવંશપુરાણ’ જોઈએ; `શ્રીમદ્ ભાગવત’ તો કૃષ્ણચરિત્ર જ છે અને કૃષ્ણના ચરિત્રનો વધારે આશ્વાદ કરવો હોય તો `મહાભારત’માં જવું પડે. `મહાભારત’એ કૃષ્ણ ચરિત્રનો મહાકોશ છે. `મહાભારત’ ઉપર આપણે ત્યાં બહુ જ કામ થયું, થવું જોઈએ.
યુવાન ભાઈ-બહેનોને હું પ્રાર્થના કરીશ કે હવે તો ઈન્ટરનેટમાં, તમારા મોબાઈલમાં આખું ને આખું `મહાભારત’ સમાવિષ્ટ છે. થોડોક સમય મળે ત્યારે ધીરે ધીરે `મહાભારત’ના બે-પાંચ શ્લોકો પણ વાંચશો તો તમને પ્રેરણા બહુ મળશે. આપણે ત્યાં એક ખોટી પ્રચલિત ધારણા આવી ગઈ હતી કે `મહાભારત’ ઘરમાં રખાય નહીં. લોકો એમ માને કે `મહાભારત’ ઘરમાં હોય તો ઘરમાં `મહાભારત’ થાય! તમે ઘરમાં `મહાભારત’ રાખતા નથી તોય `મહાભારત’ થાય છે! `મહાભારત’ વસાવજો. શસ્ત્રથી પણ ન ડરો અને શાસ્ત્રથી પણ ન ડરો. જો મારી ને તમારી પાસે કરુણા હશે તો શસ્ત્ર નહીં ડરાવી શકે. ગાંધીની પાસે કરુણામૂલક અહિંસા હતી એટલે એમને શાસ્ત્રો ન ડરાવી શક્યાં. એટલે એમ કહેવાયુ કે –
દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ.
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.
શાસ્ત્રથી ડરવું નહીં; શાસ્ત્રોના ખોટા અર્થ કરે એનાથી ડરવું, શાસ્ત્રોની મૂળ વસ્તુને પોતાના હેતુ માટે આધી-પાછી કરી નાખે એવા માણસોથી ડરવું. શાસ્ત્રોનું જે મૂળ રૂપ હોય એને બગાડવું નહીં. તમારે એમાં તમારાં કાંઈ ભાષ્યો ઉમેરવાં હોય તો તમારા નામ સાથે ઉમેરજો.
તો શાસ્ત્રોએ અદ્ભુત કામ કર્યું છે. હું એમ પણ કહું કે દેશકાળ પ્રમાણે શાસ્ત્રોમાં કોઈ વસ્તુ બંધબેસતી ન હોય તો એવી વસ્તુઓનું સંશોધન પણ થવું જોઈએ. એક કાળમાં એમ કહેવાયું હોય કે બહેનોને યજ્ઞોપવીતનો અધિકાર નથી; બહેનો યજ્ઞ નહીં કરી શકે, આવું બધું આવ્યું, પરંતુ એને વંદન કરીને એનું વિશુદ્ધિકરણ પણ કરી શકાય. મને હંમેશાં એ પ્રશ્ર રહ્યો છે કે મારા દેશની બહેનોને અમુક અધિકાર કેમ નહીં? મને તો એનો અર્થ એમ લાગે કે બહેનોને યજ્ઞ કરવાનો અધિકાર નથી એમ નહીં, પણ બહેનોને યજ્ઞ કરવાની જરૂર જ નથી. અધિકાર તો છે જ, પણ જરૂરિયાત નથી. એ બાળકો, પતિ, પરિવાર કે અતિથિ માટે ચૂલામાં અગ્નિ પ્રગટાવીને રોટલો બનાવે એવો બીજો કોઈ મોટો યજ્ઞ નથી. વેદ બહેનોથી વંચાય નહીં, એવું કહેવાયું છે! પણ એમાંય સુધારા કરવા જોઈએ. મને એમ લાગે છે કે એને અધિકાર નથી એમ નહીં, પણ એ પોતાના ગર્ભમાં રહેલા બાળકને નવ મહિને બહાર કાઢી ઘોડિયામાં સુવડાવી, એની નાનકડી એવી દોરી લઈ હાલરડું સંભળાવે એ જ એનો વેદ છે. એટલે અમુક વસ્તુનું સંશોધન થવું જોઈએ. શાસ્ત્રો એટલા માટે ગુરુમુખી હોવાં જોઈએ.
તો `મહાભારત’ રાખો, વાંચો. સમય મળે તો એક-બે શ્લોક જુઓ અને પછી ન સમજાય તો તમને જેના પર શ્રદ્ધા હોય અને જે ખોટા અર્થો ન કરે એવા કોઈ બુદ્ધપુરુષને પૂછો. ગાંધીજી કહેતા, જેના ઘરમાં `રામાયણ’ અને `મહાભારત’ નથી એને હિંદુસ્તાની કહેડાવવાનો અધિકાર નથી. તમે `રામાયણ’ ન વાંચો, પણ તમારા ઘરમાં `રામાયણ’ હોય તોય સમજવાનું કે તમારા ઘરમાં કો’ક બેઠું છે તમારું ધ્યાન રાખનારું. હું તો એવો અનુભવ કરી ચૂક્યો છું કે ગુરુકૃપાથી આપણે સદ્ગ્રંથો રાખીએ અને પછી આપણે સૂઈ જઈએ તોય આપણને ખબર ન હોય એમ સદ્ગ્રંથો આપણા ઘરની રક્ષા કરતા હોય છે. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી; અમુક મારા અનુભવની વાત છે. ભરતને પ્રભુએ પાદુકા આપી. આ પાદુકાએ શું કર્યું? આખી અયોધ્યા સૂઈ જતી ત્યારે પાદુકા રક્ષક બનીને આખી અયોધ્યામાં આંટા મારતી હતી. તમારા ગુરુની એક ચીજ તમારા ઘરમાં હોય એ તમારી રક્ષા કરતી હોય છે.
કૃષ્ણએ રાધાજીને વાંસળી આપી પછી રાધાને કૃષ્ણની જરૂર ન પડી. ભગવાન શ્રીકૃષ્ણએ નિર્વાણ સમયે ઉદ્ધવજીએ પાદુકા આપી. પાદુકા આપીને બધું જ આપી દીધું. મેં વર્ગીકરણ કર્યુ છે. કથામાં ઘણી વખત કહું છું. કૃષ્ણ ગયા ધરાધામ છોડીને; આમ તો કૃષ્ણ ધરાધામ છોડીને જાય એ વાતો જ મને ગમતી નથી, પણ કૃષ્ણ ચરિત્ર આવે એટલે મારે કહેવું પડે. એ જાય એ આપણને પોસાય એમ નથી. પાંચ-પાંચ હજાર વર્ષ થયાં છે આ અવતારને, છતાંય એના નામે આપણે જીવીએ છીએ. ગણવા જેવી વસ્તુ છે કે કૃષ્ણએ કોને કોને શું આપ્યું? અને આ આપ્યું એમ બધું જ આપી દીધું. રાધાને વાંસળી આપી. કહે છે કે રાધાએ માગી લીધી અથવા તો કૃષ્ણએ આપી. ઉદ્ધવને પાદુકા આપી. સુદામાને સખ્ય આપ્યું. શ્રીદામાને જનમભરનું દારિદ્રય આપ્યું. દારિદ્રય પણ પ્રભુનું વરદાન છે; ઈશ્વરે આપેલુ હોવું જોઈએ. મને કહેવા દો, નંદ-યશોદાને કેવળ આંસુ આપ્યાં અને આખી જિંદગી નંદ-યશોદા રડતાં રહ્યાં.
હું પ્રાર્થના કરું મારાં યુવાન ભાઈ-બહેનો, તમને સમય મળે તો જેની પાસે જતાં તમારી આંખમાં આંસુ આવે એવા માણસની પાસે ચોવીસ કલાકમાં એકાદ વખત પાંચ મિનિટ જવું, એ જ દર્શન છે. જે વસ્તુ વાંચવાથી તમારી આંખ ભીંજાય એ વેદપાઠ છે. જેનો સ્પર્શ કરવાથી હૃદયમાં ભાવ જાગે; એવા માણસોને મળો કે જેમને મળવાથી આપણી આંખ ભીંજાય.
તો કૃષ્ણએ આંસુ આપ્યાં નંદ-યશોદાને. તીવ્રતમ વિરહ આપ્યો ગોપિકાઓને. `શ્રીમદ્ ભગદ્ગીતા’ રૂપી એક મહાગીત આ યોગેશ્વરે અર્જુનને આપ્યું. આમ કોઈને વાંસળી આપી, કોઈને આંસુ આપ્યાં, કોઈને દારિદ્રય આપ્યું, કોઈને `ગીતા’ આપી; પણ મને કહેવા દો. મીરાંને કૃષ્ણએ પોતાનો અવાજ આપ્યો કે તું ગાજે. સાવ ખાલી થયો છે કૃષ્ણ બધાંને આપતાં આપતાં! બધાંને પોતાનો કૃષ્ણ હોવો જોઈએ, પણ યાદ રાખવાનું, એ કૃષ્ણ હોવો જોઈએ.