- USમાં પન્નુની હત્યાના કાવતરાનો આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં હોવાથી સમગ્ર વિશ્વની નજર
- ચૅક રિપબ્લિક સાથે UAE, ટિમોર અને મોઝામ્બિકના રાષ્ટ્ર્પ્રમુખો પણ અતિથિવિશેષ પદે હાજરી આપશે
- વાઇબ્રન્ટની તૈયારીરૂપે એરપોર્ટથી ગાંધીનગરના માર્ગનો શણગાર શરૂ
ચૅક રિપબ્લિકના વડા પ્રધાન પીટર ફિયાલા 10મી જાન્યુઆરીએ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં અતિથિવિશેષ પદે હાજરી આપવા માટે સંમત થયા છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાની સોપારી લેવાના આરોપસર પકડાયેલો નિખિલ ગુપ્તા અત્યારે ચૅકની જેલમાં પુરાયેલો છે અને તેનો કેસ ચૅકની રાજધાની પ્રાગની કોર્ટમાં ચાલી રહ્યો છે, તો બીજી તરફ નિખિલ ગુપ્તાના કુટુંબીજનોએ કરેલી હેબિયસ કોર્પસ પિટિશન અહીં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધો ડહોળતાં આ મહત્ત્વનાં બહુચર્ચિત કેસના પરિપ્રેક્ષ્યમાં ચૅક વડાપ્રધાનનું ગાંધીનગરમાં આવવું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડાયસ શેર કરવાની ઘટના સ્વાભાવિક રીતે જ એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બની રહેશે. સેન્ટ્રલ યુરોપનો નાનકડો દેશ ચૅક રિપબ્લિક 2019 પછી આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં પણ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યો છે.
ચૅકના વડાપ્રધાન ઉપરાંત બીજાં પણ ત્રણ દેશોના પ્રમુખો દસમી સમિટમાં અતિથિવિશેષ તરીકે આવવાના છે, જેમાં યુનાઇટેડ આરબ અમિરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, દક્ષિણપૂર્વ એશિયાના ટચૂકડાં ટાપુ દેશ ટિમોરના રાષ્ટ્રપ્રમુખ જોસ રેમોસ હોર્ટા તેમજ દક્ષિણ આફરીકન દેશ મોઝામ્બિકના રાષ્ટ્રપ્રમુખ ફિલીપ ન્યૂસીએ કન્ફર્મેશન આપી દીધું છે. આમ તો પાંચ દેશોના વડાઓને દસમી વાઇબ્રન્ટમાં ખેંચી લાવવાનો લક્ષ્યાંક હતો, પરંતુ અત્યાર સુધી આ ચાર દેશોના વડાઓએ તેમની હાજરી કન્ફર્મ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. સૌથી વધુ પાર્ટનર કન્ટ્રીનો રેકોર્ડ પણ આ વખતે સર્જાવાનો છે. 2019ની સમિટમાં 14 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા, તેનાં કરતાં બમણાં દેશોએ તેમની લેખિત સહમતી ગુજરાત સરકારને આપી દીધી છે.


