- મુખ્યમંત્રીએ સક્ષમ નેતૃત્વની આપી શુભેચ્છા
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવ બન્યા છે
- ભાજપ મધ્યપ્રદેશમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે
વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીની પસંદગીની રાહ જોવામાં આવી રહી હતી. આ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શુભકામના પાઠવી છે.
રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું કે, મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચતું રહે તેવી શુભકામના છે.
નોંધનીય છેકે, મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એકદમ નવા જ ચહેરાની પસંદગી કરવામાં આવી છે. આ વચ્ચે મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામ પર મહોર મારી દેવાઈ છે, તો વિધાનસભા અધ્યક્ષ તરીકે નરેન્દ્ર સિંહ તોમરનું નામ ફાઈનલ કરાયું છે.
એટલું જ નહીં ભાજપે મધ્યપ્રદેશમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને જવાબદારી સોંપાઈ છે. BJPના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો.
કોણ છે મોહન યાદવ
મોહન યાદવ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાની ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી જીતીને તેમણે રાજ્યસ્તરે રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં, વર્ષ 2018માં તેમને ફરી આ જ બેઠક પર રિપીટ કરવામાં આવ્યા હતા. બીજી વખત પણ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને તેઓ બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવની રાજકીય કારકિર્દી તે સમયે વધારે મજબૂત બની જ્યારે તેમણે 2 જુલાઇ 2020માં શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965ના દિવસે ઉજ્જૈનમાં થયો હતો. મોહન યાદવ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. પોતાની રાજકીય કારકિર્દીની સાથે સાથે મોહન યાદવ મધ્ય પ્રદેશના ઉદ્યોગપતિ તરીકે પણ જાણીતા છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં મોહન યાદવ 13000 વોટ સાથે જીત મેળવી હતી.
તેમના પિતા પૂનમચંદ યાદવ ખેડૂત હતા. તેમના પત્ની સીમા યાદવ છે અને તેમને 2 દીકરા અને એક દીકરી છે. મોહન યાદવ ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. સાથે સાથે તેમણે BSC, LLB, MA, MBA and PhD ની ડિગ્રીઓ ધરાવે છે.


