- કુલ 4,159 નવા યુવા કર્મચારીઓની સરકારમાં ભરતી
- નવા યુવા કર્મચારીઓને નિમણૂક પત્રો સોમવારે ગાંધીનગરમાં અપાયા
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પસંદ થયેલા આ બધા નવા કર્મચારીઓ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4,159 નવા યુવા કર્મચારીઓને નિમણૂક પત્રો સોમવારે ગાંધીનગરમાં અપાયા છે, જે પૈકી 3,014ને તલાટી-કમ-મંત્રી, 998ને જુનિયર કલાર્ક, 72ને નાયબ સેક્શન ઑફિસર, 58ને અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેમજ 17ને હવાલદાર તરીકે નિમણૂકપત્રો અપાયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પસંદ થયેલા આ બધા નવા કર્મચારીઓ છે.
મુખ્યમંત્રીએ આ બધા નવા યુવક-યુવતીઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની દરેક યોજનાઓમાં છેવાડાના માનવીને તથા જરૂરિયાતવાળા લોકોને 100 ટકા આવરી લેવાના લક્ષ્યાંકને પાર પાડવાનું દાયિત્વ આ કર્મચારીઓ નિભાવે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, સરકારી નોકરી પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જનસેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.
મુખ્યમંત્રીએ આ નવા ભરતી થયેલા કર્મચારીઓને કહ્યું કે, ‘તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ.’ સાથોસાથ, એમણે તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શિખામણ પણ આપી હતી.
પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્ય સરકારની વિવિધ 17 કેડરમાં 13 હજાર જેટલા કર્મચારીઓની રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂકો કરવામાં આવી છે.


