– એક દાયકા પહેલા પ્રમુખ બનેલા શી જિનપિંગે ૨૪ ઓક્ટોબરે પ્રથમ વખત સેન્ટ્રલ બેંકની મુલાકાત લીધી
– ચીનમાં આર્થિક કટોકટીના અંતના કોઈ એંધાણ નહિ
Updated: Oct 26th, 2023
અમદાવાદ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે અનેક સહાયક પગલાંની જાહેરાત કરી છે અને તેમાં હવે સરકારી બોન્ડ જારી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સરકારના આ પગલાથી બજેટ ડેફિસિટ રેશિયો વધશે.
આ પ્રસ્તાવને કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા નિયંત્રિત ચીનની સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસની મંજૂરી મળી ગઈ છે. આ પ્રસ્તાવ અનુસાર ૨૦૨૩માં રાજકોષીય ખાધ જીડીપીના લગભગ ૩.૮ ટકા સુધી વધી જશે,જે સરકારના માર્ચના ૩ ટકાના લક્ષ્યાંક કરતા વધુ છે.
આ યોજના હેઠળ, સરકાર ચોથા ક્વાર્ટરમાં ૧૩૭ અબજ ડોલરના બોન્ડ જારી કરશે.
આ નાણાંનો ઉપયોગ આપત્તિ સમયના રાહત કાર્યો તેમજ કન્સટ્રકશન માટે કરવામાં આવશે. ચીનની સરકાર વર્ષના મધ્યમાં ભાગ્યે જ બજેટ લક્ષ્યાંકોમાં ફેરફાર કરે છે. આ અગાઉ સરકારે ૨૦૦૮માં તેમાં ફેરફાર કર્યો હતો. એશિયન નાણાકીય કટોકટી પછી સરકારે ૧૯૯૦ના દાયકાના અંતમાં પણ ફેરફાર કર્યો હતો.
રસપ્રદ વાત એ છે કે ૨૪ ઓક્ટોબરે શી જિનપિંગે સેન્ટ્રલ બેંકની પણ મુલાકાત લીધી હતી. એક દાયકા પહેલા પ્રમુખ બન્યા બાદ સેન્ટ્રલ બેંકની આ તેમની પ્રથમ મુલાકાત હતી. સરકારનું આ પગલું દર્શાવે છે કે ચીન હાલ લાંબાગાળાની સુસ્તીમાં અટવાઈ રહ્યું છે.
અર્થશાીઓના મતે ૨૦૨૪માં પ્રોપર્ટી માર્કેટમાં કટોકટી અને માગમાં મંદીના કારણે વસ્તુઓના ભાવમાં ઘટાડો યથાવત રહેતા ચીનનો વિકાસ દર ઘટીને ૪.૫ ટકા રહેવાની અપેક્ષા છે.


