`જાગરૂકતા’ એટલે ખરેખર શું? આ શબ્દનો એટલો બેફામ ઉપયોગ થયો છે કે તેનું મહત્ત્વ લગભગ પૂરેપૂરું અસ્પષ્ટ થઈ ગયું છે.
એક વખત એવું બન્યું. બે પાદરીઓ એક સાઇનબોર્ડ સાથે ઊભા હતા, જેમાં લખ્યું હતું, `અંત નજીક છે. મોડું થાય તે પહેલાં પાછા ફરો.’ એક ઝડપી કાર આવી. ડ્રાઈવરે સાઇન જોઈ, બારીમાંથી માથું બહાર કાઢ્યું, બૂમ પાડી, `તમે ધાર્મિક પાગલો અમને છોડો’ અને આગળ ગયો. તે વળ્યો. પાદરીઓએ ટાયરનો ભયાનક અવાજ અને એક મોટો અકસ્માત સાંભળ્યો. એક પાદરીએ બીજાને કહ્યું, `કદાચ આપણે સાઇનબોર્ડ પર બસ એ લખવું જોઈતું હતું કે, `પુલ તૂટી ગયો છે.’
સમસ્યા એ છે કે તમને ઘણા લાંબા સમયથી ખોટા સંકેતો બતાવવામાં આવ્યા છે. લોકોએ `માનસિક જાગરૂકતા’ વિશે ઘણા લાંબા સમયથી વાત કરી છે. આવું કંઇ હોતું નથી. માનસિક સતર્કતા આ દુનિયામાં જીવવાની તમારી ક્ષમતા વધારવામાં મદદ કરશે, પણ જે સ્વ સંરક્ષણમાં ઉપયોગી છે તે સ્વ ખોજમાં ઉપયોગી ન પણ હોય.
મન અને જાગરૂકતા સાવ અલગ પરિમાણો છે. મન એ ભેદ કરવાની એક ઉપયોગી ક્ષમતા છે, જે માણસના નિર્વાહ અને સ્વ સંરક્ષણ માટે જરૂરી છે, પણ અસ્તિત્વની દૃષ્ટિએ તેનું કોઈ જ મહત્ત્વ નથી.
મનને કેળવી શકાય છે જાગરૂકતાને નહીં. જાગરૂકતા એવું કંઇક નથી જે તમે કરી શકો. તે કોઈ ક્રિયા નથી. તે હોવાની એક સ્થિતિ છે. જાગરૂકતા એ છે જે તમે છો. ઊંઘ, જાગૃતિ, મૃત્યુ આ બધા બસ જાગરૂકતાના વિવિધ સ્તરો છે. ધારો કે તમે ઝોકું ખાતા હતા અને કોઈએ તમને જગાડ્યા. બૂમ! આખી દુનિયા તરત જ પાછી સામે આવે છે! તે નાની વાત નથી, તમે આખું અસ્તિત્વ તરત જ ફરીથી રચ્યું. સાત દિવસમાં નહીં, બસ એક ક્ષણમાં!
તમે કેવી રીતે જાણો છો કે દુનિયા અસ્તિત્વમાં છે કે નહીં? બસ તમારા અનુભવ દ્વારા. બીજો કોઈ પુરાવો નથી. તો જાગરૂકતા એ છે જે આ અસ્તિત્વને રચી શકે છે કે મિટાવી શકે છે. એ જાગરૂકતાનો જાદુ છે.
તમે તમારી જાગરૂકતાને વિવિધ સ્તરે લઈ જઈ શકો છો. જેમ જેમ તમે તેને વધુ ને વધુ ઊંચે લઈ જાઓ છો, તેમ તેમ અસ્તિત્વનાં નવાં પરિમાણો તમારા અનુભવમાં ખૂલતા જાય છે. એવાં વિશ્વો જેની તમે કલ્પના પણ ન કરી શકો, તે તમારા માટે જીવંત વાસ્તવિકતા બની જાય છે.
જ્યારે તમે ઊંઘમાં હોવ છો, ત્યારે દુનિયા અસ્તિત્વમાં નથી, કેમ કે તમે મોટેભાગે અજાગરૂક છો, પણ ઊંઘમાં પણ તમે પૂરેપૂરા અજાગરૂક નથી હોતા. ઊંઘતી વ્યક્તિ અને મૃત વ્યક્તિ વચ્ચેનો તફાવત જાગરૂકતાનો છે. તે જ રીતે જાગતી વ્યક્તિ અને આત્મજ્ઞાની વ્યક્તિ વચ્ચે તફાવત જાગરૂકતાની તીવ્રતાનો છે. આત્મજ્ઞાની વ્યક્તિ પણ ઊંઘે છે, પણ જાગરૂકતાના ઉચ્ચ સ્તરને કારણે તેમનો અમુક ભાગ ઊંઘતો નથી. ઈન્દ્રિયો બંધ થાય છે, શરીર આરામ કરે છે, પણ બાકી બધું ચાલુ રહે છે.
જાગરૂકતા એ સમાવેશિતાની પ્રક્રિયા છે. આ આખા અસ્તિત્વને આવરી લેવાની. તમે તે કરી શકતા નથી, પણ તમે યોગ્ય પરિસ્થિતિઓ સર્જી શકો છો જેથી તે થાય. જો તમે શરીર, મન અને ઊર્જાઓને એક સીધમાં લાવો, તો જાગરૂકતા ખીલશે.
એમ કહેવું વધુ સાચું છે કે, તે પહેલેથી જ ખીલી ચૂકી છે, આખું અસ્તિત્વ બસ જાગરૂકતા જ છે! પણ એક વખત તે ખીલવું તમારો અનુભવ બને છે, ત્યારે તમે અચાનક અસ્તિત્વની એકતામાં વિસ્ફોટિત થાઓ છો. આ યોગ છે, પરમ જોડાણ.