- નવમી સમિટ 105 કરોડમાં પડેલી
- 2022માં સમિટ યોજાયા વિના 75 કરોડનો જંગી ખર્ચ વિવાદાસ્પદ બન્યો
- હજી સમિટના ખર્ચના બિલોનું ચુકવણું ચાલે છે
ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2024માં યોજાયેલી દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પાછળ કુલ કેટલો ખર્ચ થયો તેની વિગતો હજી સુધી સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી જાહેર કરાઈ નથી. અલબત્ત બુધવારથી વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારના 2023-24ના બજેટની પૂરક માગણીઓ અંગે ચર્ચા શરૂ થઈ છે, તે પૂરક માગણીઓની બુકલેટમાં ઉદ્યોગ-ખાણ વિભાગની માગણીમાં રૂ.66.5610 કરોડની પૂરક માગણી ચાલુ નાણાકીય વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ અન્ય ખર્ચના વધારાને કારણે રજૂ થઈ છે.
ઉદ્યોગ વિભાગના સૂત્રો એવું કહે છે કે, 2023-24ના બજેટમાં દસમી વાઈબ્રન્ટ સમિટ માટે માત્ર ટોકન રૂ.1 કરોડની જોગવાઈ થઈ હતી અને સમિટના ખર્ચ પેટે સુધારેલો અંદાજ રૂ.118 કરોડ દર્શાવાયો હતો. હજી સમિટના ખર્ચના બિલોનું ચુકવણું ચાલે છે, જે ફાઇનલ થયા પછી જ સમિટ પાછળ કુલ ખર્ચ કેટલો થયો તે બહાર આવશે. આ સૂત્રો એવું કહે છે કે, છેલ્લે જાન્યુઆરી-2019માં 9મી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ, તેનો ખર્ચ રૂ.105 કરોડ હતો. પાંચ વર્ષના અંતરાલ બાદ દસમી સમિટ યોજાઈ ત્યારે ગુજરાત સરકારની આ બ્રાન્ડને રિએસ્ટાબ્લિશ્ડ કરી હતી, એટલે પાંચ વર્ષે ખર્ચમાં દસેક ટકાનો વધારો થાય તે સ્વાભાવિક છે.
વિધાનસભાના આંકડા જાહેર થયા
રસપ્રદ એ છે કે , 2022ના જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનું આયોજન કોરોનાને કારણે પાર પડી શક્યું ન હતું. છતાં આ મોકૂફ રખાયેલી સમિટ પાછળ રૂ.74,37,40,133.14 કરોડનું જંગી આંધણ થયું હતું. બુધવારે વિધાનસભામાં ઉદ્યોગમંત્રી દ્વારા ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આ તોતિંગ ખર્ચના આંકડા લેખિત સ્વરૂપે જાહેર થયા હતા. અલબત્ત, આ પ્રશ્ન પ્રશ્નોત્તરી બુકલેટમાં ઘણો પાછળ હોઈ ચર્ચામાં આવ્યો ન હતો. 2022માં સમિટ યોજાયા વિના થયેલો રૂ.74.37 કરોડનો માતબર ખર્ચ અધિકારીઓમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે.


