- જૂનાગઢ મનપાનો વિચિત્ર પ્લાન
- સારા રોડને ફરી શું કામ રિડેવલોપ કરવો
- મનપાની સ્ટે. કમિટી દ્વારા મંજૂરી પણ મળી ગઈ
જુનાગઢમાં રૂપિયા 22 કરોડના ખર્ચે એક કિલોમીટરનો રસ્તો બનાવવામાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આપ સૌને આશ્ચર્ય થશે કે માત્ર એક કિલોમીટર નો રસ્તો અને 22 કરોડનો ખર્ચ તો હા આ વાત સાચી છે જુનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડોના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના મોતીબાગ થી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો ગૌરવ પથ માટે નક્કી કરવામાં આવ્યો છે અને આ ગૌરવ પથ રૂપિયા 22 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટેની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. 8 થી 9 મહિના પહેલા જ આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી જ આ રોડ ઉપર જ બિનજરૂરી રીતે 22 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચ કરવામાં આવી રહી છે જેને લઈને જૂનાગઢના સામાજિક અગ્રણીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે આ રસ્તા ઉપર હાલ કોઈપણ પ્રકારની રીપેરીંગની જરૂરિયાત નથી. રસ્તો ખૂબ જ સારો છે અને વાહનોને પણ કોઈ મુશ્કેલી પડતી નથી તેમ છતાં પણ રૂપિયા 22 કરોડ જેવી મોટી રકમ શા માટે અહીં ખર્ચવામાં આવે છે તે લોકોને સમજાતું નથી.
ગૌરવપથ બનાવવાથી આ વિસ્તારના લોકોને પણ કોઈ જ ફાયદો થવાનો નથી તેમ જ આ રસ્તા ઉપર હાલ ગૌરવ પથ દરમિયાન બાળકો માટે ગાર્ડનની જેવી વ્યવસ્થા ઉભી કરવાની મોટી મોટી વાતો તો થઈ રહી છે પરંતુ આ રસ્તા ઉપર બાળકોને રમી શકાય તેવી વ્યવસ્થા જ ન થઈ શકે કારણ કે આ રસ્તો હાઇવે ટચ છે જેથી અહીં સતત વાહનની અવરજવર થતી હોય છે ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની દીવાલ તોડવાની અને તેને ફરીથી નવી બનાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ આ દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવે અને તે માટે ગુજરાત સરકારની મંજૂરી લેવી પડશે. ત્યારે રૂપિયા 22 કરોડ જેવી રકમનું આંધણ માત્ર કાગળ ઉપર જ રહેશે કે આમાંથી પણ ભ્રષ્ટાચાર કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આમ માત્ર એક કિલોમીટર રસ્તા બનાવવા માટે રૂપિયા 22 કરોડ વેડફાઈ જશે અને ચોમાસા દરમિયાન ફરી આ જ પરિસ્થિતિ થશે તો સરકારના પૈસા પણ પાણીમાં જશે તેવી લોકોમાં ભીતિ સેવામાં આવી રહી છે. જેને લઈને જૂનાગઢના નગરજનોમાં પણ ચર્ચા છેડાઈ ચૂકી છે.


