કેન્દ્ર, રાજય અને PPP મોડેલ પર સૈધ્ધાંતિક મંજૂરી : આગામી 5 વર્ષ માટે 300 કરોડનું બજેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પી.પી.પી. મોડલ પર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO)ની સ્થાપનાને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 1 જાન્યુઆરી 2026થી IAIRO કાર્યરત થશે અને આ રીતે પી.પી.પી. મોડલ પર AI રિસર્ચ સંસ્થા સ્થાપનારો ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય બનશે.
IAIROની રચના કંપની અધિનિયમ-2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ સંસ્થા તરીકે કરવામાં આવશે. આગામી પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે, જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારનું સમાન 33.33 ટકા યોગદાન રહેશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે, જે 2025-26માં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપશે. IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા સહિત 23 અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.
આ પહેલ ભારત સરકારના IndiaAI Mission અને ગુજરાત સરકારના AI એક્શન પ્લાન સાથે સુસંગત છે. IAIROને AI માટે મલ્ટી-ડિસિપ્લિનરી હબ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સહયોગને પ્રોત્સાહન મળશે. સાથે જ IP ક્રિએશન, કેપેસિટી બિલ્ડિંગ અને પોલિસી આધારિત સંશોધન પર ખાસ ભાર રહેશે.
નેશનલ પ્લેટફોર્મસનું સંકલન કરાશે
હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ IAIRO કાર્ય કરશે, જેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન કરાશે. AIના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અર્થતંત્રમાં પરિવર્તનકારી સુધારાઓ લાવી લોકોના જીવનને સરળ બનાવવા રાજ્ય સરકારે અગાઉ AI ટાસ્કફોર્સની પણ રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ થતી આ પહેલ ગુજરાતને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશનનું કેન્દ્ર બનાવશે, સાથે જ AI ક્ષેત્રે કુશળ માનવ સંસાધન તૈયાર કરી ભારતને વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે.


