`રામચરિતમાનસ’ના `અરણ્યકાંડ’માં ચોપાઈ છે
કબહુંક ફિરિ પાછેં પુનિ જાઈ.
કબહુંક નૃત્ય કરઈ ગુન ગાઈ.
એમાં એક સુતીક્ષ્ણના નૃત્ય અને એક અપ્સરાના નૃત્યનો ઉલ્લેખ છે. આપણે ત્યાં ભાષાકોશમાં એક શબ્દ છે `તીક્ષ્ણ’, તીવ્ર, ધારદાર, અણીદાર, તલવાર રાણાપ્રતાપની હોય કે શિવાજી મહારાજની હોય, એ સ્પર્શે અને અંદર ઊતરી જાય.
આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ,
શિવાજીને નીંદરું ના આવે. માતા જીજાબાઈ ઝુલાવે.
તો `તીક્ષ્ણ’ અને `સુતીક્ષ્ણ’ ભાષાના બે શબ્દો છે. તીક્ષ્ણ એટલે ધારદાર. નૃત્યાંગનાઓનું, નર્તકીઓનું, તુલસીની વિભૂતિઓનું, નટ-નટીઓનું એ બધાનું નૃત્ય સદૈવ ધારદાર હોય છે, ઘાયલ કરનારું હોય છે. સુતીક્ષ્ણનો અર્થ છે કે એ તીક્ષ્ણ, તામસી નૃત્ય નથી, માણસને ખતમ કરનારું નથી, સુતીક્ષ્ણ એ `સુ’ લાગેલું તીક્ષ્ણ છે. ભક્તિની એક મીઠી પીડા જગાવે એવું સુતીક્ષ્ણનું નૃત્ય છે. અપ્સરાઓનું નૃત્ય બહુધા રજોગુણી હોય છે, કેમ કે એનો ઈરાદો તપોભંગનો છે અથવા તો કોઈની મહેફિલને સજાવવાનો છે. અપ્સરાઓ નૃત્યમાં પ્રવીણ હોય છે અને સુતીક્ષ્ણ પ્રવીણ નથી, પાગલ છે. એના નૃત્યમાં કોઈ બંધારણ નથી.
કબહુંક ફિરિ પાછેં પુનિ જાઈ.
અપ્સરા પોતાનું એક ધારદાર, બહેકાવનારું લક્ષ્ય સિદ્ધ કરવા આવે છે. આજે પણ જેના જીવનમાં વાત ઊતરી છે એવા યુવકોને મેં જોયા છે કે ક્રિકેટ જુએ છે ત્યારે એવું નૃત્ય આવે છે તો મોં ફેરવી લે છે. મને લાગે છે કે મારું વાવેલું પાંગરી રહ્યું છે.
જ્યારે આપણે `આત્મા-નર્તક’ કહીએ છીએ ત્યારે આત્માના નૃત્યની ચાર વિભાવના છે. એક નૃત્યનું નામ છે વિધિનૃત્ય. એક નૃત્યનું નામ છે વિશાલ નૃત્ય. એક નૃત્યનું નામ છે વિધુનૃત્ય અને એક નૃત્યનું નામ છે શિવનૃત્ય. વિધુનૃત્યનો મતલબ છે ચંદ્રનૃત્ય. વિધુ એટલે ચાંદ. ચંદ્રનું ક્ષીણ થવું અને વૃદ્ધિ પામવું, આગળ જવું અને પાછળ જવું એ વિધુનૃત્ય છે અને ભગવતી શ્રુતિ કહે છે, `ચંદ્રમા મન સો જાતા.’ ચંદ્ર એ મન સાથે સંલગ્ન છે. આ મન ક્યારેક નબળું થાય છે, ક્યારેક સબળું થાય છે. ક્યારેક કોઈ ને કોઈ મોહરૂપી રાહુ ચંદ્રને ગ્રસી લે છે, મનને ગિરફ્તાર કરી લે છે. એને કહે છે વિધુનૃત્ય.
બીજું નૃત્ય છે વિધિનૃત્ય. વિધિ છે બુદ્ધિ. બ્રહ્મને આપણે બુદ્ધિ કહ્યું છે. અસ્તિત્વના બ્રહ્મ છે, જેવી રીતે અંદર આપણું એક અંત:કણ છે, એવી રીતે વિરાટનું અંત:કરણ ચતુષ્ટ્ય છે. જેવી રીતે આપણાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંદર છે, એવી રીતે અસ્તિત્વનું પણ એક મન છે, એ છે ચંદ્ર. અસ્તિત્વની બુદ્ધિ છે એ બ્રહ્મ, જેને મારી વ્યાસપીઠ વિધિનૃત્ય કહે છે. અસ્તિત્વનું ચિત્ત છે વિષ્ણુ. મુક્તાનંદ સ્વામી જેને ચિદવિલાસ કહે છે. તુલસીદાસજી પણ કહે છે, ચિદવિલાસ. આ જડનો વિસ્તાર નથી, આ ચિદવિલાસ છે. ગુરુકૃપાથી `બુઝત-બુઝત બુઝે.’ `વિનયપત્રિકા’માં કહ્યું છે, ક્યારેક સમજતાં સમજતાં સમજમાં આવે છે, એ વિરાટનો રાસ છે અને બુદ્ધિ પણ નર્તકી છે સાહેબ! બુદ્ધિ પણ નાચતી રહે છે, ક્યારેક આવો નિર્ણય કરાવે, ક્યારેક તેવો! એને વિધિનૃત્ય કહે છે. `મીરાં તો ભઈ દીવાની.’ ગોરાકુમાર મહારાષ્ટ્રના દીવાના હતા.
પંઢરપુરને પાદર ગોરો નામે જાપ કે નિત્ય,
કથા કહુ હું તેની સાંભળો એક ચિત્તે.
સંતનું નૃત્ય વ્યક્તિગત નહીં, વ્યાપક હોય છે. એ એક મેસેજ છે કે તમે આવી રીતે `વિઠ્ઠલ’નું નૃત્ય કરો કે તમારી મમતા તમારા પગથી જ કચડાઈ જાય. આપોઆપ વર્તુળ સમાપ્ત થઈ જાય. કથા અદ્ભુત છે, ચમત્કારિક છે. એમાં `વિઠ્ઠલ’ નામનો મહિમા છે, પરંતુ એને એક વ્યાપક રૂપમાં જોવું જોઈએ. સૌથી મોટી મુશ્કેલી છે મમતાને મારવાની. `મેલ મન મમતા’, એ જે પ્રસંગ આપણે ત્યાં સંતોનાં ચરિત્રોમાં બન્યો છે, એ બની છે વ્યક્તિગત ઘટના, પરંતુ આપણને સાર્વભોમ સિદ્ધાંત તરફ લઈ જાય છે. મીરાંનું નૃત્ય પ્રવીણ નૃત્ય ન હતું, પાગલોનું નૃત્ય હતું. નારદ, હનુમાન, મહાદેવનું નૃત્ય પ્રવીણ નથી; એ પાગલોની જમાતનું નૃત્ય છે. પાગલનો અર્થ પંજાબીમાં એવો થાય છે કે કોઈ બુદ્ધપુરુષની વાતને પામી લે એ જ પાગલ.
એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ.
તુલસી સંગત સાધુ કી, કટૈ કોટિ અપરાધ.
આ જ પાગલ છે. સ્વામી રામતીર્થ, બાદશાહ રામ, ફારસીના મોટા વિદ્વાન, એમણે શેર લખ્યો છે,
ઈન બિગડે દિમાગોં મેં ભરે અમૃત કે લચ્છે હૈં.
હમેં પાગલ હી રહને દો હમ પાગલ હી અચ્છે હૈં.
સુતીક્ષ્ણનું નૃત્ય ભક્તિમાર્ગનું, ભાવજગતનું એક નૃત્ય છે, જે અંત:કરણના સ્ટેજ પર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેમાં સાધન ભૂલી જવાય છે અને પછી સાધ્ય પણ. આ સાધનથી શું પ્રાપ્ત કરવાનું છે? સાધ્ય પણ ભૂલી જવાય. સુતીક્ષ્ણમાં નૃત્ય ત્યારે જ પ્રગટ્યું જ્યારે એ ત્રણેય ભૂલી ગયો. સાધક ખુદને ભૂલી ગયો. મારે ક્યાં જવું છે? મારું સાધન શું છે? એ બધું ભૂલી ગયો. સ્નેહની મદિરામાં સંત ક્યારેક નૃત્યમાં ખોવાઈ જાય છે ત્યારે સ્વયં હરિ એમને શોધવા નીકળે છે. ઠાકોરજી આવ્યા. સ્વયં રામભદ્ર પધાર્યા. એ નીકળ્યો હતો રામ માટે, પરંતુ લક્ષ્ય ભૂલી ગયો! જ્યારે સુતીક્ષ્ણ નૃત્ય કરી રહ્યો છે અને એણે અવિરલ ભક્તિ પ્રાપ્ત કરી તો રાઘવેન્દ્ર વૃક્ષના થડ પાછળ ઊભા રહ્યા. એમની ભક્તિના દર્શક રાઘવ બન્યા. સાધુ, સાધુ, સાધુ!
નિ:સાધન એ નૃત્યની ભૂમિકા છે. નિ:સાધનતા સુતીક્ષ્ણના નૃત્યની ભૂમિકા છે. અપ્સરાનું નૃત્ય પતન કરનારું છે અને સુતીક્ષ્ણનું નૃત્ય ઉન્નત કરનારું, ઉપર ઉઠાવનારું નૃત્ય છે. ત્રીજું નૃત્ય છે ચિદવિલાસ. ચિત્તનું નૃત્ય. વિશ્વના અંત:કરણને વિષ્ણુ કહે છે. આ સમગ્ર વિલાસ વિષ્ણુનું ચૈતસિક નૃત્ય છે અને શંકરનો અહમ નૃત્ય છે, જેને આપણે તાંડવ કહીએ છીએ.