શ્રી ખોડિયાર માની પ્રાગટ્ય કથા જાણીએ. 9 થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તે વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં.
તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું, તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા ચારણ અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા. જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈ ખૂટતું હોય તેમ લાગતું. દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ કમી નથી. આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયા ચારણની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયા ચારણ નિ:સંતાન છે. તેમનું મોં જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા.
એક દિવસ મામડિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ તેમને કહ્યું કે, `હવે આપણી મિત્રતા પૂરી થાય છે’ એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામાડિયા ચારણને ખૂબ જ દુ:ખ થયું. લોકો પણ તેમને વાંઝિયામેણાં મારવા લાગ્યા. મામડિયા દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે. તેમને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા ચારણ પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાતપુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.
મામડિયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમ સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયા ચારણને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.
પ્રસિદ્ધ ખોડિયાર ધામો
રાજપરા
ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ ખોડિયાર ધામ ભાવનગરથી 15 કિમી. તથા શિહોરથી 4 કિમીના. અંતરે આવેલું છે. માતાજીના મંદિરની સામે જ તાતણિયો ધરો આવેલો છે. તેને કારણે જ આ મંદિર ધરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માને પૂજે છે.
આ મંદિરની સ્થાપનાની કથા ખૂબ જ રસપ્રદ છે. ભાવનગરના ગોહિલ વંશના રાજવી પોતાના વંશનાં કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા, તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યાં. માતાજી પ્રસન્ન થઈને તેમની સાથે આવવા તૈયાર તો થયાં, પરંતુ એવી શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વાળીને હું આવું છું કે નહીં તે જોવાનું નહીં. રાજાએ શરત સ્વીકારી અને તેઓ આગળ તથા માતાજી તેમની પાછળ ચાલવા લાગ્યાં. રાજા ભાવનગર તરફ ચાલ્યે જતા હતા. રસ્તામાં જ્યારે વરતેજ આવ્યું ત્યારે રાજાના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? શંકાના સમાધાન માટે રાજાએ પાછું વળીને જોયું. બસ, શરતનો ભંગ થયો અને માતાજી ત્યાં જ અટકી ગયાં અને ધરતીમાં સમાઈ ગયાં. આ સ્થળ માતાજીનું સ્થાનક થયું. તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે.
માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાજીનું મોટું તીર્થધામ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયાં તે સ્થાનક છે. અહીં ખોડિયાર માને સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભાદરવી અમાસ અને ખોડિયાર જયંતીના દિવસે અહીં લાખ્ખોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડે છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલું છે.
માટેલ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ ધામ વાંકાનેરથી આશરે 17 કિમી. દૂર આવેલું છે. ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનું જે જૂનું સ્થાનક છે, તેમાં ચાર મૂર્તિઓ છે, જે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ખોડિયાર માની આરસમાંથી બનાવેલી સુંદર મૂર્તિ છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે, જેની નીચે ખોડિયાર માનાં બહેન જોગડ, તોગડ અને સાંસઈનાં પાળિયાં છે. આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે. જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભક્તો પગપાળાં માતાજીનાં દર્શન આવે છે. આ તીર્થસ્થળે આવવા એસટી તથા ખાનગી વાહનોની વ્યવસ્થા છે. વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. આ સ્થળે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા છે.
ગળધરા મંદિર
અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિમીના અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખોડિયાર માનું મંદિર આવેલું છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો કહેવાય છે. ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે. હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જૂનાગઢના રાજા રા’નવઘણનાં માતા સોમલદેને’ ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. રા’નવઘણ ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. જ્યારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલની વારે ચઢ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી. ગળધરા આવવા માટે ધારીથી એસટી અને ખાનગી વાહનો મળી રહે છે. ખોડિયાર ડેમ અહીં જ આવેલો છે.
શ્રી ખોડિયાર માની સ્તુતિ
જય ખોડિયાર દિનદયાળી, તારું સ્મરણ મારે સાચું રે,
સંકટ સમયે, સહાય થજો, પ્રાર્થના કરી મા યાચું રે.
ભવસાગરમાં ભૂલો પડ્યો મા, ભમી ભમીને મન થાક્યું રે,
સ્મરણ કર્યું ના સહેજ તમારું, માયામાં ચિત્ત રાખ્યું રે.
દોષ જરા ના જોશો માડી ક્ષમા કરી ઉર લેજો રે,
ચરણકમળમાં શીશ નમાવું મા, દાસને દર્શન દેજો રે.
મહિમા તારો શી રીતે ગાઉ, નથી શબ્દ કે વાણી રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર, તું તો આદ્ય ભવાની રે.
કોઈ નથી આ જગતમાં મારું, જૂઠા સંબંધો સઘળા રે,
રૂઠ્યા ગ્રહો ને રૂઠી વિધાતા, ભાગ્ય લેખ પણ નબળા રે.
ધન-દોલત ન માંગું માડી, માગું ન હીરા મોતી રે,
સાદ કરું ત્યાં પ્રગટ થાજો મા, વીનવું હું કર જોડી રે.
વેદ, શાસ્ત્ર કે મંત્ર-તંત્ર, વળી ધર્મકર્મ ન જાણું રે,
એક ચિંતનથી સ્મરણ કરીને, તારાં દર્શનનું સુખ માણું રે.
ત્રણે ભુવનની તું રખવાળી, ભક્તજનોએ વખાણી રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર, તું તો આદ્ય ભવાની રે.
ઘણા કર્યા અપરાધ માવડી, નામ સ્મરણ ના કીધું રે,
અહંકારનું ઝેર અમે તો, ઘૂંટી ઘૂંટી પીધું રે.
પતિતપાવની હે જગદંબા, ભક્તની વ્હારે આવો રે,
પાપ અમારાં ખાખ કરીને, પુણ્ય તેજ પ્રગટાવો રે.
ભક્તજનોનાં દુ:ખ હરનારી, તું દાતા ને દાની રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર, તું તો આદ્ય ભવાની રે.
છંદ રચ્યો આ ખોડિયાર માનો, જે કોઈ ભાવે ગાશે રે,
મનની આશા પૂરી થાશે ને માતાનાં દર્શન થાશે રે.