રાજકોટમાં પત્રકાર મિલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખે કર્યો ઈશારો : ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી છે
આજ રોજ રાજકોટની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે ખૂબ જ વિવાદાસ્પદ બનેલા ક્ષત્રિય સમાજ અંગેની ભાજપ અગ્રણી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી અંગે પત્રકારોને જણાવ્યું હતું કે, આ વિવાદનું ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે. ઘી ‘ના ઠામમાં ઘી પડી જશે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. અને વિવાદ ઝડપીથી ઉકેલાઈ જશે.
પત્રકારો સાથે ખૂબ જ હળવા મિજાજમાં વાત કરતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે પત્રકારોના જુદા જુદા સાંપ્રત સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે, આ અંગે ખુલાસો થઈ ગયો છે. અને આ વિવાદનો અંત આવી જવો જોઈએ. આ પૂર્વે કાર્યકરોના સંમેલનમાં ભાજપ અગ્રણી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને આ મામલો હવે ઉકેલાઈ જવો જોઈએ.
કોંગ્રેસને તોડવા નહીં નબળી પાડવા અમારો પ્રયાસ : પાટિલ
પત્રકારો સાથે વાતચીત કરતાં પત્રકારોના સવાલોના જવાબ આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, અમારો ઇરાદો કોંગ્રેસને તોડવાનો નથી પરંતુ કોંગ્રેસને નબળી પાડવાનો છે. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં ભેળવવા પાછળ તેમણે એવો તક રજૂ કર્યો હતો કે અમે કોંગ્રેસને નબળી પાડવા તેમના અગ્રણીઓને પક્ષ પલટો કરાવીએ છીએ.
આયાતી ઉમેદવારોનો બચાવ કરતાં પાટિલ
પત્રકારો સાથેના મિલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે રાજકોટ અને પોરબંદર બેઠક પર મૂકવામાં આવેલા બહારના મોટા કદના ઉમેદવારોનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પણ રાજકોટમાંથી ચૂંટણી લડ્યા છે. મોટા નેતાઓ રાજકોટ અને પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે તે સંગઠનને અને સરકારને મજબૂત બનાવવા માટે આવકારદાયક છે.
પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટીનો છે
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 5 પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે તે તમામ કોંગ્રેસ અને અપક્ષમાંથી ભાજપમાં આવેલા છે. તેમણે ટિકિટ આપવાના નિર્ણય અંગે સી. આર. પાટિલે કહ્યું હતુ કે, પાર્ટી કોંગ્રેસને નબળી પાડવા માંગે છે આથી કોંગ્રેસ કે વિરોધ પક્ષના મજબૂત નેતાને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે.


