એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે
એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી મતદાન કેન્દ્ર સુધી પહોંચે છે
મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. સાથો સાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ દેશના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી 80 કીમી દુર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કીમી દુર, દુર્ગમ અને અડાબીડ જંગલમાં આવેલ એક માત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઉભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર ડી.ડી.જાડેજાએ આજે સવારે બાણેજની મુલાકાત લીધી હતી.
દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવી છે.
ચુંટણી અધિકારી ડી.ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગે જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.’ બાણેજ મતદાન મથક ખાતે ‘એક વોટ, સો ટકા મતદાન’ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 42 જેટલા જ મતદારો ધરાવતા સાપના નેશ તથા આફ્રિકન મૂળ ધરાવતા તાલાલાના જાંબુર સહિતના ક્ષેત્રોમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેથી દરેક મતદાર તેના માતાધિકારનો ઉપયોગ કરી શકે. આ મુલાકાત વેળાએ ગીર ગઢડાના મામલતદાર ગૌતમભાઈ વાળા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી- કર્મચારીઓ સાથે રહ્યા હતા.

મહંતની અપીલ
દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા હરિદાસજીએ જણાવ્યું હતું કે, ‘બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું. મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે. મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ. સમગ્ર દેશમાં તમામ મતદારો મત આપે અને લોકશાહી વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે જરૂરી છે. એક મત માટે જો ચૂંટણીતંત્ર આટલી બધી વ્યવસ્થા ગોઠવતું હોય તો આપણી ફરજ છે કે આપણે તેમાં પાછા ના પડીએ અને આપણો પવિત્ર અને કિંમતી મતદાનથી વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશને વધુ મજબૂત કરીએ’


