કોર્ટ બિલ્ડિંગમાં પડેલો માલ સામાન ફેરવવાનું ચાલુ ક્યા માળ પર કયો વિભાગ કે બ્રાન્ચ બેસશે તેની ડિઝાઈન જિલ્લા પંચાયતમાં તૈયાર
રાજકોટ જિલ્લા પંચાયતનું વર્તમાન બિલ્ડીંગ તોડી પાડી તેની જગ્યાએ આધુનિક સાધન સુવિધાથી સભર કોર્પોરેટ કલ્ચરના લુકવાળુ અંદાજે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાનું થાય છે. નવું બિલ્ડીંગ ન બંધાય ત્યાં સુધીના વચગાળાના સમય માટે જિલ્લા પંચાયતની હાલની કચેરીઓનું સ્થળાંતર કયા કરવું તે માટે લાંબા સમયની અવઢવ પછી જુના કોર્ટ બિલ્ડીંગની પસંદગી કરવામાં આવી હતી. આ માટે રાજ્ય સરકારના કોર્ટ બિલ્ડિંગના કામચલાવ વપરાશ માટે મંજૂરી માંગવામાં આવી હતી. કાયદા વિભાગની મંજૂરી પછી હાઇકોર્ટે પણ આ માટે મંજૂરી આપી હોવાનું જિલ્લા પંચાયતના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ હાઇકોર્ટની મંજૂરીનો પત્ર રાજકોટની કોર્ટને મળી ગયો છે અને જુના કોર્ટ બિલ્ડિંગમાં પડેલ ફાઈલ અને અન્ય દસ્તાવેજો ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચારથી પાંચ દિવસમાં આ ત્યારબાદ કોર્ટ આ બિલ્ડીંગ પીડબ્લ્યુબી વિભાગને સોપી દેશે અને પીડબ્લ્યુબી વિભાગ જિલ્લા પંચાયતને કામચલાવ ધોરણે વાપરવા માટે આપશે.
કોર્ટેમાં વાયરીંગ સહિતની જે કાંઈ કામગીરી કરવાની થાય છે તે માટે પણ પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું છે. તેમજ સાત માળના આ બિલ્ડિંગમાં કયા માળ પર કયો વિભાગ અને બ્રાન્ચ બેસશે તેની ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. કોર્ટ બિલ્ડીંગ સંપૂર્ણપણે ખાલી થઈ જાય તે પૂર્વે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ બિસ્તરા પોટલા બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેવો બિલ્ડીંગનો કબજો સોપે તે સાથે જ સ્થળાંતરની કામગીરી શરૂ થઈ જાય તે દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.


