ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
રાત્રીના સમયે પથ્થરમારો, મારામારી થતા અફરાતફરી મચી : પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા : ૧૧ વિરુધ્ધ ગુનો દાખલ, નવની ધરપકડ
અગ્ર ગુજરાત, બોટાદ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં ફરી એકવાર બે કોમ વચ્ચે હિંસક બબાલ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા સહિતનો મોટો કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે.
વિવાદની શરૂઆત ગઈકાલે, 3 એપ્રિલના રોજ બપોરે આશરે 2:00 કલાકે થઈ હતી. પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે 8:45 કલાકે ફરી વકર્યો હતો. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં પથ્થરમારો અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા.
આ હિંસક અથડામણમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગઢડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતાં તેમને બોટાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા વિંછીયા પરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. બંને પક્ષે સામસામે બે મહિલા સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે, જેમાંથી પોલીસે કુલ નવ લોકોની અટકાયત કરી. ગઢડા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શહેરમાં રાત્રિભર પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.
બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, બપોરની ઘટના બાદ રાત્રે ફરીથી તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસ તંત્ર તત્કાલ હરકતમાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ છે.
અત્યારે ગઢડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ છે, પરંતુ અગમચેતીના ભાગરૂપે પોલીસ ફોર્સ તહેનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.


