મનપા તંત્રએ તાત્કાલીક કામગીરી કરી : સદનસીબે કોઇ દુર્ઘટના ન બની
રાજકોટના હાર્દ સમા હરિહર ચોક વિસ્તારમાં ગઇકાલે સાંજે જૂના ઘોડા ગાડી સ્ટેન્ડ તરીકે જાણીતું નાલુ અચાનક બેસી ગયું હતું. તેની ઉપરના કદાવર હોર્ડિગ્સ જમીન દોસ્ત થઇ ગયા હતાં. સદનસીબે કોઇ એ સ્થળે હાજર ન હોવાથી ઇજા કે દુર્ઘટના સર્જાઇ નથી. મનપા તંત્રએ તાત્કાલીક બચાવ રાહત કામગીરી હાથ ધરી બેસી ગયેલા નાલાની મરામત કરી હતી.
સ્ટે.કમિટિના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ હરિહર ચોકમાં આવેલા વર્ષો જુના ઘોડાગાડી સ્ટેન્ડનું નાલુ જે છે તે બેસી ગયું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા તે વિસ્તારને વોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં લાગેલા મોટા હોર્ડિગ્સને પણ હટાવી લેવામાં આવ્યા હતાં. આ અંગે બાંધકામ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની ઘટના થવા પાછળ ઉંદરડાનો ત્રાસ સૌથી વધુ છે. પરિણામ સ્વરૂપે હાલ જે નાલુ બેસી ગયું છે તેને ફરી બેઠું કરવા હાલ મેટલીંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં આશરે ૨૦થી વધુ નાલા આવેલા છે અને એમાંથી પોપટપરા અને ગુમાનસિંહ શોપિંગ સેન્ટર પાસે આવેલા નાલાને રીપેર કરવામાં આવી રહ્યા છે. જેથી કોઇ મોટી દુર્ઘટના ન ઘટે. હરિહર ચોકને લઇને અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગેની ફરિયાદો ઘણા સમય પહેલા મળી હતી અને તાકીદે પગલા પણ લેવામાં આવ્યા હતા. જેથી દુર્ઘટના ન ઘટે પરંતુ તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોઇ ગભરાવાની જરૂરિયાત નથી કારણ કે હાલ એ નાલા પર મેટલિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે કાલ સુધીમાં પૂર્ણ થઇ જશે. બીજી તરફથી એ નાલા પર ઉભા રહેતા વેપારીઓને હટાવાયા હતા. એટલું જ નહી જાહેરાતના હોર્ડિગ્સ ઉતારવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી.


