- અમેરિકાએ ઇઝરાયલને જરૂરી હથિયારોની મદદ કરશે
- એફિલ ટાવરને ઇઝરાયલના રાષ્ટ્રધ્વજના રંગોમાં રંગાયો
- અમેરિકાનું વ્હાઇટ હાઉસ ઈઝરાયલના ધ્વજના રંગમા
હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો તે પછી સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ત્યારે સોમવારે અમેરિકાથી લઈ પેરીસ સુધી વિશ્વમાં ઈઝરાયલના સમર્થનમાં જોવા મળ્યું હતું. જેમાં સોમવારે સાંજે અમેરિકાનું વ્હાઇટ હાઉસ ઈઝરાયલના ધ્વજના રંગોમાં ઝળહળી ઉઠ્યું હતું. અમેરિકા આ યુદ્ધમાં ઈઝરાયલને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. અમેરિકાએ ઇઝરાયલને જરૂરી હથિયારો અને લશ્કરી સાધનોની સપ્લાય પણ શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત સોમવારે પેરિસમાં ઇઝરાયલના સમર્થનમાં સેંકડો લોકોએ રેલી કાઢી હતી. જેમાં આઇકોનિક એફિલ ટાવરને ઇઝરાયલના રાષ્ટ્રધ્વજના રંગોમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પેરિસના મેયર એની હિડાલ્ગો પણ આ કૂચમાં ભાગ લેનારાઓમાં સામેલ હતા. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં 1600 થી વધુના મોત
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના ચોથા દિવસે મૃત્યુઆંક 1600ને પાર થઈ ગયો છે. ઇઝરાયલના જણાવ્યા અનુસાર લગભગ 900 લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં 2600 થી વધુ ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી મોટાભાગના હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી માત્ર કેટલાકની હાલત નાજુક છે. હમાસના આતંકવાદીઓ દ્વારા હજુ પણ મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.
આ યુદ્ધમાં, ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં લગભગ 700 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2900 પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. આ દરમિયાન બંને તરફથી એકબીજા પર હુમલા ચાલુ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈઝરાયેલમાં હજુ પણ ઘણા પેલેસ્ટાઈન ગનમેન મોજૂદ છે. ઈઝરાયેલે ગાઝામાં 20 થી વધુ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ગાઝા તરફથી પણ ઈઝરાયેલ પર રોકેટ હુમલા ચાલુ છે. હમાસ ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર રોકેટ વડે હુમલો કરી રહ્યું છે. અમેરિકા ઈઝરાયેલની મદદ માટે કાફલો મોકલી રહ્યું છે. યુદ્ધ ક્ષેત્રમાં અમેરિકન ફાઈટર જેટ મોકલવાની પણ યોજના છે.
હમાસના હુમલા બાદ ઇઝરાયલની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઈન વિસ્તારોમાં નાગરિકો અને માનવીય જરૂરિયાતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. હમાસે શનિવારે ઇઝરાયલ પર અણધાર્યો હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટી પર જોરદાર હુમલો કર્યો હતો અને તેના પર ‘સંપૂર્ણ ઘેરો’ લગાવી દીધો હતો. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી હતી અને હમાસ દ્વારા હુમલામાં લોકોના મૃત્યુ અને નાગરિકોને બંધક તરીકે લેવાની નિંદા કરી હતી. તેણે વધુ ઘણા નિર્દોષ લોકોના જીવ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.