- સંબંધિત રાજ્યોને અધિકારીઓના નામ મોકલ્યા
- આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં બદલી
- વિવિધ રાજ્યમાં 12 SP ની બદલી કરવામાં આવી
ચૂંટણી પંચે મંગળવારે આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના પાંચ રાજ્યના આઠ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) અને 12 પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી)ની બદલીના આદેશ બહાર પાડયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને ચૂંટણી કમિશનર ગ્યાનેશકુમાર તેમજ સુખબીરસિંહ સંધુ સાથેની એક બેઠકમાં નિયમિત રિવ્યૂ બાદ ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજી ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીની રાહ જોવામાં આવી રહી છે.
બદલી કરવામાં આવેલા અધિકારીઓમાં આસામના ઉદાલગિરિના જિલ્લા મેજિસ્ટ્રેટ, બિહારના ભોજપુર જિલ્લાના ડીએમ અને એસપી તેમજ નવાડાના ડીએમ અને એસપી સામેલ છે. ઝારખંડમાં ચૂંટણી પંચે રાંચી ગ્રામ્યના એસપી, ડીઆઇજી પલામુ, આઇજી દુમકાની ખાલી જગ્યા ભરવા માટે આદેશ બહાર પાડયા હતા અને સાથે જ અધિકારીઓના નામની પેનલ મોકલવા નિર્દેશ આપ્યા હતા સાથે જ દેવઘરના એસપીની બદલીના પણ આદેશ આપ્યા હતા.
ઓડિશાના કટક અને જગતસિંહપુરના ડીએમ, અંગુલ, બહેરામપુર, ખુર્દા, રાઉરકેલાના એસપીને તાત્કાલિક ધોરણે પોતાના જુનિયર અધિકારીઓને ચાર્જ સોંપવાના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે આંધ્રપ્રદેશમાં ક્રિષ્ણા, અનંતપુરમ, તિરુપતિ જિલ્લાના ડીએમ, પ્રકાશમ, પાલનાડુ, ચિત્તૂર, અનંતપુરમ, નેલ્લોરના એસપી તેમજ ગંતૂર રેન્જના આઇજીપીની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.
તેમજ બદલી કરાયેલા તમામ અધિકારીઓને પોતાના પછીના હોદ્દા પર રહેલા જુનિયર અધિકારીઓને તાત્કાલિક ચાર્જ સોંપવા નિર્દેશ અપાયો છે અને જે અધિકારીઓને સજાના ભાગરૂપે હટાવાયા છે તેઓને લોકસભા ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની ચૂંટણી ફરજ નહીં સોંપાય. સંબંધિત રાજ્ય સરકારોને આ જગ્યાઓ પર નવા અધિકારીની નિમણૂક કરવા માટે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના નામોની પેનલ બનાવી ચૂંટણી પંચને મોકલવા કહેવાયું છે જેમાંથી પંચ અધિકારીના નામની પસંદગી કરી તેની નિમણૂક કરશે.


