- રાજાના પરિવારમાંથી કોઈ યોગ્ય પાત્ર ન હોય તો `દિવ્ય’ કરવાના હોય
એક પુણ્યાઢ્ય નામના રાજા થઈ ગયા. એમની વિશેષતા એ હતી કે એમનું શરીર પંગું હતું અને સાથે સાથે એમનાં અંગમાં રોગોએ ઘર કરેલું હતું. આમ તો સામાન્ય નિયમ એવો પણ છે કે શરીરમાં કોઈ પણ જાતની ખોડખાંપણ હોય તો એવા માણસને રાજા બનાવાય નહીં.
તો પછી આ રાજા કેવી રીતે બન્યો હશે? જોકે એનો પણ ઇતિહાસ છે જ.
આ પુણ્યાઢ્ય રાજા બન્યો એ પહેલાં ત્યાંનો રાજા બીજો હતો. એનું નામ હતું તપન રાજા. તે રાજા તરીકે તો ઘણો સારો હતો, પણ એની મહત્ત્વાકાંક્ષાનો કોઈ અંત ન હતો. પોતાનું રાજ્ય વધારવાનાં જ એને સપનાં આવતાં હતાં. મારું રાજ્ય કેવી રીતે વધે એ સિવાયની એની બીજી કોઈ વિચારણા જ ન હોય. વારાફરતી આસપાસના દરેક રાજ્ય જીતવા માટે પ્રયત્ન ચાલુ કરી દીધા. સમજાવટથી થાય તો એમ અને એ રીતે ન થાય તો યુદ્ધ કરીને પણ નવાં નવાં ક્ષેત્રો પોતાના રાજ્ય સાથે જોડી દીધાં.
એમ કરતા એક દિવસ એક નવી ઘટના બની. એની હસ્તિસેના બહુ મજબૂત હતી. સંખ્યાની દૃષ્ટિએ પણ અને કામની દૃષ્ટિએ પણ. એટલે યુદ્ધમાં હાથી પોતાનાં અજબ કરતબો દેખાડીને પોતાની શક્તિનો પરિચય આપતા એટલું જ નહીં પણ ક્યારેક તો હારજીતની બાજી પલટાવવાનાં ઉદાહરણો ઈતિહાસમાં નોંધાયેલાં છે.
ઘટના એવી બનેલી કે એક વાર એક હાથણી છેક રાજમહેલમાં આવીને બચ્ચાને જન્મ આપીને રવાના થઈ ગયેલી. લોકોએ માનેલું કે આવી ઘટના બનવી કંઈ અઘરી નથી. ઘણી વાર આવું બનતું હોય છે. હા, હાથી ઈર્ષ્યાળુ પ્રાણી હોય છે. એવું સમજતો હોય છે કે નવો જન્મેલો હાથી વયસ્ક થઈ જશે. પછી બધી હાથણીઓનો એ માલિક બની જશે અને મને કાં તો મારી નાંખશે અને કાં તો અહીંથી હાંકી કાઢશે. એટલા માટે પોતાના બચ્ચાને હાથી મારી ન નાંખે એવા વિચારથી હાથણી અલગ જગ્યાએ જઈને બચ્ચાને જન્મ આપીને આવતી. આવી ઘટના ઘણી વાર બનતી હોય એટલે કોઈએ આની વિશેષ નોંધ ન લીધી.
હાથીનાં લક્ષણોના જાણકાર માણસોએ રાજાને વધાઈ આપી અને કહ્યું, આપ ભાગ્યશાળી છો, આપને અચાનક જ આવાં સરસ લક્ષણોવાળો હાથી મળી ગયો છે. આના કારણે તમે ચક્રવર્તી રાજા બનશો.
આવી વાતો એના માટે સાંભળી ત્યારે એણે નક્કી કર્યું આ બચ્ચાને વ્યવસ્થિત સાચવવાનું. એની દેખરેખ માટે માણસો નિયુક્ત કરાયા. એના પ્રશિક્ષણ માટેની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી દીધી.
હાથીનું બચ્ચું દિવસે દિવસે મોટું થાય એમ એમ એના પ્રભાવમાં વધારો જોવા મળતો. રાજાને પણ એના માટે વધારે હેત ઊભરાતું. હવે તો રાજાએ નિર્ણય કરી લીધો. ક્યાંય પણ યુદ્ધ માટે જવાનું હોય ત્યારે આને જ સાથે રાખવાનું, એનું પરિણામ પણ મળતું. સહેલાઈથી ફતેહ મળતી.
એક દિવસની ઘટના છે. રાજા હાથી ઉપર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. એવામાં હાથીના જોવામાં એવું કોઈ સાધન આવ્યું કે એનાથી લખી શકાય. એણે એ સાધનને પોતાની સૂંઢ દ્વારા પકડ્યું અને સામેની દીવાલ ઉપર એક શ્લોક લખ્યો. એનો ભાવાર્થ એવો થતો હતો કે ‘હે તપનરાજા, તારું આટલું મોટું રાજ્ય છે છતાં પણ વધારે ને વધારે જમીન મેળવવાની કામના કરે છે, એનાથી તને શું મળશે? આંતરશત્રુઓને જીત્યા વગર માત્ર બીજા રાજાઓને જીતવાથી તને શું મળશે?’
માણસને આંખ ખૂલવા માટે કોઈ નિમિત્તની જરૂર પડતી હોય છે. રાજાએ શ્લોક વાંચ્યો ને અસર થઈ ગઈ. એને વિચાર પણ આવ્યો કે, `શું વાત છે, માણસ પશુઓનું નિયંત્રણ કરે એ સામાન્ય વાત છે, પણ અહીં તો પશુ માણસનું નિયંત્રણ કરે છે. આ કેવું કહેવાય? પણ એની વાત તો સાચી જ છેને ! જ્યાં સુધી આંતરશત્રુઓને જીતવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી બહારના ગમે એટલા રાજાઓને જીત્યા હશે તો એનો અર્થ શો? હવે મારે સાચા અર્થમાં જીત મેળવવા પ્રયત્ન કરવો છે. હવે મારે આ રાજ્યથી પણ કંઈ મતલબ નથી.
હાથી ઉપર બેસીને જ એ તો જંગલ તરફ આગળ વધ્યા. એમના મનમાં વિચારો તો આ જ ચાલી રહ્યા છે. આટલાં બધાં યુદ્ધો કર્યાં અને કેટલા રાજાઓને પરાજિત કર્યા, પણ આ જીત એ સાચા અર્થમાં મારી જીત છે ખરી?’ માણસ ક્યારેક સાચી દિશાનો વિચાર કરતો હોય છે, જ્યારે એનો સમય સારો આવવાનો હોય, સાચી દિશા મળવાની હોય ત્યારે જ એને વિચારવાયોગ્ય વિષયો મળતા હોય છે.
જંગલનું શાંત અને મધુર વાતાવરણ વિચારધારાને પ્રોત્સાહન આપે છે. સમય સારો હોય ત્યારે સુયોગ્ય અવસર મળતો હોય છે. હાથી મંથર ગતિથી આગળ ચાલી રહ્યો હતો એ સમયે રાજાની નજરમાં કોઇ એક મહાત્મા જોવામાં આવ્યા. હાથી પણ એ જ દિશામાં જઈ રહ્યો હતો.
મહાત્માથી થોડે દૂર હાથી ઊભો રહ્યો. તપન રાજા હાથી ઉપરથી નીચે ઊતર્યા. મુનિ મહાત્માને વંદન કર્યાં. હાથ જોડીને એમની સામે બેઠા. મુનિએ પણ એમની ઉત્સુકતા જોઈને ઉપદેશની ધારા વહાવી. આ જીવને અનંત તૃષા વળગેલી છે. શારીરિક તૃષા હોય તો એક-બે ગ્લાસ શીતળ જળ મળી જાય તો એ તૃષા શાંત થઈ જાય, પણ માનવના મનની તૃષા એને ગમે તેટલું આપો તો પણ ક્યારેય શાંત થતી નથી. એના માટે તો જીવનમાં માત્ર સંતોષને જ અપનાવવો જરૂરી હોય છે. આ તરસને છીપાવવા માણસ જેમ જેમ વધારે આપો એમ એમ એની આગ વધતી જ જતી હોય છે. જેમ અગ્નિમાં ઘીની આહુતિ આપો એમ આગ વધારે પ્રજ્વલિત થાય છે એની જેમ.
રાજા તપનના વિચારોને જ વેગ આપવા જાણે મુનિમહાત્માએ ઉપદેશ આપ્યો હોય એવું લાગ્યું, પણ મહાત્માને આગળપાછળના સંબંધની કોઈ જાણ ન હતી. સ્વાભાવિક રીતે બોલાયેલા એમના શબ્દોએ જોરદાર અસર કરી હતી. એ જ સમયે એમણે નિર્ણય કરી લીધો કે હવે મારે બહારના રાજ્યનું કોઈ કામ નથી. મારે તો આત્મ સામ્રાજ્યના માલિક બનવું છે. એના માટે તો સંયમજીવન જ અપનાવવું પડે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
મનમાં વિચાર આવ્યો, માનસિક નિર્ણય કરી લીધો છે, કોઈની રજા લેવાની એમને કોઈ જરૂર પણ જણાઈ નથી. એ જ સમયે ગુરુદેવનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું. ગુરુદેવ, આપની વાણી મારા અંતરમાં સમાઈ. હવે મારે સંસારના આ બધા વાઘા આઘા કરવા છે. આપના માર્ગદર્શન અનુસાર જ મારે જીવન જીવવાની ભાવના છે. આપ મારો સ્વીકાર કરો. મને સંયમ પ્રદાન કરો.
એ સમયે એને પણ યાદ ન આવ્યું કે પોતે એક સામ્રાજ્યનો સ્વામી છે. પોતાને હજુ એક પણ પુત્ર થયો નથી તો પછી આટલા મોટા રાજ્યનો રાજા કોણ બનશે? એમણે નક્કી કર્યું છે કે મારે હવે આવા ભૌતિક રાજ્યનું કોઈ કામ નથી. આવું સરસ આધ્યાત્મિક સામ્રાજ્ય મળતું હોય તો ઢીલ કરનાર ભોળો જ ગણાયને! અને મારે ભોળામાં નામ નોંધાવવું નથી.
એણે ગુરુદેવની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. નગરજનો અને મંત્રીમંડળને સમાચાર મળ્યા. આપણા મહારાજા તપનરાજે સંસારનો ત્યાગ કર્યો છે. એમણે દીક્ષા જીવનનો સ્વીકાર કર્યો છે. હવે રાજા કોને બનાવવાના? અને એ સમયના અધિકારીઓ જાતે જ રાજા બનીને બેસવાવાળા તો હતા નહીં. નહીં તો એ બધામાં જે જબરો હોત એ રાજા બની જતો.
ગામના અગ્રણીઓ અને મંત્રીમંડળની એક એસેમ્બલી મળી. વિચારણા કરી હવે પછીના રાજા કોણ બને? એમને કોઈ પુત્ર નથી કે નથી કોઈ પરિવારમાં પણ, એટલે હવે રાજા બનાવવા માટેનો યોગ્ય નિર્ણય લેવો પડે. પુરોહિતને બોલાવ્યા. એમની પાસે આના માટેનો શાસ્ત્રીય ઉકેલ માંગ્યો.
પુરોહિતે શાસ્ત્રોનાં પાનાં ખોલીને જવાબ આપ્યો. રાજાના પરિવારમાંથી કોઈ યોગ્ય પાત્ર ન હોય તો `દિવ્ય’ કરવાના હોય. એ રીતે જે રાજા થાય એનો રાજ્યાભિષેક કરીને રાજગાદી ઉપર બિરાજમાન કરવા. એમને રાજા તરીકે બધાએ માન્યતા આપવી.
દિવ્ય કરવાનો અર્થ થાય છે કે હાથીને નવરાવી-ધોવરાવીને તૈયાર કરવામાં આવે, એને સારી રીતે શણગારવામાં આવે, એની પૂજા કરવાની હોય, એને એક અષ્ટમંગલના આલેખનવાળો સરસ મજાનો કળશ એની સૂંઢમાં મૂકવાનો હોય, એ હાથી આગળ ચાલે અને પાછળ નગરજનો ચાલતા હોય, હાથી ચાલતાં ચાલતાં જ્યાં ઊભો રહે અને જેના ઉપર કળશનું પાણી ઢોળે એ નગરનો રાજા બને. પુરોહિતે આ રીતની રજૂઆત કરી.
પેલા પંગુંનું શું નામ હતું એ તો કોઈને ખબર નથી, પણ શરીરની પંગુતાના કારણે એને ક્યાંય પણ જવા આવવાની સગવડ રહેતી નહીં, આખો દિવસ ઘરમાં જ રહેતો. એક દિવસ એના મિત્રોને એવો ભાવ જાગ્યો કે આ પંગુંને પ્રકૃતિનાં દર્શન કરાવીએ એને બિચારાને આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહીને કંટાળો ન આવે? બેત્રણ મિત્રોએ ભેગા થઈને એને ઉપાડીને ઉદ્યાનમાં લઈ આવ્યા. પેલો પંગું તો ખુશ ખુશ થઈ ગયો. કેવી સરસ શોભા છે? આવો વિચાર કરતો એ બેઠો છે. બધા મિત્રો પણ આસપાસમાં ટહેલી રહ્યા છે.
પેલો હાથી ડોલતો ડોલતો ત્યાં આવી પહોંચે છે. સીધો પેલા પંગુંની પાસે પહોંચે છે. ત્યાં જઈને એના માથા ઉપર પાણીનો કળશ રેડી દીધો. નગરજનો એની પાછળ જ ઊભા હતા. બધાએ નવા રાજાનો જયનાદ ગજવ્યો. મહારાજાનો જય હો… મહારાજાનો જય હો…
પેલો તો બિચારો હજુ કંઈ વિચારી પણ શકતો નથી. એને થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે નગરના રાજાએ દીક્ષા લીધી છે એની જગ્યાએ નવા રાજાની સ્થાપના કરવાની છે અને પોતાની સ્થાપના રાજા તરીકે થઈ છે. ખરેખર આ સ્વપ્ન છે કે સત્ય?