મગધ સમ્રાટ નંદરાજાનો અંગરક્ષક શ્રીયક હતો. તેના પિતા મગધના મહામંત્રી હતા. રાજ્યની સુરક્ષા એમના મનમાં વસેલી હતી. ગમે તે થાય, પણ મારું રાજ્ય કોઈ પણ સંજોગોમાં નબળું પડવું ના જોઈએ, આવી ભાવના એમના હૃદયમાં વસેલી હતી.
ઘટના એવી હતી શકટાલ મંત્રીએ પોતાના દીકરા શ્રીયકનાં લગ્ન નક્કી કરેલાં છે. લગ્ન નિમિત્તે મોટો ઉત્સવ ઊજવવાના મનસૂબા ઘડેલા છે. શકટાલ મંત્રીના મનમાં એક ભાવ હતો. મારા દીકરાનાં લગ્નમાં આશિષ આપવા નંદરાજા આવે. નંદરાજા મારા અતિથિ બને તો મારી પણ તો ફરજ બને. મારે એમનો આતિથ્ય સત્કાર તો કરવો જ પડે કે નહીં? કેવી રીતે કરવો?
આ એ જમાનો હતો કે રાજાની ઓળખ શસ્ત્રથી થઈ શકે. વિશિષ્ટ શસ્ત્ર અર્પણ કરીને એમની શોભા વધારી શકાય, પણ એમાંય તમે સિક્રેટ જાળવી શકો તો એનો આનંદ ઔર વધી શકે. શકટાલે પોતાના વિશાળ ઘરની નીચે કોઈને પણ ધ્યાનમાં જ ના આવે એવું એક જબરજસ્ત મોટું કામ ચાલુ કરી દીધું. અલગ અલગ પ્રકારની તલવારો, ભાલાઓ, ઢાલો વગેરે એ સમયના ઉપયોગમાં આવતાં શસ્ત્રોનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ કરી દીધું. શકટાલ મંત્રીની ભાવના એવી કે લોકોને ત્યારે જ સમાચાર મળવા જોઈએ કે ઓહો! આવી સરસ ભેટ એમણે આપી?
માણસ વિચારતો કંઈક હોય છે અને કુદરત કંઈક અલગ જ વિચારતી હોય છે. શકટાલ મંત્રીની ગણતરી ઊંધી પાડવાનું કામ વરરુચિ નામના પંડિતે કરેલું. વાત એવી બનેલી વરરુચિ પંડિત રોજ નવા નવા શ્લોકો બનાવીને લાવે. રાજા સાંભળીને ખુશ થાય. પંડિતને ઈનામ આપે. પંડિતના જ્ઞાનનું બહુમાન થાય એ બરાબર છે, પણ આ માણસ શકટાલ મંત્રીની નજરમાં યોગ્ય ન હતો.
શકટાલ મંત્રીને સાત દીકરીઓ હતી- સ્માર્ટ અને ચતુર. એમની યાદશક્તિ એવી કે એક દીકરી કોઈ પણ શ્લોક એકવાર સાંભળે એટલે યાદ રહી જાય. એ જ રીતે બીજી બે વાર, ત્રીજી ત્રણ વાર, એમ સાતમી સાત વાર કંઈ પણ સાંભળે એટલે યાદ રહી જાય.
શકટાલ મંત્રીએ નંદરાજાને વાત કરી. આ વરરુચિ પંડિત આપને જૂના શ્લોકો સંભળાવે છે. આપ નવા સમજીને ઈનામ આપો છો. આ બધા શ્લોકો મારી સાતે દીકરીઓને કંઠસ્થ છે. આપે ખાતરી કરવી હોય તો કરી જુઓ. અને બીજા દિવસે વરરુચિ પંડિતે એકસો આઠ શ્લોકો બનાવીને સંભળાવ્યા. વારાફરતી સાતે કન્યાઓએ પણ અક્ષરશઃ એ જ રીતે સંપૂર્ણ શ્લોકો સંભળાવી દીધા.
શકટાલ મંત્રીની વાતમાં હવે નંદરાજાને કોઈ સંશય રહ્યો નહીં. વરરુચિ બીચારો પાછો પડ્યો, પણ હાર્યો નહીં. એણે એક સરસ મજાનું યંત્ર બનાવ્યું. એમાં રચના એવી કરેલી કે એને પાણીમાં ગોઠવી દેવાનું. એમાં સોનામહોરોની એક થેલી મૂકવાની. પછી જ્યારે એની એક ચોક્કસ કળ રાખેલી હોય એ દબાવો એટલે પેલી પોટલી ઊછળે.
વરરુચિએ આ રીતની ગોઠવણ કરી રાખી છે. સવારે વહેલા ગંગા નદીમાં સ્નાન કરવા જવાનું, મોટેથી ગંગાજીના સ્રોત લલકારવાના પછી હાથ જોડીને માથું નમાવીને ઊભા રહેવાનું એ જ સમયે કોઈના ધ્યાનમાં આવે નહીં એ રીતે પેલી કળ દબાવવાની એટલે સીધી સોનામહોરોની થેલી એના હાથમાં આવી જાય.
આમાં ફાયદો એ થાય કે લોકોમાં એની વાહવાહી કેવી થાય! જોકે, શકટાલ મંત્રીએ આ પોલ પણ એની ઉઘાડી પાડી દીધેલી. એના કારણે વરરુચિ પંડિતને ઘણી બધી નાલેશી સહન કરવી પડેલી.
એના ધ્યાનમાં આવી ગયું કે શકટાલ મંત્રી શસ્ત્ર-અસ્ત્રોનું નિર્માણ કરાવી રહ્યા છે. એ પણ ગુપ્ત રીતે. હવે વરરુચિ પણ વિદ્વાન તો હતો જ, કઈ ઘટનાને કેવું રૂપ આપવાથી આપણી ફેવર થાય એ તો એ સમજે જ ને! એણે એક ગીત બનાવ્યું અને નાના-નાના છોકરાઓ રમી રહ્યા હતા એમને શીખવાડી દીધું. એનો ભાવ હતો, `શકટાલ મંત્રીને રાજા બનવું છે એટલા માટે એણે પ્રચ્છન્ન રીતે પોતાના મહેલમાં શસ્ત્રો બનાવેલાં છે.’
બીચારા છોકરાઓ વ્યવસ્થિત રીધમથી જોડકણાં ગાયાં. એમનું સાંભળીને બીજી શેરીવાળાએ પણ ચાલુ કર્યું. પરિણામ એ આવ્યું કે છેક રાજાના કાન સુધી આ ગીત-જોડકણાં પહોંચ્યાં. રાજા નંદ તો ચોંકી જ ગયો. શું વાત છે? શકટાલ મંત્રી આવું કરે? પણ એમ કોઈની વાત ઉપર ભરોસો ના કરાય. એણે ચરપુરુષોને આદેશ આપ્યો, `આ વાતની તપાસ કરો અને જે વાત હોય તે જણાવો.’ ચરપુરુષોએ તપાસ કરી શસ્ત્રો તો હતાં જ. રાજાના મનમાં વાત ઘર કરી ગઈ. નક્કી શકટાલ મંત્રી કંઈક રમત રમે છે.
શકટાલ મંત્રીનો નિત્યનો ક્રમ સભામાં આવે ત્યારે નંદરાજાને પ્રણામ કરીને પોતાના આસાન ઉપર બેસવાનું. નિત્યક્રમ પ્રમાણે રાજાને નમસ્કાર કરે છે. રાજાએ મોઢું ફેરવી નાંખ્યું. એમણે મંત્રી પ્રત્યેનો અણગમો આ રીતે વ્યક્ત કર્યો. શકટાલ મંત્રીના ધ્યાનમાં આ વાત આવી ગઈ. રાજા નારાજ છે. બીજું તો કોઈ કારણ છે જ નહીં. શસ્ત્ર નિર્માણની બાબત રાજા સુધી પહોંચી હોય એનાથી નારાજ થાય એ બનવા જોગ છે. આના કારણે શિક્ષા શું થઈ શકે? એની પણ કલ્પના કરી લીધી અને પોતાને શું કરવાનું એનો પણ વિચાર કરી લીધો. ઘેર જઈને શ્રીયકને બોલાવ્યો. આવતી કાલે હું જ્યારે રાજાને નમન કરું ત્યારે તલવારથી મારું માથું વાઢી નાંખવાનું.
પિતાજી! આપ આ શું બોલો છો? પિતાની વાત સાંભળીને શ્રીયક વ્યથિત થઈ ગયો. તું ચિંતા ન કર, તને પિતૃહત્યાનો દોષ લાગશે નહીં, કેમ કે વિષમુદ્રિકા મારી પાસે છે, હું એ ચૂસી લઈશ, એટલે મારે મરવાનું તો છે જ, પણ આના કારણે પરિવારને નુકસાન થવું ન જોઈએ, આ મારો આશય છે. બધી વાત શ્રીયકને સમજાવી. પિતાની વાતનો સ્વીકાર કર્યો.
બીજા દિવસે જ્યારે શકટાલ મંત્રીએ સભામાં આવીને રાજાને નમસ્કાર કરવા મસ્તક નમાવ્યું એ જ સમયે શ્રીયકે શકટાલ મંત્રીની ગરદન ઉપર તલવાર ચલાવી દીધી. રાજાના પગ પાસે મંત્રીનું મસ્તક પડેલું છે. એનું અંતર રડી રહ્યું છે, પણ મનની વાત અંદર રાખવી પડતી હોય છે.
રાજા કહે છે, અરે! આ શું કર્યું? તારા પિતાજીને…
શ્રીયક કહે છે, મારા પિતાજી પણ આપના દુશ્મન હોય તો એ હું કેવી રીતે ચલાવી શકું?
નંદરાજાને પણ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. રાજાએ શ્રીયકને મંત્રીમુદ્રા સ્વીકારવાનો આગ્રહ કર્યો. એણે વડીલબંધુ સ્થૂલભદ્ર માટેનો આગ્રહ કર્યો. વિચારણા માટેનો સમય માંગ્યો. સ્થૂલભદ્રે સંભૂતિવિજયગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી એ પછી પોતાની સાત બહેનો સાથે શ્રીયકે પણ દીક્ષા ગ્રહણ કરી લીધી.
સંયમ જીવનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે. બધાની દરેક વિષયમાં ક્ષમતા હોય એ જરૂરી નથી હોતું. શ્રીયક મુનિની તપ કરવાની ક્ષમતા નથી. એ વિચાર કરે કે મને તપ ઉદયમાં આવતો નથી.
એવામાં એક વાર પર્યુષણ જેવા દિવસો આવ્યા. બહેનોએ પ્રેરણા કરી ભાઈ મહારાજ, આજે તો કંઈક કરો! ભાઈ મહારાજ કહે છે, મારી ઈચ્છા તો ઘણી થાય છે. બધા મહાત્માઓ આવું સરસ તપ કરતા હોય તો મને પણ ભાવ થાય એ સ્વાભાવિક છે, પણ શું કરું? મારા શરીરને જ માફક આવતું નથી. બહેનોએ કહ્યું, કંઈ વાંધો નહીં, પણ આજે એમ કરો થોડો સમય લંબાવો. સૂર્ય એક પ્રહર ચઢે પછી વાપરવાનું (ખાવાનું) રાખો.
કંઈ વાંધો નહીં બહેનો આટલું કહે છે તો બે કલાક પાસ કરવામાં શું વાંધો? ભાઈ મુનિએ વિચાર કર્યો બે કલાકમાં ક્યાં કંઈ થવાનું છે? આટલો સમય તો ધ્યાન અને સ્વાધ્યાયમાં પસાર થઈ જશે. એમણે બહેનોની વાત માની. બે કલાક પૂરા થાય એ પહેલાં બહેનો આવી. ભાઈના સ્વાસ્થ્ય અંગે પ્રશ્ન કર્યો કેમ છે? ભાઈ કહે સારું છે.
તો પછી બે કલાક આગળ ચલાવોને!
શ્રીયક મુનિએ સ્વીકાર કર્યો. એમ કરતાં ઉપવાસ તો થઈ ગયો, પણ રાતે તબિયત લથડી. શરીરની નસો ખેંચાઈ એ જ રાતે પરમાત્માના ધ્યાનમાં પરલોકગમન કર્યું. બહેનોને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એમને ઘણું દુઃખ થયું. અમારા કારણે અમારા ભાઈ મહારાજનું મૃત્યુ થયું.
ગુરુદેવે કહ્યું, તમે તો આમાં નિમિત્ત માત્ર છો. આ ઘટનાની ભવિતવ્યતા જ આ રીતની હોય તો તમે શું કરી શકો? તમારે ચિંતા કરવાની જરૂર નથી.
બહેનોને સંતોષ થતો નથી, એ સમયે ગુરુદેવ કહે છે, તમારે વિશેષ ખાતરી કરવી હોય તો મહાવિદેહ ક્ષેત્રમાં જઇને સાક્ષાત્ સીમંધર સ્વામીજી ભગવાનને પૂછીને ખાતરી કરો. કેવી રીતે જવાનું?
એમણે એક દેવને આહ્વાન કરીને બોલાવ્યા. એમને આજ્ઞા કરી આ સાધ્વીજીને સીમંધર સ્વામીજી ભગવાન પાસે લઈ જાવ અને એમનું કામ સંપન્ન થાય એટલે મૂકવા આવો.
ભગવાન સીમંધર સ્વામીજી પાસે જઈને પૂછતાં ભગવાને જવાબ આપેલો કે એમનું આયુષ્ય પૂર્ણ થવાના કારણે મૃત્યુ થયું છે. ઉપવાસના કારણે નહીં. એ સૌધર્મ દેવલોકમાં દેવ થયો છે.ભગવાનની વાત સાંભળીને એમને સંતોષ થયો. શ્રીયક મુનિના જેવી આપણા જીવનમાં દૃઢતા આવે તો આપણે પણ આગામી ભવ સુધર્યા વગર રહે નહીં.


