- છોટા ચક્કર યાર્ડની બેરેકમાં હત્યાના આરોપીએ મંગળવારે ફાંસો ખાધો હતો
- ભારે હોબાળો મચતા રાણીપ પોલીસે A.D. દાખલ કરી, PM પણ કરાવ્યું
- ખુશાલને સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉકટરોએ મૃત જાહેર કર્યો
સાબરમતી સેન્ટ્રલ જેલના છોટાચક્કર યાર્ડની બેરેકમાં મર્ડર કેસમાં પકડાયેલા 22 વર્ષીય કેદીએ ચાદર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ હતી. પરિવારના સભ્યોએ યુવકનું હત્યા થયાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગે રાણીપ પોલીસે એ.ડી.(અકસ્માત મોત)ની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકનું પેનલ ડૉકટરથી પીએમ કરાવી પરિવારજનોને પીએમ રિપોર્ટમાં બધુ સ્પષ્ટ થઈ જશે તેમ જણાવતા મામલો થાળે પાડયો હતો.
અમરાઈવાડીમાં રહેતા અને અગાઉ કરિયાણાની દુકાનમાં નોકરી કરતા ખુશાલ મગનભાઈ જાદવની ત્રણ વર્ષ પહેલા મર્ડર કેસમાં ધરપકડ કરાઈ હતી. સાબરમતી જેલમાં મંગળવારે બપોરે એક વાગ્યે ખુશાલે છોટાચક્કર યાર્ડની બેરેકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ખુશાલને સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉકટરોએ મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પરિવારના સભ્યોને બપોરે 4 વાગ્યે બનાવની જાણ કરતા તેઓ સિવિલમાં દોડી ગયા હતા. પરિવારે ગળેટૂંપો દઈ ખુશાલની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ જેલ સત્તાવાળાઓએ ખુશાલે આત્મહત્યા કર્યાનો દાવો કર્યો હતો.
રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થઈ જશે. મૃતકના સબંધી હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, ખુશાલ થોડા સમય પહેલા રજા પર ઘરે આવ્યો ત્યારે જેલમાં કોઈ તકલીફ હોવાની વાત કરી ન હતી. તો પછી તે કેવી રીતે આત્મહત્યા કરી શકે.


