ભારતના મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું ખજુરાહો તેના ભવ્ય અને કલાત્મક મંદિરો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરો ભારતની પ્રાચીન કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે, જે ચંદેલ રાજવંશના શાસનકાળ (ઈ.સ. 950થી 1050) દરમિયાન બનાવવામાં આવ્યાં હતાં. યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા પ્રાપ્ત ખજુરાહોનાં મંદિરો ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને કલાનું જીવંત ઉદાહરણ છે. અહીં પશ્ચિમ સમૂહનાં મંદિરોમાં માતા જગદંબા (દેવી જગદંબી) મંદિરનો સમાવેશ થાય છે. માતા જગદંબાના મંદિર વિશે જાણવા જેવું છે.
એક સમયે આ ખજુરાહો મંદિરોમાં અંદાજિત 85 જેટલાં ભવ્યાતિભવ્ય મંદિરો જોવા મળતાં હતાં, પરંતુ સંજોગવશાત્ હાલમાં આ 85 મંદિરો પૈકી માત્ર 22થી 25 જેટલાં જ મંદિરો જોવા મળે છે. જોકે, આ 22થી 25 મંદિરો આજે પણ ખૂબ જ સારી હાલતમાં છે. મૂળ ખજુરાહોનાં મંદિરોને કુલ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.
પશ્ચિમ સમૂહનાં મંદિરો
આ પશ્ચિમ સમૂહનાં મંદિરોમાં કંદારિયા મહાદેવ મંદિર, લક્ષ્મણ મંદિર, ચિત્રગુપ્ત મંદિર અને માતા જગદંબા મંદિરનો સમાવેશ થાય છે.
પૂર્વ સમૂહનાં મંદિરો
પૂર્વ સમૂહનાં મંદિરોમાં ખાસ કરીને જૈન મંદિરો તેમજ હિન્દુ દેવી-દેવતાનાં મંદિરોનો સમાવેશ થાય છે.
દક્ષિણ સમૂહનાં મંદિરો
આ મંદિરોમાં દુલાદેવ મંદિર તેમજ ચતુર્ભુજ મંદિરોનો સમાવેશ થાય છે.
ખજુરાહોનાં મંદિરો મુખ્યત્વે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યાં છે. આ શૈલીનાં મંદિરો અન્ય જગ્યાએ પણ જોવા મળે છે. અલબત્ત, અહીં જે મંદિરો જોવા મળે છે તેમાં ઝીણવટભરી કોતરણી, આકર્ષક શિલ્પો અને દેવી-દેવતાનાં મંદિરો ઉપરાંત કેટલાક મૈથુન શિલ્પો પણ જોવા મળે છે.
આ શિલ્પોમાં યોગ, નૃત્ય, સંગીત તેમજ રોજબરોજની જિંદગીમાં જોવા મળતી દૈનિક પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે. મૂળ આ મંદિરો જે તે સમયની હિન્દુ સંસ્કૃતિ અને સમાજનું દર્પણ રજૂ કરે છે, જે આજેય અકબંધ છે.
દેવી જગદંબી (માતા જગદંબા)નું મંદિર
ઉપર જણાવ્યા પ્રમાણે દેવી જગદંબિકા મંદિર ભારતના મધ્યપ્રદેશના ખજુરાહોમાંથી અંદાજિત 25 મંદિરો પૈકીનું મુખ્ય મંદિર છે. જેને દેવી જગદંબી તેમજ માતા જગદંબિકા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર પહેલાં ભગવાન
વિષ્ણુને સમર્પિત હતું
મૂળ રીતે આ મંદિર પૂર્વ તરફ મુખવાળા દરવાજાના રૂપમાં ભગવાન વિષ્ણુને સમર્પિત હતું. અલબત્ત, આ મૂળ તો વિષ્ણુ મંદિર જ હતું. ઉલ્લેખનીય છે કે ગર્ભગૃહના દ્વાર પર ભગવાન વિષ્ણુને પ્રમુખતા પણ આપવામાં આવી હતી, પરંતુ ઈ.સ.1880માં અહીં મનિયાગઢછી માતા જગદંબિકા(પાર્વતીજી)ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ કાળા પથ્થરની હતી. આ મંદિરનું નિર્માણ ચંદેલ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વારમાં મધ્યમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા હોવાથી તેને ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે એમ કહેવામાં આવતું હતું. જોકે, સમયાંતરે માતા જગદંબિકાની મૂર્તિ સ્થાપિત કરતાં તેને માતા જગદંબિકાના મંદિર તરીકે ઓળખવામાં આવ્યું છે.
દેવી જગદંબીની વાસ્તુકલા
આ મંદિરને પણ પોતાની ઉત્કૃષ્ટ વાસ્તુકલા, કલાનિર્માણ અને અૈતિહાસિક મહત્ત્વના કારણે તેનો સમાવેશ હેરિટેજમાં કરવામાં આવ્યો છે. માતા જગદંબિકાના મંદિરના મધ્યમાં ચાંદીની આંખો અને હવનકુંડ છે. આ હવનકુંડ કલા સ્થાપત્યના ઉમદા ઉદાહરણ પૈકી એક છે. આ મંદિર કંદરિયા મહાદેવના ચબૂતરા પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરને દૂરથી જોતાં તે સુંદર આકારમાં તરી આવે છે. મૂળ આ મંદિર ખજુરાહોનાં કેટલાંક મંદિરોની તુલનામાં નાનું છે, પરંતુ આકર્ષક છે. આ મંદિરના અન્ય ભાગો જેવા કે, અર્ધમંડપ, મુખ્ય મંડપ, પ્રાર્થનાખંડ અને પવિત્ર ગર્ભગૃહને પણ સુંદર રીતે કંડારવામાં આવેલ છે.
દેવી જગદંબીના મંદિરમાં ઉજવાતા તહેવારો
માતા જગદંબિકાના મંદિરમાં શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ઊજવવામાં આવે છે. આ નવરાત્રીને ધામધૂમથી ઊજવવામાં આવતી નથી, પરંતુ મંદિરમાં સંપૂર્ણ વિધિ સાથે માતાજીની પૂજા-અર્ચના અને મહાઆરતી ઉતારવામાં આવે છે. આ સિવાય અહીં ખજુરાહોનાં મંદિરોમાં નૃત્ય ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં દુનિયાભરથી લોકો આવે છે.