અષાઢ સુદ તેરસથી શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત જ્યા-પાર્વતી શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા પારણાં ત્રીજના દિવસે કરવામાં આવે છે. પૂજનવિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, કમળકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલનું પાન, સોપારી, ઋતુ અનુસારનું ગમે તે એક ફળ, ધૂપ, દીપ, પુષ્પો તથા રૂપાનાણું વગેરેનો સમાવેશ થાય છે. જે કુંવારિકા કે સૌભાગ્યવતી સ્ત્રીએ વ્રત રાખ્યું હોય તેણે વહેલા ઊઠી નહાઈ-ધોઈ શિવ-પાર્વતીનું પૂજન કરવું. મોળું એકટાણું કરવું. મીઠું અને ગળપણ વર્જ્ય ગણવું. છેલ્લે એટલે કે અષાઢ વદ ત્રીજના દિવસે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે.
જયા-પાર્વતી વ્રતની કથા
કૌડિન નગરમાં એક પુરોહિત દંપતી રહે. પુરુષનું નામ હતું `વામન’ અને સ્ત્રીનું નામ હતું `સત્યા’. બ્રાહ્મણ અને પત્ની બંને ધર્મપરાયણ અને નીતિમાન હતાં. પૈસેટકે સુખી હતાં, પરંતુ નિ:સંતાનપણાનું દુ:ખ હતું. બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું. અખૂટ ધન-સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન હતું નહીં. આંગણે આવનાર આગંતુકની આગતાસ્વાગતા કરતાં. તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. આ લોકો `અન્નદાન’ને શ્રેષ્ઠદાન માનતાં. `સત્યા’નો ખોળો સાવ ખાલી હતો એ વાતનું દુ:ખ તેમને સાલતું હતું.
એક દિવસ વિચરણ કરતાં કરતાં દેવર્ષિ નારદ આ દંપતીને ત્યાં આવી ચડ્યા. પુરોહિત દંપતીએ નારદજીની પૂજા `અતિથિ દેવો ભવ’ માનીને કરી. તેમનો ભાવપૂર્વક આદર-સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદિ અર્પણ કર્યાં.
નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા એટલે વિપ્ર વામને કહ્યું, `હે મહર્ષિજી! એમને બીજી કંઈ આકાંક્ષા નથી. અમારે એકમાત્ર સંતાનની ખોટ છે. માટે અમારું વાંઝિયામેણું મટાડો.’
નારદજી બોલ્યા, `અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે. જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે. તેમાં શિવ-પાર્વતીની મૂર્તિઓ છે, પરંતુ આ મૂર્તિઓ ઘણા સમયથી અપૂજ છે. કોઈ મંદિરની સંભાળ લેતું નથી તેમજ પૂજા પણ કરતું નથી. માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ જરૂર પૂર્ણ થશે. વળી, એક અપૂજ શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો. ભોળાનાથ સદાશિવ તમને જરૂર સંતાન આપશે.’ આટલું કહીને નારદજી વિદાય થયા.
પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ-પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલાં પાંદડાં, ઝાંખરાં વગેરે વાળીઝૂંડીને પૂજા કરી. સત્યા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી. શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યાં. આ દંપતીએ શિવ-પાર્વતીની નિયમિત પૂજા કરવા માંડી.
એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયા. પતિને ફૂલ લઈને આવતા વાર લાગી, તેથી સત્યા મનોમન શંકા-કુશંકા કરવા લાગી. તેનો જીવ આકુળવ્યાકુળ થવા લાગ્યો. ઘણીવાર રાહ જોઈ. આખરે સત્યા પતિને શોધવા નીકળી. ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બેભાન દશામાં પડ્યો હતો. પગની પિંડી લોહીવાળી હતી. બાજુમાં એક કાળોતરો (સર્પ) ફૂંફાડા મારતો ઝાડીમાં સરકી રહ્યો હતો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો હતો. સત્યા સૂધબૂધ ખોઈ બેઠી. તે મૂર્છા પામી ધરતી પર ઢળી પડી.
થોડીવાર પછી સત્યાને મૂર્છા વળી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજી પ્રગટ થઈને ઊભાં હતાં. પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું. પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવી તેને સજીવન કર્યો. પતિ-પત્ની માતા પાર્વતીનાં દર્શન કરી કૃતાર્થ થયાં. માતા-પાર્વતીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું.
આ દંપતીએ સંતાનની માંગણી કરી. પાર્વતીજીએ કહ્યું કે, `તમે જયા-પાર્વતીનું વ્રત કરો. તમારી આશા જરૂર પૂરી થશે.’
સત્યાએ પાર્વતીજીને વ્રતની વિધિ પૂછી. પાર્વતીજી બોલ્યાં:
`આ વ્રત સુદ તેરસના રોજ લેવું અને વદ ત્રીજના રોજ વ્રત પૂર્ણ કરવું. વ્રતધારીએ આ પાંચ દિવસ મીઠું તથા ગળપણ ખાવું નહીં અને એકટાણાં કરવાં. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડવાં. સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજળ, કાંસકી વગેરે સૌંદર્યપ્રસાધનો દાનમાં આપવાં. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિનો વિયોગ કદી ભોગવવો પડતો નથી. સંતાનસુખ મળે છે.’ આટલું કહી પાર્વતીજી અંતર્ધાન થઈ ગયાં.
આ પુરોહિત દંપતીએ જયા-પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન-કીર્તન કર્યાં. અષાઢ વદ ત્રીજના દિવસે ઉદ્યાપન (વિસર્જન) કર્યું. વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો! સત્યા અને વામનને જયા-પાર્વતીનું વ્રત ફળ્યું અને નિ:સંતાનપણાનું દુ:ખ દૂર થયું.
કહેવાનું તાત્પર્ય એ છે કે, સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૂપ છે! નાદ એ શિવ અને બિંદુ એ શક્તિ છે. એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. નાદરૂપ શિવજી જગતના પિતા છે અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા છે. આદ્યશક્તિ જગદંબા છે. આ બંનેનું સ્વરૂપ જ `લિંગ’ કહેવાય છે.
સત્યા અને વામને `શિવલિંગ’ની પ્રેમપૂર્વક પૂજા કરી હતી.
`જગત પિત્તરૌ વન્દે, પાર્વતી પરમેશ્વરો’
માતા-પિતાનું પૂજન કરવાથી પરમ આનંદ થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે માટે શિવલિંગની નિત્ય પૂજા કરવી.