ચંપાનગરીના રાજા ઉદાયી ઉદાસીન રહેતા હતા. એમને ગમે તે કારણે પોતાની રાજધાની બદલવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી. ચંપાનગરીમાં રહેવાનું એમને માફક આવતું ન હતું.
આમ જોવા જાવ તો આ નગરને રાજધાનીનું રૂપ તો એમના પિતા કુણિક રાજાએ જ આપેલું. રાજગૃહી નગરી એ સમયે મગધનું કેન્દ્ર ગણાતી હતી અને સમગ્ર ભારતવર્ષમાં એની આદર્શ તરીકે ગણતરી થતી હતી. રાજા કુણિકને ચંપાનગરી રાજધાની તરીકે ગમી હશે, પણ રાજા ઉદાયી ચંપાનગરીમાં જ્યારે ઉદાસ રહેવા લાગ્યા ત્યારે મંત્રીમંડળે રાજધાની બદલવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં આવું વારંવાર ન બને એટલા માટે પ્રસ્થાપિત કોઈ નગરને રાજધાની તરીકે સ્થાપના કરવા કરતાં સુલક્ષણવાળી ભૂમિ પસંદ કરીને નવી નગરીને પાટનગર બનાવવી, આવો નિર્ણય કરવામાં આવ્યો.
જગ્યાની શોધ કરવાનું કામ ભૂમિ વિશેષજ્ઞોને સોંપવામાં આવ્યું. ગંગાનદીના કિનારે સારી લક્ષણવંતી જગ્યાની શોધ કરવા માટે નીકળ્યા.
ગંગાના કિનારે આગળ વધતાં એમણે એક દૃશ્ય જોયું. પાટલ નામનું એક ઝાડ હતું. ઝાડ તો નાનું હતું, પણ ત્યાં આસપાસનાં પક્ષીઓ આવીને પોતાનો આશ્રય શોધતાં હતાં. દૂર જઈ જઈને પાછાં એ જ વૃક્ષનો આશ્રય શોધવાવાળાં પક્ષીઓ અને વૃક્ષને જોઈને એવું અર્થઘટન કર્યું કે, આ જગ્યા ઉપર રહેવાવાળા માણસોને માટે શાતાકારી ભૂમિ છે અને અહીંના રાજાની પાસે એમના દુશ્મનો પણ શીશ ઝુકાવવાવાળા થશે. આવી વિચારણાને લક્ષ્યમાં લઈને એમણે એ ભૂમિ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. પાટનગર માટે એ જગ્યા સર્વાનુમતિથી સ્વીકૃત બની. સારામાં સારા સ્થપતિઓ દ્વારા એ નગરીનું નિર્માણ થયું. એ નગરીનું નામ પાટલીપુત્ર રાખ્યું. આજે એ નગરી `પરણા’ નામથી ગંગાકિનારે મોજૂદ છે.
હા, તો એ ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એમનું નામ હતું યશોભદ્ર. સરળ, દયાળુ અને કંઈક નવું શીખવાની આંતરિક ભાવનાવાળો હતો. સાધુ-સંતાને જોઈને એમના પ્રત્યે સદ્ભાવની ભાવનાવાળો હતો. હૃદયનો સાફ અને નિર્મળ ચિત્તવાળો એ યુવાન હતો.
એકવાર એમના નગરમાં આચાર્ય ગુરુવર શય્યંભવસૂરિજી પધાર્યા. યશોભદ્ર એમને મળવા ગયો. એણે પોતાના મનમાં ચાલતા પ્રશ્નો શય્યંભવસૂરિજીની સમક્ષ રજૂ કર્યા.
શય્યંભવસૂરિજીએ પોતાની ગંભીર વાણી દ્વારા એક એક પ્રશ્નનાં રહસ્યોને સ્પષ્ટ કર્યાં. પોતાના જ્ઞાનની અગાધતાનો વચનો દ્વારા અનુભવ કરાવ્યો. યશોભદ્ર તો સાંભળતો જ ગયો. સાંભળતાં સાંભળતાં એ ક્યારે નિદ્રામાં સરી ગયો એની એને પોતાને પણ ખબર ન પડી, પણ એ જે સાંભળી રહ્યો હતો એ આખું દૃશ્ય નિદ્રામાં અનુભવી રહ્યો હતો.
પોતાને મૂંઝવતા પ્રશ્નોના જવાબો સાંભળે છે કે સાક્ષાત્ દર્શન કરે છે એ વાતની એને પોતાને જ ખબર પડતી ન હતી. નવાઈના ભાવો સાથે એ આજે એક અદ્ભુત અનુભૂતિમાંથી પસાર થઈ રહ્યો હતો.
આજે એના મન ઉપરથી બધો જ ભાર હલકો થઈ ગયો છે. એ પીગળી રહ્યો છે. એને હવે એ વિચાર આવે છે, આવી અદ્ભુત અનુભૂતિ જો માત્ર આમની સાથે આટલીવાર વાત કરવાથી થતી હોય તો કાયમ માટે એમની સાથે રહેવાથી શું થાય?
હવે એને લાગે છે આ જ મારા ગુરુ. હવે મારે આમને છોડવા નથી. આજથી હવે હું એમનો શિષ્ય. એમને છોડીને હું ક્યાંય જઈશ નહીં. મનથી દૃઢ પ્રતિજ્ઞા કરી લીધી. એણે શય્યંભવસૂરિજીને હાથ જોડીને વિનંતી કરી. પ્રભુ, હવે હું આપની સાથે જ રહેવા માંગું છું. આપ મારો સ્વીકાર કરો.
યશોભદ્રની વિનંતીનો શય્યંભવસૂરિજીને અસ્વીકાર કરવાનું કોઈ કારણ ન હતું. એમને જૈનશાસનના ભવિષ્યના નેતાનાં દર્શન એમનામાં થતા હતા. એમણે માત્ર એટલી જ વાત કરેલી `આપણો કોઈ પણ નિર્ણય પરિસ્થિતિ આધારિત ન હોવો જોઈએ, કારણ કે પરિસ્થિતિ આધારિત નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે, બદલાઈ શકે છે જ્યારે ચારે બાજુના દરેક પાસાઓનો તલસ્પર્શી વિચાર કરીને નિર્ણય કરવામાં આવે તો એ ચિરસ્થાયી બને છે એમાં પછી પરિવર્તનને અવકાશ રહેતો નથી.’
કેટલાક શબ્દો-વિચારો આપણા જીવનને મહત્ત્વની દિશાનિર્દેશ કરવાવાળા હોય છે. કેટલીક વખત આવા શબ્દો સામેની વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ ઘાતક બનતા હોય છે.
યશોભદ્ર શય્યંભવસૂરિજીના વચનામૃતનું પાન કરી રહ્યો હતો. એને વિચાર આવે છે આ વ્યક્તિ કેવા નિસ્પૃહ છે. હું એમને કહી રહ્યો છું મારે આપની સાથે જ રહેવું છે. હવે પછી મારા જીવનની માત્ર એક જ દિશા છે અને તે આપ જ છો ત્યારે આ નિસ્પૃહ ગુરુદેવ કહી રહ્યા છે વિચાર કરીને નિર્ણય કરવા માટે પણ ભલે કહે, મારો નિર્ણય થઈ ગયો છે. અને એણે શય્યંભવસૂરિજીની પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. એણે દીક્ષા લીધી. વેશ પરિવર્તન તો કર્યું જ સાથે સાથે પોતાના મનનું પણ પરિવર્તન કરી લીધું.
ગુરુજીની પાસે રહીને સાવ નાના બાળક બનીને નવા જીવનની તાલીમ લેવાનો પ્રારંભ કર્યો. અભ્યાસ તો ઘણો બધો કરેલો હતો, પણ હવે એને જુદા પરિપ્રેક્ષ્યમાં લેવાનું હતું. અત્યાર સુધી અભ્યાસનું લક્ષ્ય કે જીવનનું લક્ષ્ય વર્તમાન જીવન પૂરતું મર્યાદિત હતું, પણ હવે પછીના જીવન માટે શું કંઈ વિચાર જ નહીં કરવાનો?
શરીરમાં રોગ હોય એવા સમયે સામે ભાવતાં ભોજન પડેલાં હોય, ભૂખ પણ અનુભવાતી હોય, પણ જો એ ભોજન અપથ્યની કક્ષામાં આવતું હોય તો શું આરોગવું હિતાવહ છે? વર્તમાનમાં તો આનંદ-મજા જ આવે, પણ ભવિષ્યમાં કષ્ટદાયક બની શકે છે તો આપણે છોડવું જ પડે છે.
આ પદ્ધતિ બનાવવાવાળું નવું જ્ઞાન, નવો અનુભવ લેવાનું ચાલુ છે. દીક્ષા જીવનની ક્રિયાઓ પણ સમજવાની હોય. એ જીવનની દિનચર્યા અપનાવવાની હોય અને એના માટે અનુભવ લેવો જરૂરી હોય છે, પણ એને હવે એ વિશ્વાસ છે કે મારા ગુરુજી મને સંભાળી લેશે.
શય્યંભવસૂરિજીએ પણ યશોભદ્રને પલોટવા માંડ્યો છે. જીવનની નાવનું સુકાન સાચી દિશામાં હોવું જોઈએ, તો જ આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ. માત્ર એક અંશના ફરકમાં સેંકડો કિલોમીટરના અંતરમાં પહોંચી શકાય છે. એવું ન થાય એવી સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. આ વાતની ગુરુજીને પાકી ખબર છે.
જેના હાથમાં આપણા જીવનની નાવનું સુકાન હોય એ જો હોય તો આપણને ચિંતાનું કોઈ કારણ હોતું નથી. એની જવાબદારી હોય છે. સતત આપણને માર્ગદર્શન પૂરું પાડવાની, પણ સાથે એ પણ સાચું છે કે આપણો બિનશરતી સમર્પણભાવ હોવો જોઈએ. એના વગર બધું નકામું હોય છે. શય્યંભવસૂરિજીની પાસે રહીને અભ્યાસ કરે છે. શિષ્યની સમર્પિતતા ગુરુને જ્ઞાન આપવામાં ઉલ્લસિત કરે છે. ગુરુ શિષ્યની જોડી પણ અદ્ભુત છે.
ચૌદપૂર્વનો એમણે અભ્યાસ કર્યો. કેવલજ્ઞાનની જેમ પ્રવચનની ધારા વહાવે છે. એમની પ્રવચનધારા જોઈને ગુરુ આનંદ પામે છે. એમને હવે વિશ્વાસ બેસે છે કે જૈન શાસનને આગળ વધારવાની ક્ષમતા યશોભદ્રમાં છે. પોતાની પાટ ઉપર એમની સ્થાપના કરે છે. શય્યંભવસૂરિજી પોતાના સ્વકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે.
હવે કોઈ પણ વિષયમાં માર્ગદર્શનની જરૂર હોય તો એમના શિષ્ય તરફ નિર્દેશ કરે છે. સ્વયં અંતર્મુખ બનીને એમની સાધનામાં વિશેષ ધ્યાન આપે છે. યશોભદ્ર જવાબદારીનો સ્વીકાર કરે છે એટલું જ નહીં, પણ સંપૂર્ણપણે નિભાવે છે.
એકવાર એ પોતનપુર નામના નગરમાં જાય છે. ત્યાં બે ભાઈઓ છે. ભદ્રબાહુ અને વરાહ. એ બંનેને બોધ આપે છે, પોતાની પ્રવચનધારા એ બંનેને ભાવિત કરે છે. બંને ભાઈઓ ગુરુની વાતોને આદરપૂર્વક ગ્રહણ કરે છે. સંયમ જીવન સ્વીકારવાનો નિર્ણય કરે છે. એમણે એ સિવાય બીજા એક સંભૂતિવિજય નામના શિષ્ય પણ હતા કે જે ભવિષ્યમાં સ્થુલભદ્રજીના ગુરુ થવાના છે. એમને પણ પ્રતિબોધ આપીને તૈયાર કરેલા હતા.
યશોભદ્રસૂરિજીનો યશ દસે દિશાઓમાં વ્યાપ્ત હતો. એ સમયના શાસકો-રાજાઓ અને મંત્રીઓ એમના ચરણમાં આવીને બેસવામાં પોતાની જાતને ધન્ય માનતા હતા. તો પ્રજાને એમની વાણી સાંભળવામાં આનંદ આવતો. એમની વાણી એવી હતી કે સાંભળનારના હૃદયમાં ઊભી થતી દરેક જાતની સમસ્યાનાં સમાધાન મળી જતાં. એમને બીજે ક્યાંય જવાની જરૂર પડતી નહીં. જ્ઞાનની અગાધતાની સામે નિસ્પૃહ જીવન. દર્શનાર્થીઓને સાક્ષાત્ વૈરાગ્ય મૂર્તિનાં દર્શન થતાં.
યશોભદ્રજી જ્યાં પણ જાય, પૂર્વ ભારત હોય કે પશ્ચિમ, ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, ચીન સુધી એમના વિચરણનો-વિહારનો પ્રદેશ હતો. ભગવાન મહાવીરની પાટ પરંપરામાં એમનું પાંચમું સ્થાન હતું. પાંચમા શ્રુત કેવલી તરીકે એ સમયે સુવિખ્યાત થયેલા હતા. ભગવાન મહાવીરની પાંચમી પાટે થયેલા એ મહાપુરુષને વંદન કરીએ અને એમના જેવી નિસ્પૃહતા, સરળતા અને સંયમને આપણા જીવનમાં અપનાવીએ તો અવશ્ય આપણું આત્મકલ્યાણ થાય જ.
આવા મહાપુરુષોને આદર્શ બનાવીને આપણા જીવનને લક્ષ્યપૂર્વક આગળ વધારીએ તો આધ્યાત્મિક વિકાસમાં આપણી પ્રગતિ અપ્રતિરોધ આગળ વધે.