વોર્ડ નં.૮માં યોજાયેલા ‘મેયર તમારા દ્વારે’ લોકદરબારમાં સમસ્યા બેસુમાર સામે આવી
રાજકોટ મનપા દ્વારા હાલ ‘મેયર તમારા દ્વારે’ શિર્ષક હેઠળ તમામ વોર્ડમાં લોકદરબારનો સીલસીલો ચાલુ થયો છે. જનતાની સમસ્યા, તેા પ્રશ્નો સાંભળવા સામેથી જવુ એ આશય બેશક સારો છે પણ અહીં જનતાનો એક રોષ એવો પણ છે કે, ટીઆરપી કાંડ વખતે મોઢુ છુપાવતા મનપાના આ જ મેયર, આ એ જ પદાધિકારીઓ, શાસકો ક્યાંય શોધ્યા જડતા ન હતા. પ્રજા વચ્ચે ફરીથી આવવા માટે લોકદરબારને માધ્યમ બનાવવામા આવ્યુ. ખેર, આશય જે હોય તે પણ જનતાના દ્વારે જવા મેયર સહિતના પદાધિકારીઓ, શાસકો બહાર તો નીકળ્યા! ગઇકાલે વોર્ડ નં.૮માં લોકદરબાર હતો. તેમા ૬૦ જેટલી સમસ્યાઓની રજૂઆતો હતો. સૌથી વધુ સફાઇ-ગંદકીને લગતી ફરિયાદો હતો. આ એ જ વોર્ડ નં.૮ છે કે જેમાથી ચૂંટાયેલા નગરસેવકો પૈકી એક કોર્પોરેટર અશ્વિન પાંભર ખુદ સેનીટેશન એટલે કે સફાઇ વિભાગના ચેરમેન છે.
આટલી ફરિયાદોના ઢગલા થયા
- અમીન માર્ગ પર નિયમિત સફાઈ કામગીરી કરવવી
- અમીન માર્ગ પર ખુલ્લા પ્લોટમાં સફાઈ કરાવવી
- વૈશાલીનગરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે
- વૈશાલીનગરમાં આંગણવાડી બનાવી.
- સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ગંદકી થાય છે.
- આમ્રપાલી વોકિંગ અંડર પાસમાં સઘન સફાઈ કરવવી.
- રૈયા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલથી નાગરિક બેન્ક સુધીના રોડ પર રેંકડીઓના દબાણને કાયમી દૂર કરવવુ.
- યોગી દર્શન સોસાયટીની બાજુમાં અનધિકૃત ઓરડીઓ દૂર કરવવવુ
- રાજહંસ સોસાયટીની શેરીઓમાં સ્પીડ બ્રેકર કરવા
- રાજહંસ સોસાયટીના થાંભલા પર રહેલા બિનઉપયોગી વાયરો દૂર કરવા
- SBI બેંક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી સોલ્યુશન લાવવા
- યોગી નિકેતન સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા.
- સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સફાઈ કરાવવી.
- પંચવટી સોસાયટીમાં સ્પીડ બ્રેકર નાખવા
- પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થવા બાબત
- નાગરિક બેંક પાસે સીટી બસ સ્ટોપ કરવા બાબત
- નવજ્યોત પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા
- અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડમાં કરેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવી
- ન્યુ કોલેજવાડીની પાછળ ખુલ્લા પ્લોટમાં રહેલ બાંધકામ હટાવવા.
- બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં ટ્રાફિકની રજુઆત
- નાલંદા સોસાયટીમાં જૈન દેરાસર પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ દૂર
- પાણીના ફોર્સ ધીમો આવવા બાબત.
- રાજકૃતિ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત
- વૈશાલીનગરમાં ગાર્ડન બનાવવા બાબત
- ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા બાબત
કાર્યક્રમના આવકાર સાથે બીજુ પાસુ રજૂ કરી વિપક્ષના ચાબખા
લોક દરબાર મેયરનો, પણ ‘સિંહાસન’ પર કબજો જયમીન ઠાકર અને ભાજપ પ્રમુખનો
લોકદરબાર ફિક્સીંગ, ભાજપના કાર્યકરો જ વધુ, આમ જનતાને માઇક ભાગ્યે જ મળે છે
મેયર દ્વારા ચાલતા લોકદરબાર અંગે શહેર કોંગ્રેસ દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાઆવી છે કે, પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક વલણ અપનાવી ઉકેલ લાવવાનો ઉમદા પ્રયાસ છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ પરંતુ ખાટલે મોટી ખોટ ની જેમ લોકોના આવેલ પ્રશ્નો નો ઉલાળીયો કરવામાં આવે છે. આ લોક દરબાર એ ભાજપના મળતીયા નો મેળાવડો છે કારણ કે શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ માઈક નો હવાલો ભાજપના કાર્યકર્તાઓ પાસે જ વધુ રહે છે અને જે લોકો આવ્યા હોય તે ભ્રષ્ટાચાર કે અણ ઉકેલ પ્રશ્નોની ફરિયાદો કરવામાં આવે તો તેવા લોકોની ફરિયાદો સાંભળવાને બદલે તેને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેસાડી દેવામાં આવે છે. મેયર દ્વારા શરૂ કરવામાં આવેલા વોર્ડ વાઇઝના લોક દરબારોએ નર્યું ડિંડક અને તુત છે. લોક દરબાર એ ફક્ત ટીઆરપી કાંડ પછી ફરી પ્રજા વચ્ચે આવવા નાટકનો એક ભાગ છે. લોક દરબાર નું નામ મેયરનો લોક દરબાર છે. મેયર પ્રજાના દ્વારે પરંતુ મેયર ને બદલે ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સમગ્ર દરબારનો હવાલો પોતાના હાથમાં લઇ જવાબો આપતા હોય કયા કાર્યકરોને બોલવા દેવા એ અગાઉથી નક્કી હોય છે. આ પ્રકારે મેયર રબર સ્ટેમ્પ હોય એવું જણાય છે. લોકદરબાર બાદ અત્યાર સુધીમા મળેલી ફરિયાદો નો આંકડો અને કેટલી ફરિયાદનો નિકાલ કરેલ છે તેની વિગતો જાહેર કરવી જોઈએ કારણ કે કમિશનર અને મેયરને કરવામાં આવતી ફરિયાદો કચરાપેટીમાં સ્વાહા કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપનારી રાજકોટ મહાનગરપાલિકામાં ગેમ ઝોનના ભ્રષ્ટાચારમાં સમગ્ર રાજકોટ નહીં પરંતુ ગુજરાત ની જનતા વાકેફ છે.