- રિલાયન્સ મોલમાં આગ લાગવાનું કારણ અકબંધ
- વિકરાળ આગ લાગતા ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો
- ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી
જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં આગ લાગી હતી. જેમાં રિલાયન્સ મોલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. વિકરાળ આગ લાગતા ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતો.
ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી
ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી, જે આજે વહેલી સવારે 5 વાગ્યે 30થી વધુ ફાયર ફાઈટર્સની મદદથી કાબૂમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટર્સની ટીમ રવાના કરવામાં આવી હતી. એ બાદ જરૂર જણાતાં અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાથી મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિકજામ સર્જાઈ નહીં એ માટે પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.
આગના કારણની તપાસ કરવામાં આવશે: રિલાયન્સ પ્રવક્તા
ઘટના બાબતે રિલાયન્સ પ્રવક્તાએ જણાવ્યું છે કે જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે.


