જૂના એરપોર્ટમાં બાંધકામોની NOC નહીં લેવી પડે
અમદાવાદ-મુંબઇને જેમ હવે શહેરમાં સ્કાયક્રેપર બની શકશે
ફનેલના નિયમો દૂર થશે : ક્રેડાઇ રાજકોટની રજૂઆતને સફળતા : નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુની જાહેરાત
એક વર્ષ પૂર્વે રાજકોટથી દુર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ થયા બાદ જૂના એરપોર્ટને સંબંધીત શહેરમાં લાગુ બાંધકામના નિયમો અને ફનેલ વિસ્તાર મુક્ત કરવાની ક્રેડાઇ રાજકોટ અને બિલ્ડર એસો.ની માંગણીનો અંતે કેન્દ્રએ સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સતાવાર રીતે રાજકોટ જૂના એરપોર્ટને NOCમાંથી મુક્ત કરી દીધી છે. આ અંગે આજ રોજ ભારત સરકારના ગેઝેટમાં જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સાથે સાથે ક્રેડાઇ રાજકોટના વાઇસ પ્રેસીડન્ટ ધ્રુવીક પટેલને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુએ સત્તાવાર ગેઝેટની નકલ આપી રાજકોટના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે.
ખાસ કરીને જૂના એરપોર્ટને કારણે રાજકોટમાં કોઇપણ બાંધકામ ઉદ્યોગને ફનેલ વિસ્તારમાં બાંધકામ કરવું હોય તો એરપોર્ટ ઓથોરીટીની પરવાનગી લેવી જરૂરી હતી. એટલું જ નહિં ફનેલ વિસ્તારમાં બાંધકામ મર્યાદીત ઉંચાઇમાં જ થઇ શકતું હતું. જયારે ફનેલ બહારના રાજકોટ શહેર અને બહારના વિસ્તારમાં ઉંચી ઇમારતો માટે એરપોર્ટ ઓથોરીટી પરવાનગી આપે તેટલી જ ઉંચાઇના બાંધકામ થઇ શકતા હતા. પરંતુ એરપોર્ટ ઓથોરીટીએ હવે જુના એરપોર્ટ માટેના પરવાનગીના તમામ નિયમો પાછા ખેંચી લેતા રાજકોટમાં અમદાવાદ-સુરતની માફક ગગનચુંબી ઇમારતો બની શકશે. આથી શહેરનો વર્ટીકલ વિકાસ થઇ શકશે. જયા ઇન્ફ્રાસ્ટકચર છે અને પાયાની સુવિધા છે. તે વિસ્તારમાં હવે નવા બાંધકામ અને રીડેવલપમેન્ટની મોટી શક્યતાઓ ઉભી થશે.
અગ્ર ગુજરાત સાથે વાતચીત કરતા ક્રેડાઇ રાજકોટના વાઇસ પ્રેસીડન્ટ ધ્રુવીક તળાવીયા (પટેલે) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઓફિશ્યલ ગેઝેટમાં રાજકોટમાં જૂના એરપોર્ટના બાંધકામ સંબંધીત તમામ NOC સહિતની પરવાનગીની પ્રક્રિયામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. આ કારણે રાજકોટમાં હવે 40-50 માળની ગગનચુંબી ઇમારતો બની શકશે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇ રાજકોટ છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરી લડત આપી રહ્યો હતો. જેનો કેન્દ્ર સરકારે સાનુકુળ પ્રતિભાવ આપ્યો છે અને રાજકોટના વિકાસ માટે જૂના એરપોર્ટની NOC પ્રક્રિયામાંથી બાંધકામ ઉદ્યોગને મુક્તિ આપી છે.


