- માતૃસંસ્થા’ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ગજવી શકશે કે કેમ?
- હર્ષદ ત્રિવેદીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર માધવ રામાનુજ, પ્રફુલ્લ રાવલને હરાવ્યા
- સરકારી બની રહેલી ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાયેલા રહ્યા છે
ગુજરાતી સાહિત્ય પરિષદના 2023થી 2026ના ત્રણ વર્ષ માટે પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણીના સોમવારે મોડી સાંજે જાહેર થયેલા પરિણામો અનુસાર સુપ્રસિદ્ધ સાહિત્યકાર માધવ રામાનુજ અને પ્રફુલ્લ રાવલને હરાવી સરકારી બની રહેલી ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહાઅમાત્ય (રજિસ્ટ્રાર) હર્ષદ ત્રિવેદી નવા પ્રમુખપદે ચૂંટાયા છે. હર્ષદ ત્રિવેદીને 512, માધવ રામાનુજને 305 અને પ્રફુલ્લ રાવલને 186 મત મળ્યા હતા. પોસ્ટલ બેલટથી થયેલી આ ચૂંટણીમાં પરિષદની મધ્યસ્થ સમિતિના 40 સભ્યોની પણ વરણી કરવામાં આવશે. જેના પરિણામ મોડી રાત્રે જાહેર થયા હતા.
નવા ચૂંટાયેલા પ્રમુખ હર્ષદ ત્રિવેદી મૂળભૂતપણે દીર્ઘ સમય સુધી સરકારી બની રહેલી ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાયેલા રહ્યા છે. 1984થી તેઓ અહીં પ્રૂફ રિડર તરીકે જોડાયેલા અને 2010થી 2015 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમીના મહાઅમાત્ય રહ્યા હતા. એક સાહિત્યકાર અને સર્જક તરીકે તેમણે કવિતા, ટૂંકી વાર્તા ઉપરાંત અનેક વિવેચન ગ્રંથો આપ્યા છે. પરિષદના પ્રમુખપદની ગત ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવેલું. પરંતુ પ્રકાશ ન શાહ સામે તેઓ હારી ગયા હતા.
ગુજરાતી સાહિત્ય પરિષદે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સાહિત્ય અકાદમી સરકાર હસ્તક બની રહેવાના બદલે સ્વાયત્ત હોવી જોઈએ તેની ઝુંબેશ ઉપાડી હતી. જોવાનું એ રહે છે કે, વર્ષો સુધી અકાદમીમાં રહ્યાં, તેના રજિસ્ટ્રારનો હોદ્દો પણ સંભાળ્યો તે પછી હવે પરિષદમાં રહી હર્ષદ ત્રિવેદી કેટલા વેગથી પોતાની જ માતૃસંસ્થા’ની સ્વાયતત્તા માટે આકરો સૂર ઉચ્ચારી શકે છે. છેલ્લા કેટલાક પ્રમુખોની સરખામણીમાં હર્ષદ ત્રિવેદી વયમાં નાના હોવાથી તેઓ વધુ સક્રિયપણે પરિષદની કાર્યવાહીમાં સામેલ રહેશે તેવો આશાવાદ છે. સાથે જ એવો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભૂતકાળમાં મોટો સમય ગુજરાતની બહાર રહેવા છતાં લગભગ સત્તાવાહી ઢબના પ્રમુખ રહેલા સિતાંશુ યશૃંદ્ર જેવું જ વલણ હર્ષદ ત્રિવેદી ધરાવે છે. તેઓ ખાસ્સા લોકપ્રિય પણ છે. સાથે જ તેમના આકરા ટીકાકરોની સંખ્યા પણ એટલી જ મોટી છે. અલબત્ત, પરિષદની કારોબારી-મધ્યસ્થ સમિતિમાં જે સાહિત્યકારોની ટીમ બની શકે છે તેના કારણે તેઓ બેફામ નહીં બને તેવું પણ માનનારા ઘણા છે.


