- વિશ્વ બૅન્કે 361 કરોડની લોન મંજૂર કરી
- ‘ડ્રીપ’-2.0 હેઠળ રિપેરિંગ તથા મજબૂતીકરણનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો
- ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલના રિપોર્ટને આધારે આ કામગીરી હાથ ઉપર લેવાઈ
ગુજરાતના ચાર મોટા ડેમ-ઉકાઈ, ધરોઈ, કડાણા અને પાનમને કેન્દ્ર સરકારના જળસંપત્તિ મંત્રાલયની ડેમ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ-‘ડ્રીપ’-2.0 હેઠળ રિપેરિંગ તથા મજબૂતીકરણનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો છે, જેના માટે વિશ્વ બૅન્કે રૂ.361 કરોડની લોન મંજૂર કરી દીધી છે.
ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલના રિપોર્ટને આધારે આ કામગીરી હાથ ઉપર લેવાઈ છે, જેમાં ડેમના મજબૂતીકરણ ઉપરાંત સ્પિલવે કેપેસિટી વધારવાની, જરૂર પડયે વધારાના ગેટ લગાવવાની, હયાત ગેટ રિપેરિંગ અથવા જરૂર પડયે નવા લગાવવાની, સિપેજ લીકેજ માટે સિમેન્ટિંગ યાને ગ્રાઉટિંગની કામગીરી થશે.
સૂત્રો કહે છે કે, અત્યારે ટેન્ડરિંગ દ્વારા કોન્ટ્રાક્ટર શોધી કામગીરી સોંપવાની કામગીરીમાં વર્કઓર્ડર અપાયા છે, તો કેટલાકમાં ટેન્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ચારે ડેમના રિપેરિંગ તથા મજબૂતીકરણનું કાર્ય આવતા બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે અને વર્લ્ડબૅન્ક તબક્કાવાર લોનનું ચુકવણું કરશે.
વાસ્તવમાં ઉક્ત ચાર ડેમ સાથે શેત્રુંજી, મચ્છુંદરી તથા હિરણ-1 એમ બીજા ત્રણ ડેમની કામગીરી પણ હાથ ઉપર લેવાની હતી, પરંતુ કહે છે કે, ‘ટેક્નિકલ’ કારણોસર આ ત્રણ ડેમનું કાર્ય બાકી રાખવામાં આવ્યું છે, જે બાદમાં હાથ ઉપર લેવાશે, તેમ જણાવાઈ રહ્યું છે. આ ત્રણે ડેમમાં જંગલ જમીનના પ્રશ્નો શિરદર્દ બન્યાં હોવાનું કહેવાય છે.
દેશમાં નવો ડેમ સેફ્ટી એક્ટ ડિસેમ્બર-2021થી અમલમાં મુકાયો છે, જેના કારણે 100 વર્ષથી વધુ આયુ ધરાવતા ડેમ શક્ય હોય તો રિપેરિંગ કરવાનું અથવા ક્રમશ : નેસ્તનાબૂદ કરવાનું નક્કી થયું છે. અલબત્ત, ગુજરાત સરકારે જે પ્રથમ તબક્કામાં ઉક્ત ચાર ડેમ મજબૂત કરવાનું કાર્ય હાથ ઉપર લીધું છે, તે ચારે મોટાભાગથી 40થી વધુ વર્ષ જૂના છે. સૂત્રો એવું પણ કહે છે કે, અત્યાર સુધી રાજ્યના 306 ડેમનું મોનિટરિંગ ચોમાસા દરમિયાન ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા થતું હતું, પણ હવે નવા એક્ટના અમલીકરણ પછી રાજ્યના નાના-મોટા મળીને કુલ 530 જેટલા ડેમ જળાશયોનું મોનિટરિંગ રાજ્ય સરકારે ફરજિયાત કરવું પડશે.


